Business News : છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવમાં (Gold Silver Price)સતત ઘટાડા બાદ સોમવારે બુલિયન બજારમાં (Bullion Market)જોરદાર રિકવરી જોવા મળી છે. નવા સપ્તાહના પ્રથમ દિવસે વાયદા બજાર ખુલતાં જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો હતો. ચાંદીમાં ₹3856 અને સોનામાં ₹2772નો વધારો (Gold Price Today)થતાં રોકાણકારો અને વેપારીઓને રાહત મળી છે.
ચાંદીમાં ₹3856નો જંગી ઉછાળો
સોમવારે ચાંદીના ભાવમાં (Silver Rate)શરૂઆતથી જ ખરીદીનું જોર જોવા મળ્યું હતું. શુક્રવારના ₹1,47,813ના બંધ ભાવ સામે ચાંદી સોમવારે ₹1,49,053 પર ખૂલી હતી. કારોબાર દરમિયાન ચાંદી આ જ સ્તરે દિવસના નીચા ભાવ સુધી રહી હતી, ત્યારબાદ સતત તેજી સાથે ₹1,51,669ના ઊંચા સ્તરે પહોંચી હતી. આમ, ચાંદીમાં કુલ ₹3,856નો જંગી ઉછાળો નોંધાયો હતો.
સોનાના ભાવમાં પણ તેજી
ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ ઘટાડાનો દોર અટક્યો હતો. શુક્રવારે ₹1,21,778ના સ્તરે બંધ થયેલું સોનું સોમવારે ₹1,24,443 પર ખૂલ્યું હતું. દિવસ દરમિયાન સોનાનો ભાવ ઘટીને ₹1,23,806 સુધી પહોંચ્યો હતો, પરંતુ ત્યારબાદ ફરી ખરીદી વધતાં ₹1,24,550ની ઊંચી સપાટી નોંધાવી હતી. આમ, સોનામાં કુલ ₹2,772નો વધારો જોવા મળ્યો હતો.
રોકાણકારોને મળી રાહત
સોના અને ચાંદીમાં સપ્તાહના પ્રથમ દિવસે આવેલી તેજીથી બજારમાં ફરી સકારાત્મક માહોલ જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક સમયથી કિંમતી ધાતુઓમાં સતત ઘટાડાને કારણે રોકાણકારો ચિંતિત હતા. જોકે સોમવારના ઉછાળાએ બજારમાં રાહતનો માહોલ સર્જ્યો છે. અમેરિકાની ફેડરલ રિઝર્વની વ્યાજદર નીતિ અને વૈશ્વિક આર્થિક સંકેતો વચ્ચે હવે સોના-ચાંદીના આગામી ભાવ (Gold Silver Price)પર સૌની નજર રહેશે.
