National News : બોલીવુડની જાણીતી અભિનેત્રી શબાના આઝમી (Shabana Azmi )ફરી એકવાર પોતાના સ્પષ્ટવક્તા વલણને કારણે ચર્ચામાં આવી છે. હિજાબ, બુરખો અને ધાર્મિક માન્યતાઓ અંગે તેમણે કરેલા નિવેદનથી નવી ચર્ચા શરૂ થઈ છે. એક પોડકાસ્ટ દરમિયાન શબાનાએ કહ્યું કે કુરાનમાં બુરખો પહેરવો (Burqa in Quran)ફરજિયાત હોવાનો ઉલ્લેખ નથી, પરંતુ મહિલાઓ અને પુરુષો બંને માટે નજરમાં નમ્રતા અને આદર રાખવાની વાત કરવામાં આવી છે.
કુરાન અને બુરખા અંગે શું કહ્યું?
ઉષા કાકડે સાથેના પોડકાસ્ટમાં શબાના આઝમીએ (Shabana Azmi)ધર્મ અને હિજાબના (Hijab Controversy)મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે તેઓ ધાર્મિક રીત-રિવાજોનું પાલન કરતી નથી, પરંતુ સાંસ્કૃતિક રીતે પોતાને મુસ્લિમ માને છે.
શબાનાના જણાવ્યા મુજબ, ધાર્મિક ઉપદેશોને કેટલાક વચેટિયાઓ દ્વારા ખોટી રીતે રજૂ કરવામાં આવે છે, જેના કારણે લોકોમાં ગેરસમજ ઊભી થાય છે. તેમણે કહ્યું કે ધર્મના નામે મહિલાઓ માટે ફરજિયાત બુરખાની વાત કરવી એ મૂળ ઉપદેશોને વિકૃત કરવા સમાન છે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “હું બુરખો પહેરતી નથી, પરંતુ જો કોઈ મને કહે કે હું એક નહીં પહેરી શકું, તો હું ત્રણ પહેરીશ. મને એવું કહેનારા તમે કોણ છો?” સાથે તેમણે એમ પણ ઉમેર્યું કે ધર્મનિરપેક્ષતાના નામે કટ્ટરવાદ ફેલાવવો પણ યોગ્ય નથી.
કંગના રનૌત સાથે હિજાબ મુદ્દે થઈ હતી ટક્કર
હિજાબ મુદ્દે શબાના આઝમી (Shabana Azmi)અગાઉ પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી ચૂક્યાં છે. 2022માં કર્ણાટકના ઉડુપીમાં હિજાબ પહેરેલી વિદ્યાર્થિનીઓને કોલેજમાં પ્રવેશ ન આપવાના વિવાદ દરમિયાન તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી હતી.
તે સમયે કંગના રનૌતે (Kangana Ranaut)સોશિયલ મીડિયા પર અફઘાનિસ્તાનનો ઉલ્લેખ કરીને હિજાબ મુદ્દે ટિપ્પણી કરી હતી. તેના જવાબમાં શબાનાએ કંગનાની પોસ્ટ શેર કરીને ભારતની ધર્મનિરપેક્ષ લોકશાહી વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે ભારત ધર્મનિરપેક્ષ દેશ છે, જ્યારે અફઘાનિસ્તાન ધર્મશાહી દેશ છે, તો બંનેની સરખામણી કેવી રીતે કરી શકાય?

શબાનાના પતિ અને લેખક જાવેદ અખ્તર (Javed Akhtar)પણ હિજાબ પ્રથાના સમર્થક નથી. જોકે, તેમણે અગાઉ એવો મત વ્યક્ત કર્યો હતો કે હિજાબ મુદ્દે બીજાના પહેરવેશની ટીકા કરનારાઓએ પણ પોતાના વિચારો અને વલણ અંગે આત્મમંથન કરવું જોઈએ.
કલાકારોના રાજકારણમાં પ્રવેશ અંગે પણ અભિપ્રાય
પોડકાસ્ટ દરમિયાન શબાના આઝમીએ (Shabana Azmi)ફિલ્મ કલાકારોના રાજકારણમાં પ્રવેશવાના વધતા વલણ અંગે પણ વાત કરી હતી. તેમણે રાજકારણમાં જોડાવાને વ્યક્તિગત પસંદગી ગણાવી, પરંતુ કહ્યું કે માત્ર સન્માન કે પ્રસિદ્ધિ મેળવવા માટે રાજકારણમાં પ્રવેશ કરવો યોગ્ય નથી.
તેમના મતે, જનતાએ કલાકારને પ્રેમ અને માન આપ્યું હોય તો તેણે સમાજ પ્રત્યેની જવાબદારી પણ સમજવી જોઈએ. રાજકારણમાં પ્રવેશ્યા બાદ લોકોના કલ્યાણ માટે ઈમાનદારીથી કામ કરવું જરૂરી છે.
રાજ્યસભામાં પણ ઉઠાવ્યા હતા જનતાના મુદ્દા
શબાના આઝમી રાજ્યસભાના નામાંકિત સભ્ય રહી ચૂક્યાં છે. 1997માં તેમને સંસદના ઉપલા ગૃહમાં નામાંકિત કરવામાં આવ્યા હતા. સંસદમાં તેમણે મહિલા અધિકારો, બાળ કલ્યાણ, આરોગ્ય સુવિધાઓ અને વંચિત વર્ગોના પ્રશ્નો સહિત અનેક સામાજિક મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
તેમની ફિલ્મ કારકિર્દી સાથે સંસદીય જવાબદારીઓ નિભાવતા શબાનાએ જાહેર સુવિધાઓ અને શહેરી વિકાસના મુદ્દાઓ પર પણ ધ્યાન આપ્યું હતું. હિજાબ અને ધર્મ અંગેનું તેમનું તાજેતરનું નિવેદન ફરી એકવાર સામાજિક અને રાજકીય ચર્ચામાં તેમને કેન્દ્રસ્થાને લાવ્યું છે.
