Gandhinagar: ગુજરાતના લોકોને રાહતના સમાચાર મળી શકે છે. રાજ્ય સરકાર નવી જંત્રીનો અમલ કરવાનો મોકૂફ રાખે તેવી પ્રબળ સંભાવના છે. તેને લઈને ખૂબ જ ઉહાપોહ થયો છે. તેની સાથે સરકાર આવો જ નિર્ણય સ્માર્ટ મીટરને લઈને લે તેવી આશા પણ લોકો રાકી રહ્યા છે. લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર હજી પણ લોકોની વિશ્વસનીયતા પર ખરા ઉતર્યા નથી તેથી જ્યાં સુધી તેઓ લોકોની વિશ્વસનીયતા પર ખરા ઉતરે નહીં ત્યાં સુધી તેનો અમલ મોકૂફ રાખવો જોઈએ.
રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકોએ પણ જણાવ્યું હતું કે સરકાર જો આ પ્રકારના દર લાગુ કરશે તો હાલમાં મંદી ચાલી રહી છે તેવી સ્થિતિમાં રિયલ્ટી સેક્ટરને મરણતોલ ફટકો પડશે. નવા પ્રોજેક્ટો નહીં જ શરૂ થાય, પણ વર્તમાન પ્રોજેક્ટો પણ પૂરા કરવા અઘરા બની જશે. આના પગલે ગુજરાત સરકારે જંત્રીના નવા પ્રસ્તાવિત દરનો અમલ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. તેના પગલે આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.
સરકારે જંત્રીના નવા દર જાહેર કર્યા ત્યારે જ વિરોધનો વંટોળ સર્જાયો હતો. આને લઈને સરકારે વાંધાસૂચનો મંગાવ્યા હતા. વાંધાસૂચનોનો ખડકાયેલો ગંજ જોતાં સરકાર પોતે પણ સ્તબ્ધ બની ગઈ હતી. સરકારને પણ લાગ્યું કે જમીનના મૂલ્યાંકનને આકાશને આંબતુ કરી દેતા નવા દરોનો અમલ હાલમાં મોકૂફ રાખવામાં જ સમજદારી છે. તેના પગલે જંત્રીનો વધારો રાજકીય અને વહીવટી કારણોસર આગામી થોડા સમય માટે મુલતવી રાખવામાં આવે તેવી સંભાવના છે.
અગાઉ એવું માનવામાં આવતું હતું કે સરકાર પહેલી એપ્રિલ 2025થી જંત્રીના નવા દરો લાગુ કરવા માંગે છે, પણ હવે સરકારે બ્રેક મારી છે. હવે સરકારે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે. જંત્રીના દરો સામેના ઉહાપોહને જોતાં તે નવા જંત્રીના દર તાત્કાલિક લાગુ નહીં કરે, પરંતુ તેને મુલતવી રાખશે. સરકાર હાલમાં નવા જંત્રીના દરના કારણે સર્જાનારી ઉદ્યોગ પર અસરોનો અભ્યાસ કરી રહી છે. તેના કારણે રોજગાર સર્જન પર પણ કેવી અસર પડવાની છે તેનો પણ અભ્યાસ થઈ રહ્યો છે. આ ઉપરાંત તેની સામે આવેલા વાંધાસૂચનોનો પણ અભ્યાસ જારી છે.
સરકારે 2023ના પ્રારંભમાં જ જંત્રીના દર 2011ના સ્તરથી બમણા કરી દીધા હતા. તેના પછી રાજ્ય સરકારે નવેમ્બર 2024માં નવું મૂલ્યાંકન જાહેર કર્યુ હતુ. જો કે સરકારે જે નવા પ્રસ્તાવિત જંત્રી દર જાહેર કર્યા છે તે 2023ના દરની તુલનાએ પાંચથી 2000 ગણા વધારે હતા.
આ ઉપરાંત એવી પણ ચર્ચા હતી કે સરકારે 2025-25ને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કર્યુ છે અને જંત્રી દરમાં વધારો કરવાથી વિવિધ પ્રોજેક્ટ્સને અસર થઈ શકે છે. તેથી કમસેકમ આ વધારો આગામી કેલેન્ડર વર્ષ સુધી તો ટળી જ ગયો હોવાનું મનાય છે. સરકાર તેની જાહેરાત આગામી થોડા દિવસમાં કરશે.
આ પણ વાંચો: જંત્રીમાં જંગી વધારાને લઈને સરકાર અને બિલ્ડર આમને-સામને
આ પણ વાંચો: નવી જંત્રી સામે બિલ્ડરોએ ખભા ઉચક્યા, ક્રેડાઈ-ગાહેડનો વિરોધ