Ahmedabad News: અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ (Ahmedabad Sessions Court) દ્વારા બે યુવકોને નિર્દોષ જાહેર કરવાના ચુકાદા (Criminal Appeal Dismissed) સામે એક મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) અપીલ કરી હતી. જોકે, હાઈકોર્ટે મહિલાની અપીલ ફગાવી દેતાં નીચલી કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે. બે સંતાનોની માતા એવી મહિલાએ એક યુવક પર જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવાનો, જ્યારે બીજા યુવક પર નગ્ન ફોટાના આધારે બ્લેકમેઇલ કરીને શારીરિક સંબંધોની માગણી કરવાનો આક્ષેપ કર્યો હતો.
કેસના પુરાવાઓની તપાસ કર્યા બાદ હાઈકોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદી અને મુખ્ય આરોપી વચ્ચેના સંબંધો પરસ્પર સંમતિથી બંધાયા હતા. સંબંધોમાં તિરાડ પડ્યા બાદ તેને દુષ્કર્મના ગુનામાં ફેરવી શકાય નહીં.
Criminal Appeal Dismissed: 2019માં ફેસબુક પર સંપર્ક, 2022માં નોંધાવી ફરિયાદ
કેસની વિગતો મુજબ, 35 વર્ષીય પરિણીત મહિલા વર્ષ 2019માં ફેસબુક મારફતે પાર્થ નામના યુવકના સંપર્કમાં આવી હતી. મહિલાનો આક્ષેપ હતો કે પાર્થે તેને અમદાવાદના એક ગેસ્ટહાઉસમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેના ફોટા પાડી લીધા હતા.
ત્યારબાદ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને ગેસ્ટહાઉસ અને ગાંધીનગરની એક હોટલમાં વારંવાર શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. વધુમાં, કિશન નામના અન્ય યુવકને આ ફોટા અંગે જાણ થતાં તેણે પણ શારીરિક સંબંધની માગણી કરી હોવાનો આરોપ મૂક્યો હતો. આ મામલે મહિલાએ વર્ષ 2022માં અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
હોટલ માલિકની જુબાની અને કોલ ડિટેલ્સની તપાસ
મહિલા તરફથી દલીલ કરવામાં આવી હતી કે લગ્નજીવન અને સંતાનોના ભવિષ્યની ચિંતાને કારણે ફરિયાદ નોંધાવવામાં ત્રણ વર્ષનો વિલંબ થયો હતો. આ વિલંબને ફરિયાદ સામેનો આધાર ગણી શકાય નહીં. જોકે, હાઈકોર્ટે હોટલ માલિકની જુબાની, કોલ ડિટેલ્સની ટ્રાન્સક્રિપ્ટ સહિત રેકર્ડ પરના પુરાવાઓ તપાસ્યા હતા. તેમાં ફરિયાદી અને મુખ્ય આરોપી વચ્ચે પ્રેમસંબંધ હોવાનું તેમજ મહિલા પોતાની મરજીથી હોટલોમાં ગઈ હોવાનું સામે આવ્યું હતું.
ઉલટતપાસ દરમિયાન એપ્રિલ 2022માં મહિલાએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું અને મોબાઇલમાંથી કોઈ વાંધાજનક ફોટા મળી આવ્યા ન હોવાનું સ્વીકાર્યું હતું. તે સમયે તેણે આગળની કાર્યવાહી ન કરવાની વાત પણ કરી હતી. સમાધાન બાદ ફરીથી ફરિયાદ કરવા પાછળ કોઈ સંતોષકારક કારણ જણાતું ન હોવાનું હાઈકોર્ટે નોંધ્યું હતું.
પાર્કિંગના ઝઘડા બાદ બીજા યુવકનું નામ જોડાયું
હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, દુષ્કર્મના કેસમાં માત્ર ભોગ બનનારની જુબાનીના આધારે પણ સજા થઈ શકે છે, પરંતુ તેની જુબાની સંપૂર્ણ વિશ્વસનીય, વિરોધાભાસ વિનાની અને શંકાથી પર હોવી જરૂરી છે. આ કેસમાં આવું જોવા મળ્યું નહોતું.
કોર્ટના અવલોકન મુજબ, ફરિયાદ નોંધાયાના એક દિવસ પહેલાં ફરિયાદીના પતિ અને બીજા આરોપી કિશન વચ્ચે કાર પાર્ક કરવા બાબતે ઝઘડો થયો હતો. આ ઉપરાંત, કોઈ વાંધાજનક ફોટા પણ મળી આવ્યા નહોતા. તેથી કિશન સામેના આક્ષેપો સાબિત થતા નથી.
હાઈકોર્ટે વધુમાં નોંધ્યું હતું કે, પરસ્પર સંમતિથી બંધાયેલા સંબંધોને દુષ્કર્મના ગુનામાં ખપાવવાથી આવા ગંભીર ગુનાની ગંભીરતા ઘટે છે અને ન્યાયતંત્રની વ્યવસ્થાનો દુરુપયોગ થાય છે. આ અવલોકનો સાથે હાઈકોર્ટે મહિલાની અપીલ ફગાવી દીધી હતી અને બંને યુવકોને નિર્દોષ છોડવાના નીચલી કોર્ટના ચુકાદાને (High Court Verdict) યથાવત રાખ્યો હતો.
આ પણ વાંચો: લગ્નનું ખોટું વચન આપીને શારીરિક સંબંધ બાંધવો ગુનો, ગુજરાત હાઈકોર્ટે યુવકની અરજી ફગાવી
આ પણ વાંચો: ‘સત્તા મળી એટલે નિર્દોષોને દંડશો?’ ગુજરાત હાઈકોર્ટની સાયબર ક્રાઈમ પોલીસને ફટકાર
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ: બોગસ રિપોર્ટ બદલ હેડ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી
