Ahmedabad News: સરખેજથી ગાંધીનગર વચ્ચે ટ્રાફિકની સમસ્યા ઘટાડવા અને વાહનચાલકોનો સમય બચાવવા માટે તૈયાર કરવામાં આવેલો નવો બ્રિજ (Sarkhej Gandhinagar New Bridge) અત્યારથી જ ચર્ચામાં આવ્યો છે. નવરાત્રિના આગલા દિવસે વાહનચાલકો માટે ખુલ્લો મુકાયેલા આ બ્રિજ પર થોડા જ સમયમાં બે-ત્રણ જગ્યાએ તિરાડો (Cracks) દેખાતી હોવાના દૃશ્યો સામે આવ્યા છે. આ તિરાડોને કારણે બ્રિજના બાંધકામની ગુણવત્તા અને લોકોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે.
Sarkhej Gandhinagar New Bridge: બ્રિજના અલગ-અલગ પિલર પર તિરાડો દેખાઈ
સામે આવેલા વીડિયોમાં બ્રિજના ત્રણ અલગ-અલગ સ્થળે તિરાડો જોવા મળી રહી છે. એક તિરાડ સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટીની બરાબર સામે આવેલા પિલર પર દેખાય છે. બીજી તિરાડ શપથ ફાઈવ બિલ્ડિંગની સામેના પિલર પર જોવા મળી રહી છે. જ્યારે ત્રીજી તિરાડ શપથ ફાઈવથી થોડે આગળ બે-ત્રણ પિલર છોડીને આવેલા અન્ય પિલર પર દેખાઈ રહી છે.
લોકોની સુરક્ષા અને તંત્રની કામગીરી સામે સવાલ
સરખેજ-ગાંધીનગર વચ્ચે અવરજવર કરતા લોકોને ટ્રાફિકમાંથી રાહત મળે તે હેતુથી આ બ્રિજ (SG Highway Bridge) બનાવવામાં આવ્યો છે. જોકે, બ્રિજ ખુલ્યાના થોડા જ સમયમાં અલગ-અલગ જગ્યાએ તિરાડો દેખાતાં લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
સ્થાનિક લોકોના મનમાં સવાલ ઊભો થઈ રહ્યો છે કે નવા બનેલા બ્રિજમાં આટલા ટૂંકા સમયમાં તિરાડો કેવી રીતે પડી? શું બાંધકામ દરમિયાન કોઈ ખામી રહી ગઈ છે? રોજ આ બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો માટે આવી સ્થિતિ જોખમરૂપ બની શકે તેવી આશંકા પણ વ્યક્ત થઈ રહી છે.
એક તરફ બ્રિજ શરૂ થવાથી લોકોને સમયની બચત અને ટ્રાફિકમાંથી રાહત મળી છે, તો બીજી તરફ તિરાડો દેખાતાં બાંધકામની ગુણવત્તા અને સુરક્ષાને લઈને ચર્ચા શરૂ થઈ છે. હવે આ મામલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે છે કે કેમ અને તિરાડો અંગે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો: 100 દિવસમાં તિરાડો બાદ ડોલિયા-દેણવા બ્રિજ માટે વધુ રૂ.15 કરોડ મંજૂર, ધોવાણ અટકાવવા સરકારનો નિર્ણય
આ પણ વાંચો: રૂ.450 કરોડના સરખેજ-ઇસ્કોન બ્રિજ પર રોડ ઉબડખાબડ? વાહનચાલકનો વીડિયો વાયરલ
આ પણ વાંચો: રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજની હાલત પર સવાલ! ફરી પડ્યા પોપડા, રસ્તા પર કાટમાળથી ટ્રાફિકજામ
