Gujarat News/ લગ્નનું ખોટું વચન આપીને શારીરિક સંબંધ બાંધવો ગુનો, ગુજરાત હાઈકોર્ટે યુવકની અરજી ફગાવી

BNS Section 69: ગુજરાત હાઈકોર્ટે લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધ્યા બાદ વ્યાજબી કારણ વિના લગ્નનો ઇનકાર કરવાના કેસમાં યુવકની એફઆઈઆર રદ કરવાની અરજી ફગાવી છે. કોર્ટે BNSની કલમ 69 અંગે મહત્ત્વનું અવલોકન કર્યું.

Top Stories Gujarat
BNS Section 69: લગ્નના ખોટા વચનથી શારીરિક સંબંધ ગુનો, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો

Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટે લગ્નનું વચન આપીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ કોઈ વ્યાજબી કારણ વિના લગ્ન કરવાનો ઇનકાર કરવાના કેસમાં મહત્ત્વનું અવલોકન કર્યું છે. હાઈકોર્ટે જણાવ્યું કે આવા સંજોગોમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 69 (BNS Section 69) હેઠળ શિક્ષાપાત્ર ગુનો બની શકે છે. આ સાથે જસ્ટિસ એમ. કે. ઠક્કરે આરોપી યુવક દ્વારા પોતાની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની માગ સાથે કરેલી અરજી ફગાવી દીધી હતી.

BNS Section 69: શરૂઆતથી જ લગ્નનો ઇરાદો ન હોવાનો મુદ્દો

આરોપી યુવક તરફથી દલીલ કરવામાં આવી હતી કે ફરિયાદી યુવતી 23 વર્ષની પુખ્ત વયની છે અને બંને વચ્ચેના સંબંધો સહમતિથી બંધાયા હતા. જોકે, હાઈકોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી.

કોર્ટે નોંધ્યું હતું કે યુવતી કે યુવક તરફથી લગ્ન ન કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ રજૂ કરવામાં આવ્યું નથી. લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધ્યા બાદ કોઈ વ્યાજબી કારણ વિના લગ્નનો ઇનકાર કરવો એ શરૂઆતથી જ લગ્ન કરવાનો ઇરાદો ન હોવાનો સંકેત આપી શકે (Gujarat Legal News) છે.

સહમતિ અને છેતરપિંડી વચ્ચેનો તફાવત

હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે સહમતિથી બંધાયેલા સંબંધો અને ખોટું વચન આપીને છેતરપિંડીથી બાંધવામાં આવેલા સંબંધો વચ્ચે તફાવત છે. આરોપીનો શરૂઆતથી જ લગ્ન કરવાનો ઇરાદો હતો કે પછી માત્ર શારીરિક સંબંધ બાંધવા માટે ખોટું વચન આપવામાં આવ્યું હતું, તે સંજોગોના આધારે નક્કી કરવાનું રહે છે.

કોર્ટના મતે, આ કેસમાં પ્રથમ દૃષ્ટિએ ગુનો બનતો જણાય છે. તેથી ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવી કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ ગણાય નહીં. હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના ‘સ્ટેટ ઓફ હરિયાણા વિરુદ્ધ ભજનલાલ’ કેસમાં નક્કી કરાયેલા માપદંડોને ધ્યાનમાં રાખીને એફઆઈઆર રદ કરવાની અરજી (FIR Quashing Petition) ફગાવી હતી.

શું છે સમગ્ર મામલો?

ફરિયાદી યુવતી અને આરોપી યુવક બે વર્ષથી વધુ સમયથી એકબીજાને ઓળખતા હતા અને બંને વચ્ચે આત્મીય સંબંધો હતા. વર્ષ 2024માં યુવક યુવતીના ઘરે ગયો હતો. ત્યારબાદ બંનેના માતા-પિતા લગ્ન માટે સંમત થયા હતા. જોકે, જે દિવસે બંનેની સગાઈ થવાની હતી તે દિવસે યુવકના પરિવારના એક સભ્યનું અવસાન થતાં સગાઈ થઈ શકી નહોતી. તેમ છતાં યુવતીના માતા-પિતાને લગ્ન અંગે ખાતરી આપવામાં આવી હતી.

ત્યારબાદ યુવતી યુવક સાથે ઉદયપુર ગઈ હતી, જ્યાં લગ્નના વચન હેઠળ બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. આ પછી યુવકના પિતાએ સગાઈ આગળ વધારવા માટે રૂ. 15 લાખની માગણી કરી હતી. યુવતીના માતા-પિતા આ રકમ આપવા પણ સંમત થયા હતા.

જોકે, આ વર્ષે મે મહિનામાં યુવતીના પિતાએ લગ્નની તારીખ અંગે પૂછપરછ કરતાં યુવકના પરિવારજનોએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. યુવકે પણ યુવતીને તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ યુવતીએ અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશન (પૂર્વ)માં BNSની કલમ 69 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

શું છે BNSની કલમ 69?

ભારતીય ન્યાય સંહિતાની કલમ 69 હેઠળ લગ્ન કરવાનો ઇરાદો ન હોવા છતાં ખોટું વચન (False Promise of Marriage) આપીને અથવા અન્ય કોઈ છેતરપિંડીના માધ્યમથી શારીરિક સંબંધ બાંધવો ગુનો ગણાય છે. આ જોગવાઈ 1 જુલાઈ, 2024થી અમલમાં આવેલા નવા ફોજદારી કાયદાનો ભાગ છે.

આ કલમ હેઠળ દોષિત ઠરનાર વ્યક્તિને 10 વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ છે. જોકે, માત્ર સંબંધ તૂટી જવો અથવા લગ્ન ન થવા એ આપમેળે આ કલમ હેઠળ ગુનો સાબિત કરતું નથી. લગ્નનું વચન શરૂઆતથી જ ખોટું હતું કે નહીં અને છેતરપિંડી થઈ હતી કે નહીં તે કેસના સંજોગો અને પુરાવા પરથી નક્કી થાય છે.


આ પણ વાંચો: સેક્સ વર્કર પાસે ગયેલા ગ્રાહક સામે સીધો ગુનો બને? ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

આ પણ વાંચો: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: ગુજરાત હાઈકોર્ટે સજાના અમલ પર 3 મહિનાનો સ્ટે આપ્યો, હવે આરોપીઓ સુપ્રીમ કોર્ટ જશે

આ પણ વાંચો: નારાયણ સાઈને રાહત નહીં: ગુજરાત હાઈકોર્ટે સજા સસ્પેન્ડ કરવાની અરજી ફગાવી