Sports News: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટને હવે આંતરરાષ્ટ્રીય રમતગમત અને એન્ડ્યુરન્સ ઇવેન્ટ્સના કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ (Ironman 70.3 Ahmedabad 2027) કરવામાં આવી છે. આગામી 14 ફેબ્રુઆરી, 2027ના રોજ ગુજરાતમાં પ્રથમ વખત વિશ્વપ્રસિદ્ધ ‘આયર્નમેન 70.3 અમદાવાદ’ ટ્રાયથ્લોન સ્પર્ધાનું આયોજન થશે. આ સ્પર્ધામાં દેશ-વિદેશના એથ્લીટ્સ ભાગ લેશે અને સાબરમતી નદીમાં 1.9 કિલોમીટર સ્વિમિંગ, 90 કિલોમીટર સાઇકલિંગ તથા 21.1 કિલોમીટરની દોડ સહિત કુલ 113 કિલોમીટરનું અંતર પૂર્ણ કરશે. ગુજરાત પ્રવાસન વર્ષ 2026-27 અંતર્ગત યોજાનારી આ ઇવેન્ટ રાજ્યને ગ્લોબલ સ્પોર્ટ્સ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની પહેલનો ભાગ છે.
Ironman 70.3 Ahmedabad 2027: ગોવા બાદ હવે અમદાવાદમાં આયર્નમેન સ્પર્ધા
આયર્નમેન ગ્રુપ દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત આ સ્પર્ધા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. ભારતમાં એન્ડ્યુરન્સ સ્પોર્ટ્સ પ્રત્યે વધી રહેલા ઉત્સાહને ધ્યાનમાં રાખીને ગોવા બાદ હવે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. આ આયોજનથી એશિયા-પેસિફિક ક્ષેત્રમાં એન્ડ્યુરન્સ સ્પોર્ટ્સ માટે ઝડપથી વિકસી રહેલા દેશ તરીકે ભારતની સ્થિતિ વધુ મજબૂત બનવાની અપેક્ષા છે.
આયર્નમેનના કન્ટ્રી હેડ દીપક રાજે ગઈકાલે અન્ય 12 એથ્લીટ્સ સાથે અટલ બ્રિજ પાસે સાબરમતી નદીમાં સ્વિમિંગ કર્યું હતું. તેમણે નદીના પાણીની ગુણવત્તા અને અન્ય વ્યવસ્થાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને અમદાવાદમાં આયર્નમેન 70.3 ઇવેન્ટ યોજવા અંગે ઉત્સાહ દર્શાવ્યો હતો.
સ્વિમિંગ, સાઇકલિંગ અને દોડ મળીને 113 કિમીની સ્પર્ધા
આયર્નમેન 70.3 વિશ્વની પ્રતિષ્ઠિત ટ્રાયથ્લોન સ્પર્ધાઓમાંની એક છે. તેમાં એથ્લીટ્સની શારીરિક ક્ષમતા, સહનશક્તિ અને માનસિક દૃઢતાની કસોટી થાય છે. સ્પર્ધામાં ત્રણ તબક્કા હશે:
સ્વિમિંગ: સાબરમતી નદીમાં 1.9 કિલોમીટર
સાઇકલિંગ: શહેરના માર્ગો અને રિવરફ્રન્ટ પર 90 કિલોમીટર
દોડ: સાબરમતી રિવરફ્રન્ટના વૉકવે પર 21.1 કિલોમીટર
આ ત્રણેય તબક્કા પૂર્ણ કરવા માટે એથ્લીટ્સે કુલ 113 કિલોમીટર એટલે કે 70.3 માઇલનું અંતર કાપવાનું રહેશે.
અટલ બ્રિજ નીચેથી શરૂ થશે સ્પર્ધા
14 ફેબ્રુઆરી, 2027ના રોજ સવારે 7 વાગ્યે સાબરમતી નદીમાં (Sabarmati Riverfront) અટલ બ્રિજની નીચેથી સ્વિમિંગ સાથે સ્પર્ધાનો પ્રારંભ થશે. એથ્લીટ્સ નદીમાં નિર્ધારિત રૂટ પર 1.9 કિલોમીટરનું અંતર પૂર્ણ કરશે. સાબરમતી નદીમાં પાણીનો શાંત અને નહીંવત્ પ્રવાહ સ્વિમિંગ માટે અનુકૂળ પરિસ્થિતિ પૂરી પાડવાની સંભાવના છે.
સ્વિમિંગ બાદ એથ્લીટ્સ શહેરના માર્ગો અને સાબરમતી રિવરફ્રન્ટને આવરી લેતા રૂટ પર 30 કિલોમીટરના ત્રણ રાઉન્ડમાં કુલ 90 કિલોમીટર સાઇકલિંગ કરશે. ત્યારબાદ અંતિમ તબક્કામાં રિવરફ્રન્ટના વૉકવે પર ત્રણ રાઉન્ડમાં 21.1 કિલોમીટરની દોડ પૂર્ણ કરશે. આ દરમિયાન એથ્લીટ્સ અટલ બ્રિજ પરથી પસાર થઈને સ્પર્ધાના સમાપન સ્થળે પહોંચશે.
2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલાં અમદાવાદને મળશે આંતરરાષ્ટ્રીય અનુભવ
સાબરમતી રિવરફ્રન્ટ આજે વૉકિંગ, જોગિંગ, સાઇકલિંગ, બોટિંગ, મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અમદાવાદીઓનું લોકપ્રિય સ્થળ છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરની એન્ડ્યુરન્સ સ્પોર્ટ્સ ઇવેન્ટના આયોજનથી અહીં ઓપન વોટર સ્વિમિંગ, ટ્રાયથ્લોન અને અન્ય રમતોના વિકાસની નવી તકો ઊભી થશે.
વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને (Gujarat Sports Tourism) ધ્યાનમાં રાખીને પણ આ ઇવેન્ટ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય એથ્લીટ્સના આગમનથી લઈને સ્પર્ધાના આયોજન, સુરક્ષા, પરિવહન અને પ્રવાસન સેવાઓ સુધીની વિવિધ વ્યવસ્થાઓનો અનુભવ શહેરને મળશે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટની ક્ષમતાને વૈશ્વિક સ્તરે રજૂ કરવાની તક પણ મળશે.
રજિસ્ટ્રેશન ક્યાં કરાવશો?
આયર્નમેન 70.3 અમદાવાદ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક એથ્લીટ્સ વધુ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે:
www.ironman.com/races/im703-amdavad
આ પણ વાંચો: અમદાવાદના રિવરફ્રન્ટનો નવો અવતાર: ફેઝ-2માં શું કામ થયું અને ફેઝ-3માં શું બનશે?
આ પણ વાંચો: ફૂટબોલની સૌથી મોટી સંસ્થા પણ સુરક્ષિત નહીં! FIFAએ સાયબર હુમલાની કરી પુષ્ટિ
આ પણ વાંચો: અમદાવાદમાં ઓલિમ્પિક યોજવા ભારતનો એક ડગલું આગળ, IOC સમક્ષ 30 મિનિટનું પ્રેઝન્ટેશન
