Ahmedabad : અમદાવાદ સહિત ગુજરાતભરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હીટવેવની આગાહી કરી છે. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત સ્કૂલ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે.
હીટવેવથી બચવા માટે સ્કૂલ બોર્ડે શાળાના સમયમાં ફેરફાર કર્યો છે. સવાર પાળીનો સમય સવારે 7:00 થી 12:00 અને બપોર પાળીનો સમય 12:00 થી 5:00 સુધીનો રહેશે. આ ફેરફાર ઉનાળુ વેકેશન શરૂ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો 40થી 42 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં કાળઝાળ ગરમી બની રહેવાની છે. જો કે, સ્કૂલ બોર્ડના શિક્ષક યુનિયન દ્વારા હજુ પણ સમયમાં વધુ ફેરફાર કરવાની માગ કરવામાં આવી છે. યુનિયનના પ્રમુખ મનોજ પટેલના જણાવ્યા અનુસાર, સવાર પાળીનો સમય સવારે 6:30 થી 11:30 કરવા અને ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે બપોર પાળી સવારમાં રાખવાની માગ છે. આ ઉપરાંત, પતરાવાળી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હીટવેવની વધુ અસર થવાની શક્યતા હોવાથી તેમને પણ સવારે બોલાવવાની માગ કરવામાં આવી છે.
શિક્ષક યુનિયનનું માનવું છે કે, બપોર પાળીમાં અભ્યાસ કરતા નાના બાળકોને ગરમીથી વધુ અસર થઈ શકે છે. તેથી, તેમને સવારે બોલાવવાથી તેઓ હીટવેવથી બચી શકશે. સ્કૂલ બોર્ડને આ અંગે રજૂઆત કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીની ‘હીટ માર્ચ’ : મોટાભાગના વિસ્તારોમાં 40થી ઉપર તાપમાન
આ પણ વાંચો: ગુજરાતમાં 5 જીલ્લાઓમાં અપાયું યલો એલર્ટ, ગરમીથી મળશે આંશિક રાહત