Ahmedabad News/ ‘વૈકલ્પિક વ્યવસ્થા અપાશે તો અરજીઓ આવ્યા કરશે’: નાસિરનગર કેસમાં SMCની હાઈકોર્ટમાં દલીલ

સુરતના નાસિરનગર ડિમોલિશન કેસમાં (Nasirnagar Demolition Case) વૈકલ્પિક રહેઠાણના મુદ્દે SMC કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેને સિંગલ જજના આદેશ સામે ડિવિઝન બેન્ચમાં અપીલ કરી.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Nasirnagar Demolition Case: SMCની હાઈકોર્ટમાં અપીલ

Surat News: સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે (Nasirnagar Demolition Case) હાઇકોર્ટમાં (Gujarat High Court) સુનાવણી ચાલી રહી છે. ડિમોલિશનથી અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાના મુદ્દે પોતાનું વલણ બદલવા બદલ હાઇકોર્ટના સિંગલ જજે સુરત મ્યુનિસિપલ કમિશનર (SMC Commissioner)  અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને 27 નવેમ્બરે ફરી કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત બંને સામે ક્રિમિનલ કન્ટેમ્પ્ટની કાર્યવાહી કેમ ન કરવી તે અંગે પણ જવાબ માગવામાં આવ્યો હતો. આ આદેશ સામે મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરી છે, જેના પર આજે સુનાવણી ચાલી રહી છે.

અરજદારના વકીલની દલીલ: અધિકારીઓની હાજરી વગર પણ સુનાવણી થઈ શકે

અપીલમાં અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે કોર્ટ ઓફિસર તેમના વતી કોર્ટમાં રજૂઆત કરી રહ્યા હોય તો કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને વ્યક્તિગત રીતે બોલાવવાની જરૂર નથી. જે સમયે ઘટના બની હતી ત્યારે કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અલગ વ્યક્તિઓ હતા, જ્યારે હાલ બંને હોદ્દા પર નવા લોકો છે.

વકીલે વધુમાં જણાવ્યું હતું કે આ મામલે કોર્પોરેશનના પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને મ્યુનિસિપલ કમિશનરની બદલી કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, તપાસનો રિપોર્ટ હજુ આવ્યો નથી. તેથી હોદ્દેદારો અને અધિકારીઓની હાજરી વગર પણ આ કેસની સુનાવણી થઈ શકે છે.

Nasirnagar Demolition Case: ‘વૈકલ્પિક વ્યવસ્થા અપાશે તો આવી અરજીઓ સતત આવ્યા કરશે’

અરજદારના વકીલે દલીલ કરી હતી કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટાયેલી બોડીએ નાસિરનગરના અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા નહીં આપવાનો નિર્ણય કર્યો હોય તો અધિકારીઓ તેની વિરુદ્ધ જઈ શકે નહીં. આ સ્થિતિમાં તેમની સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહી કરી શકાય નહીં.

વકીલના જણાવ્યા અનુસાર, નાસિરનગરમાં અસરગ્રસ્તોના મકાનો રોડલાઇન પર ગેરકાયદે રીતે આવેલા હતા. તેમને નોટિસ આપ્યા વગર પણ તોડવામાં આવ્યા હોત તો તેને ગેરકાયદે કૃત્ય કહી શકાય નહીં. સાથે જ તેમણે દલીલ કરી હતી કે ગેરકાયદે કૃત્ય કરનારાઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે તો કોર્ટમાં આવી અરજીઓ સતત આવતી રહેશે.

અસરગ્રસ્તોનો આક્ષેપ: બિલ્ડરે કાવતરું કરીને ડિમોલિશન કરાવ્યું

બીજી તરફ, નાસિરનગરના અસરગ્રસ્તો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે વૈકલ્પિક વ્યવસ્થા આપવાના મુદ્દે SMC વારંવાર પોતાનું વલણ બદલી રહ્યું છે. આથી જ કોર્ટે કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને હાજર રહેવા આદેશ કર્યો છે અને તેમની સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહી કેમ ન કરવી તે અંગે જવાબ માગ્યો છે.

