Bharuch News: ભરૂચના આમોદ-જંબુસરને જોડતા ડોલિયા-દેણવા બ્રિજ (Doliya Denva Bridge)ને લઈને હવે વધુ રૂ.15 કરોડનો ખર્ચ થવાનો છે. રૂ.66 કરોડના ખર્ચે બનેલો આ બ્રિજ ખુલ્લો મુકાયાના આશરે 100 દિવસમાં જ તેના એપ્રોચ રોડ પર તિરાડો પડતાં બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઊઠ્યા હતા. હવે દરિયાઈ ધોવાણ અટકાવવા સરકારે (Gujarat Government) રૂ.15 કરોડ મંજૂર કર્યા છે. આ રકમથી બ્રિજ પાસે આર.સી.સી. પ્રોટેક્શન બ્લોક અને સુરક્ષા વોલ બનાવવામાં આવશે.
Doliya Denva Bridge: ધોવાણ અટકાવવા રૂ.15 કરોડની સુરક્ષા વ્યવસ્થા
બ્રિજના એપ્રોચ રોડ પર તિરાડો પડ્યા બાદ માર્ગ અને મકાન વિભાગે સ્પષ્ટતા કરી હતી કે બ્રિજના મુખ્ય માળખામાં નહીં, પરંતુ એપ્રોચ રોડની નીચે દરિયાઈ કરંટના કારણે ધોવાણ થયું છે. આ સમસ્યાને રોકવા માટે હવે રૂ.15 કરોડના ખર્ચે સુરક્ષા વોલ અને આર.સી.સી. પ્રોટેક્શન બ્લોક બનાવવાની કામગીરી (15 Crore Approval) હાથ ધરવામાં આવશે.
9 વર્ષ બાદ બ્રિજ ખુલ્યો, 100 દિવસમાં તિરાડો
મહેસાણાની રાધે એસોસિએટ્સને ઓક્ટોબર 2017માં આ બ્રિજનું કામ સોંપવામાં આવ્યું હતું. શરૂઆતમાં 18 મહિનામાં કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી, પરંતુ વિવિધ કારણોસર પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો. ઢાઢર નદીમાં દરિયાઈ ભરતીની અસરને કારણે કામની મુદત 15 ઓગસ્ટ 2026 સુધી લંબાવવામાં આવી હતી.
આખરે 23 ઓગસ્ટ 2026ના રોજ બ્રિજ (Bharuch Bridge) નાના વાહનો માટે ખુલ્લો મુકાયો હતો. જોકે, આશરે 100 દિવસમાં જ દેણવા તરફના એપ્રોચ રોડ પર તિરાડો જોવા મળતાં સમગ્ર બાંધકામની ગુણવત્તા અંગે ચર્ચા શરૂ થઈ હતી.
વર્ષોથી ધોવાણની જાણ છતાં સુરક્ષા વ્યવસ્થા કેમ ન થઈ?
અધિકારીઓએ 2016, 2022 અને 2026ના ગૂગલ મેપના આધારે આ વિસ્તારમાં ધોવાણ થયાનું સ્વીકાર્યું છે. આ સ્થિતિમાં વર્ષોથી દરિયાઈ ધોવાણની જાણ હોવા છતાં બ્રિજના નિર્માણ સમયે જ જરૂરી સુરક્ષા વ્યવસ્થા કેમ કરવામાં ન આવી તેવો સવાલ ઊઠી રહ્યો છે.
હવે રૂ.66 કરોડના બ્રિજ બાદ ધોવાણ અટકાવવા વધુ રૂ.15 કરોડ મંજૂર થતાં સરકારી આયોજન અને બાંધકામની કામગીરી અંગે ચર્ચા તેજ બની છે.
આ પણ વાંચો: ભરૂચના ₹66 કરોડના બ્રિજમાં 100 દિવસમાં જ તિરાડો, બાંધકામની ગુણવત્તા સામે ઊઠ્યા ગંભીર સવાલો
આ પણ વાંચો: કોઈપણ બ્રિજનું આયુષ્ય કેટયું હોય છે? વડોદરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ ઉદ્ભવેલો ગંભીર પ્રશ્ન
આ પણ વાંચો: ગોધરામાં નવો બનેલો પુલ વરસાદમાં ધોવાઈ ગયો, ભ્રષ્ટાચારનો પર્દાફાશ, લોકોનો રોષ
