Gandhinagar News: ગુજરાતમાં હાઈવે પર મુસાફરી કરતા ખાનગી વાહનચાલકો માટે મહત્ત્વના સમાચાર છે. રાજ્યમાં હવે ખાનગી વાહનોના દસ્તાવેજોની પણ ઈ-ડિટેક્શન સિસ્ટમ (Gujarat E-Detection System) દ્વારા ચકાસણી કરવામાં આવશે. અત્યાર સુધી આ સિસ્ટમ હેઠળ મુખ્યત્વે ટ્રક, બસ અને અન્ય કોમર્શિયલ વાહનોનાં દસ્તાવેજોની તપાસ થતી હતી, પરંતુ હવે તેનો વ્યાપ વધારી ખાનગી વાહનોને પણ આવરી લેવામાં આવશે. ટોલ પ્લાઝા પરથી પસાર થતાં વાહનોની નંબર પ્લેટ સ્કેન કરીને દસ્તાવેજોની માન્યતા તપાસવામાં આવશે. દસ્તાવેજો એક્સપાયર અથવા અમાન્ય હશે તો વાહનચાલકને ઈ-ચલણ (Private Vehicles E-Challan) મળી શકે છે.
Gujarat E-Detection System: ટોલ પ્લાઝા પર કેમેરા નંબર પ્લેટ સ્કેન કરશે
ઈ-ડિટેક્શન સિસ્ટમ અંતર્ગત હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા (Toll Plaza) પરથી પસાર થતાં વાહનોની નંબર પ્લેટ કેમેરા દ્વારા સ્કેન કરવામાં આવશે. ત્યારબાદ સિસ્ટમમાં ઉપલબ્ધ વાહનના રેકોર્ડના આધારે જરૂરી દસ્તાવેજોની માન્યતા અને સમયમર્યાદા તપાસવામાં આવશે. જો કોઈ દસ્તાવેજની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હશે અથવા તે અમાન્ય હશે, તો સંબંધિત વાહનચાલક સામે નિયમ મુજબ ઈ-ચલણની કાર્યવાહી કરવામાં આવશે.
આ ત્રણ દસ્તાવેજો માન્ય રાખવા પડશે
વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા ખાનગી વાહનચાલકોને પોતાના વાહનના ત્રણ મહત્ત્વના દસ્તાવેજો હંમેશાં અપડેટ રાખવા અપીલ કરવામાં આવી છે.
PUC સર્ટિફિકેટ(PUC Certificate) : વાહનનું પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર માન્ય હોવું જરૂરી છે.
વાહન વીમો: વાહનનો ઈન્સ્યોરન્સ ચાલુ અને માન્ય હોવો જોઈએ.
રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC): વાહનનું રજિસ્ટ્રેશન માન્ય હોવું જરૂરી છે.
દસ્તાવેજો એક્સપાયર થાય તે પહેલાં રિન્યુ કરાવી લેવા અપીલ
વાહન વ્યવહાર કમિશનરની કચેરીએ વાહનચાલકોને હાઈવે પર મુસાફરી કરતાં પહેલાં પોતાના વાહનના જરૂરી દસ્તાવેજોની માન્યતા તપાસી લેવાની અપીલ કરી છે. ખાસ કરીને PUC, વીમો અને રજિસ્ટ્રેશનની સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલાં તેનું નવીનીકરણ કરાવી લેવું જોઈએ.
દસ્તાવેજો અમાન્ય જણાશે તો ઈ-ડિટેક્શન સિસ્ટમના આધારે ઈ-ચલણની કાર્યવાહી થઈ શકે છે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ વાહનચાલકો પાસે જરૂરી દસ્તાવેજો માન્ય રહે તે સુનિશ્ચિત કરવાની સાથે ટ્રાફિકના નિયમોનું પાલન અને માર્ગ સલામતી વધુ મજબૂત બનાવવાનો છે.
આ પણ વાંચો: નવતર કીમિયોઃ ટ્રાફિક ભંગનો દંડ ફાસ્ટેગમાંથી કાપશે સરકાર
આ પણ વાંચો: રાજકોટમાં ગૃહકંકાસનો કરુણ અંજામ! પતિએ પત્નીની હત્યા કરી, પોતે ઝેરી દવા પી ફરાર
આ પણ વાંચો: જન્મથી જ તૂટેલા પગ સાથે જંગ લડી રહ્યો છે ‘રાજા’! આસામથી જામનગર લવાયો 7 અઠવાડિયાનો હાથી
