Ahmedabad News/ કરોડોના આવાસ તૈયાર, પણ ચાવીની રાહ યથાવત્: રામાપીર ટેકરાના પરિવારોની મુશ્કેલી

અમદાવાદના રામાપીર ટેકરામાં 1,178 મકાનોનો (Ramapir Tekra Housing) ડ્રો થયા બાદ પણ 15 દિવસથી લાભાર્થીઓને ચાવી મળી નથી. AMCએ આગામી અઠવાડિયાથી પ્રક્રિયા શરૂ કરવાની ખાતરી આપી.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Ramapir Tekra Housing: 1,178 પરિવારોને ચાવીની રાહ

Ahmedabad News: અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીર ટેકરા ખાતે પુનઃવસન યોજના (Ramapir Tekra Housing) હેઠળ તૈયાર કરાયેલા 1,178 આવાસનો (1178 Houses) ડ્રો થયાના 15 દિવસ બાદ પણ લાભાર્થીઓને મકાનની ચાવી સોંપવામાં આવી નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 9 નવેમ્બરના રોજ મકાનોની ફાળવણી માટે ડ્રો (AMC Housing Scheme) કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી લાભાર્થી પરિવારોને પોતાના નવા ઘરમાં રહેવા જવાનો મોકો મળ્યો નથી. દિવાળીની રજાઓને કારણે કોન્ટ્રાક્ટરના માણસો હાજર ન હોવાનો તંત્ર દ્વારા બચાવ કરવામાં આવી રહ્યો છે.

Ramapir Tekra Housing: 1,178 મકાનોનો ડ્રો થયો, પરંતુ ચાવીની રાહ યથાવત્

ગત 9 નવેમ્બરના રોજ સેક્ટર-1 સ્થિત અર્બન પાર્કના 646 અને સેક્ટર-5ના 532 મળીને કુલ 1,178 મકાનોનો ડ્રો કરવામાં આવ્યો હતો. આ ડ્રો દ્વારા લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવી હતી. જોકે, ક્યુબ કન્સ્ટ્રક્શન કંપની અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાવી સોંપવાની પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ કરવામાં આવી નથી.

પરિણામે મકાન ફાળવાઈ ગયા હોવા છતાં 1,178 પરિવારો પોતાના નવા ઘરમાં પ્રવેશ કરી શક્યા નથી. આ વિલંબને કારણે લાભાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

આગામી અઠવાડિયાથી ચાવી આપવાની તંત્રની ખાતરી

ચાવી સોંપવામાં થઈ રહેલા વિલંબ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ પ્રોજેક્ટ વિભાગના અધિકારી વિજય પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે, દિવાળીની રજાઓ વચ્ચે આવી જવાના કારણે પ્રક્રિયામાં વિલંબ થયો હતો. જોકે, હવે આગામી અઠવાડિયાથી લાભાર્થીઓને મકાનની ચાવી આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.

એન્ટ્રી ગેટ પર CCTV કેમેરા નહીં હોવાથી સુરક્ષા સામે સવાલ

બીજી તરફ, કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા નવા આવાસોમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે. આવાસના એન્ટ્રી ગેટ પર CCTV કેમેરા લગાવવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું છે. ફ્લેટના આંતરિક ભાગમાં પણ માત્ર બેથી ચાર જગ્યાએ જ કેમેરા લગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આવી સ્થિતિમાં સુરક્ષા સહિતની સુવિધાઓ (Housing Redevelopment) અધૂરી હોવા છતાં ઉતાવળે ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું હોવાની ચર્ચા થઈ રહી છે. હવે લાભાર્થીઓને ક્યારે મકાનની ચાવી મળે છે અને બાકી રહેલી સુવિધાઓ ક્યારે પૂર્ણ કરવામાં આવે છે તે જોવાનું રહેશે.


આ પણ વાંચો: વાડજમાં રૂ.90 હજારની ઉઘરાણી માટે સગીર પર છરીથી હુમલો, મિત્રને બચાવવા આવેલા યુવકને પણ ઇજા

આ પણ વાંચો: અમદાવાદ બનશે ‘સ્લમ ફ્રી’! વાડજની 4 ચાલીઓમાં હવે હાઈરાઇઝ ટાવર્સ બનશે

આ પણ વાંચો: અમદાવાદના વાડજ ઓવરબ્રિજ પાસે વગર વરસાદે પડ્યો મસમોટો ભૂવો