અસરગ્રસ્તોના વકીલે દાવો કર્યો હતો કે જે જમીન પર ડિમોલિશન કરવામાં આવ્યું છે તે સરકારની નહીં, પરંતુ ખાનગી વ્યક્તિની છે. એક બિલ્ડરે સંપૂર્ણ કાવતરું કરીને ડિમોલિશન કરાવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. સિંગલ જજે પ્રાથમિક દૃષ્ટિએ આ બાબત ધ્યાને લીધી હોવાનું અસરગ્રસ્તો તરફથી રજૂ કરવામાં આવ્યું હતું.

23 ઓક્ટોબરની સુનાવણીમાં હાઇકોર્ટે SMCના વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી

આ મામલે 23 ઓક્ટોબરે સિંગલ જજ સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન નાસિરનગર ડિમોલિશનથી વિસ્થાપિત થયેલા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા નહીં આપવાની SMCની રજૂઆત સામે હાઇકોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી હતી. હાઇકોર્ટમાં વૈકલ્પિક વ્યવસ્થા આપવાનો વાયદો કર્યા બાદ તંત્ર તેમાંથી ફરી જતાં કોર્ટે આકરું વલણ અપનાવ્યું હતું.

કોર્ટે વાયદાથી ફરી જનાર અધિકારીઓ સામે ક્રિમિનલ કન્ટેમ્પ્ટની કાર્યવાહી કેમ ન કરવી તે અંગે જવાબ માગ્યો હતો. આ આદેશ સામે સ્ટેની માગ કરવામાં આવી હતી, પરંતુ હાઇકોર્ટે સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો અને આદેશને પડકારવાની છૂટ આપી હતી.

‘ઘર તૂટ્યા પછી અસરગ્રસ્તો ક્યાં રહેશે, ખુલ્લા આકાશ નીચે સૂશે?’

અગાઉની સુનાવણી દરમિયાન સુરત મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલ અને કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોર્ટમાં હાજર રહ્યા હતા. ત્યારે કોર્ટે સવાલ કર્યો હતો કે ડિમોલિશનમાં જેમનાં ઘર તૂટ્યાં છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા (Alternative Housing) આપવાનો વાયદો SMCએ પહેલાં કર્યો હતો, તો હવે પોતાનું વલણ શા માટે બદલી રહ્યું છે? ડિમોલિશન દરમિયાન કર્મચારીઓએ આચરેલી ગેરરીતિની જવાબદારી કોણ લેશે?

કોર્ટે વધુમાં સવાલ કર્યો હતો કે જ્યાં સુધી જવાબદારી નક્કી નહીં થાય ત્યાં સુધી ઘર ગુમાવનારા લોકો ક્યાં રહેશે? શું તેઓ ખુલ્લા આકાશ નીચે સૂઈ જશે? તેઓ પણ દેશના નાગરિક છે અને તેમના પણ અધિકારો છે. એડવોકેટ જનરલે વૈકલ્પિક વ્યવસ્થા આપવાનો વાયદો કર્યો હતો, તો હવે તે વાયદો ક્યાં ગયો? તેવો સવાલ પણ હાઇકોર્ટે ઉઠાવ્યો હતો.

હાલ આ મામલે SMC કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની અપીલ પર ડિવિઝન બેન્ચમાં સુનાવણી ચાલી રહી છે.


આ પણ વાંચો: નાસિરનગર ડિમોલિશન કેસમાં હાઇકોર્ટની કડક ટકોર, ‘મોટા અધિકારીઓ સામે કાર્યવાહી કેમ નહીં?’

આ પણ વાંચો: નાસિરનગર ડિમોલિશન મામલો: HCના આદેશ બાદ પુનર્વસન માટે સર્વે શરૂ, 59 અસરગ્રસ્ત પરિવારોને મળશે વૈકલ્પિક આવાસ

આ પણ વાંચો: સુરત નાસિરનગર ડિમોલિશન કેસમાં નવો વળાંક, સસ્પેન્ડેડ એન્જિનિયરે હાઈકોર્ટમાં WhatsApp ચેટ અને કોલ રેકોર્ડ રજૂ કર્યા