Punjab News : પંજાબના રાજકારણમાં મોટો બદલાવ આવ્યો છે. લાંબા સમયથી અલગ રહેલા ભાજપ અને શિરોમણી અકાલી દળ ફરી એક મંચ પર આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)મંગળવારે સંયુક્ત પત્રકાર પરિષદમાં BJP-Akali Dal Allianceની જાહેરાત કરી હતી. આ સાથે આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Elections)બંને પક્ષો NDAના બેનર હેઠળ લડશે તે સ્પષ્ટ થયું છે. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
BJP-Akali Dal Allianceથી પંજાબના રાજકારણમાં નવું સમીકરણ
અમિત શાહે જાહેરાત કરતા કહ્યું કે અકાલી દળ NDAનો સૌથી જૂનો સાથી રહ્યો છે અને હવે ફરી ગઠબંધનમાં (BJP-Akali Dal Alliance)જોડાયો છે. તેમણે સુખબીર સિંહ બાદલનું સ્વાગત કરતાં કહ્યું કે અકાલી દળના પરત ફરવાથી NDA વધુ મજબૂત બન્યું છે.
અમિત શાહે (Amit Shah)વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અકાલી દળની વાપસીનું સ્વાગત કર્યું છે. બંને પક્ષો વચ્ચે પંજાબના ભવિષ્યને લઈને ચર્ચા થઈ છે અને રાજ્ય માટે વિકાસનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.
2029 સુધી પંજાબને ડ્રગ્સ મુક્ત કરવાનો લક્ષ્યાંક
અમિત શાહે પંજાબમાં નશાના કારોબારને મોટો પડકાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે રાજ્યમાંથી ડ્રગ્સનું દૂષણ દૂર કરવું, ભ્રષ્ટાચારનો અંત લાવવો અને રાષ્ટ્રવાદી શક્તિઓને મજબૂત બનાવવી તેમની પ્રાથમિકતા રહેશે.

તેમણે દાવો કર્યો કે 31 ડિસેમ્બર, 2029 સુધીમાં પંજાબને સંપૂર્ણપણે ડ્રગ્સ મુક્ત બનાવવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની અગાઉની સરકારો પર પણ તેમણે નિશાન સાધ્યું હતું.
સીટ વહેંચણી અંગે હજુ નિર્ણય બાકી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને કહ્યું કે શિરોમણી અકાલી દળના જોડાવાથી NDAને નવી તાકાત મળશે. તેમણે આ ગઠબંધનને સ્વાભાવિક ગણાવ્યું અને પંજાબમાં વિકાસલક્ષી સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જોકે, બંને પક્ષો વચ્ચે કઈ પાર્ટી કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તે અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. નીતિન નવીને જણાવ્યું હતું કે સીટ વહેંચણી અંગે આગળના તબક્કામાં ચર્ચા કરવામાં આવશે.
2020માં કૃષિ કાયદાના વિરોધમાં તૂટ્યું હતું ગઠબંધન
સુખબીર સિંહ બાદલે (Sukhbir Singh Bada)આ ગઠબંધનને માત્ર રાજકીય નહીં, પરંતુ ભાવનાત્મક ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે પંજાબ, દેશ અને શીખ સમુદાયના હિત માટે બંને પક્ષો ફરી સાથે આવ્યા છે. તેમના મતે રાજ્યમાં ડ્રગ્સ માફિયા અને ગુંડાગીરી મોટો પડકાર બની ગયા છે.
ઉલ્લેખનીય છે કે ભાજપ અને અકાલી દળ વચ્ચે વર્ષ 1996થી ગઠબંધન હતું. બંને પક્ષોએ અનેક લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે મળીને લડી હતી. જોકે, કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં સપ્ટેમ્બર 2020માં અકાલી દળે NDA સાથે છેડો ફાડ્યો હતો.
વર્ષ 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં (Punjab Elections)બંને પક્ષો અલગ-અલગ લડ્યા હતા. ત્યારે અકાલી દળને માત્ર ત્રણ અને ભાજપને બે બેઠકો મળી હતી. હવે ફરી એકવાર બંને પક્ષો સાથે આવતા પંજાબનું ચૂંટણી સમીકરણ બદલાવાની શક્યતા છે. આગામી ચૂંટણીમાં આ ગઠબંધન કેટલું સફળ રહેશે તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે.
આ પણ વાંચો: પંજાબ વિધાનસભા ચૂંટણી માટે AAP એ જાહેર કરી ઉમેદવારોની ત્રીજી યાદી
આ પણ વાંચો: વિધાનસભાની 13 બેઠકો પરની ચૂંટણીમાં રસાકસી, પંજાબમાં આપ નેતા અને બંગાળમાં TMCની જીત
આ પણ વાંચો: વિધાનસભા પેટાચૂંટણીમાં આજે 7 રાજ્યમોમાં થશે મતદાન, પંજાબ અને બિહારમાં મહત્વનો મુકાબલો
