New Delhi News: નવી દિલ્હીમાં આયોજિત પ્રથમ SCO સિવિલાઇઝેશનલ ડાયલોગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વને શાંતિ, પરસ્પર સંવાદ અને સાંસ્કૃતિક એકતાનો સંદેશ (PM Modi Peace Message) આપ્યો હતો. તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વ અત્યારે યુદ્ધ અને અશાંતિના માહોલમાંથી પસાર થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધો મજબૂત બનાવવા જરૂરી છે, કારણ કે વૈશ્વિક શાંતિની સૌથી મજબૂત ગેરંટી સાંસ્કૃતિક સંબંધો છે. આ કાર્યક્રમમાં SCOના સભ્ય દેશોના પ્રતિનિધિઓ સાથે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ સરકારના મંત્રીઓએ પણ ભાગ લીધો હતો.
PM Modi Peace Message: દિલ્હીના ઐતિહાસિક જૂના કિલ્લામાં યોજાયો કાર્યક્રમ
ભારત સરકારની પહેલ પર નવી દિલ્હીના ઐતિહાસિક જૂના કિલ્લામાં SCO સિવિલાઇઝેશનલ (SCO Civilizational) ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે PM મોદીએ SCO સંગઠનનાં 25 વર્ષ પૂર્ણ થવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે છેલ્લા 25 વર્ષમાં સંગઠને સુરક્ષા, અર્થતંત્ર અને કનેક્ટિવિટીના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ સંવાદથી આ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે.
સાંસ્કૃતિક વિરાસત રાજકીય સીમાઓથી આગળ લોકોને જોડે છે
PM મોદીએ જૂના કિલ્લાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ઇતિહાસકારોના મતે દિલ્હીના આ વિસ્તારનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. અહીં વૈદિક પરંપરાથી લઈને બૌદ્ધ ધર્મ સુધીની સાંસ્કૃતિક વિરાસતનાં અનેક પાસાં જોવા મળે છે. હનુમાનજી સાથે જોડાયેલી માન્યતાઓ સહિત ભારતની વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ આ ધરોહરનો ભાગ છે.
તેમણે જણાવ્યું હતું કે આ વારસો માત્ર ભારતના ઇતિહાસને જ નહીં, પરંતુ સમગ્ર માનવતાના ઇતિહાસને પણ રજૂ કરે છે. સંસ્કૃતિ અને પરંપરાઓ દેશોને રાજકીય સીમાઓથી આગળ વધીને એકબીજા સાથે જોડે છે.
વેપારના માર્ગો પરથી વિચારો અને સંસ્કૃતિનું પણ આદાનપ્રદાન થયું
વડાપ્રધાન મોદીએ કહ્યું કે પ્રાચીન સમયમાં વેપારના માર્ગો માત્ર વેપારીઓની અવરજવર પૂરતા મર્યાદિત નહોતા. આ માર્ગો પરથી વિચારકો, પ્રવાસીઓ અને ધર્મગુરુઓ પણ એક દેશમાંથી બીજા દેશમાં જતા હતા. બૌદ્ધ ભિક્ષુઓ ગાંધારના માર્ગે ચીન પહોંચ્યા હતા અને ત્યાં બૌદ્ધ ધર્મના વિચારોનો પ્રસાર કર્યો હતો. બીજી તરફ હ્યુએન ત્સાંગ અને ફાહિયાન જેવા પ્રવાસીઓ ભારત આવ્યા હતા અને અહીંના વિચારો તથા સંસ્કૃતિને પોતાની સાથે લઈ ગયા હતા.
તેમણે કહ્યું કે સામ્રાજ્યોએ દુનિયાના નકશા બદલ્યા છે, પરંતુ સંસ્કૃતિઓ વચ્ચેના સંવાદે દુનિયાના વિચારો બદલ્યા છે.
પંચતંત્ર અને રામાયણનો વિશ્વભરમાં પ્રસાર
PM મોદીએ આશા વ્યક્ત કરી હતી કે નવી દિલ્હીમાં શરૂ થયેલો આ ડાયલોગ ફોરમ વિશ્વને નવા જ્ઞાન અને વિચારો આપવાનું માધ્યમ બનશે. તેમણે ભારતના પંચતંત્રનું ઉદાહરણ આપતાં કહ્યું કે તેનો ફારસી સહિત અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે અને તેની વાર્તાઓ વિશ્વભરમાં લોકપ્રિય બની છે. તેવી જ રીતે રામાયણે પણ વિવિધ દેશો અને ભાષાઓમાં પોતાની આગવી ઓળખ બનાવી છે.
તેમણે ભારતમાં સૂફી પરંપરાના પ્રભાવથી કવ્વાલી જેવી સંગીત પરંપરાના વિકાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના મતે આધુનિક ટેકનોલોજીના કારણે આજે સાંસ્કૃતિક સંબંધોને આગળ વધારવાની નવી શક્યતાઓ ઊભી થઈ છે. અગાઉ જે અંતર કાપવામાં મહિનાઓ લાગતા હતા, તે આજે થોડા સમયમાં કાપી શકાય છે.
AIની મદદથી યુવાનો સુધી પહોંચશે સાંસ્કૃતિક વારસો
વડાપ્રધાન મોદીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગ પર ભાર મૂકતાં કહ્યું કે અનેક દેશોનો સાંસ્કૃતિક વારસો આજે પણ મર્યાદિત ભાષાઓમાં ઉપલબ્ધ છે. AIની મદદથી આ વારસાનું વિવિધ ભાષાઓમાં રૂપાંતર કરીને વિશ્વભરના યુવાનો સુધી પહોંચાડી શકાય છે.
તેમણે ભારતની ‘વસુધૈવ કુટુંબકમ’ની વિચારધારાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારતમાં ધાર્મિક પૂજા અને અનુષ્ઠાનના અંતે સમગ્ર વિશ્વના કલ્યાણની કામના કરવામાં આવે છે. ભારત માટે આખું વિશ્વ એક પરિવાર સમાન છે.
PM મોદીએ વધુમાં કહ્યું કે પરસ્પર સદ્ભાવના વૈશ્વિક કલ્યાણનો આધાર છે. આ ભાવના ત્યારે જ વિકસે છે, જ્યારે લોકો એકબીજા સાથે સામ્યતા અનુભવે અને એકબીજાની પરંપરાઓને સ્વીકારે. ભારતની વિવિધતા તેનું ઉદાહરણ છે, જ્યાં વિવિધતાને સ્વીકારવાની સાથે તેને વધુ મજબૂત બનાવવામાં આવે છે.
આ પણ વાંચો: નેપાળના PM બાલેન્દ્ર શાહ પહેલીવાર ભારતની મુલાકાતે, PM મોદી સાથે મહત્વપૂર્ણ બેઠક
આ પણ વાંચો: સવાર-સાંજ ગાળો આપવાથી દેશ આગળ નથી વધતો, વિપક્ષ પર PM મોદીનો પ્રહાર
આ પણ વાંચો: 12 વર્ષમાં 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર! PM મોદીએ FICCI મંચ પરથી ગણાવી સરકારની સિદ્ધિઓ
