Vadodara News: વડોદરા શહેરની GMERS મેડિકલ કોલેજમાં રેગિંગ (GMERS Ragging)નો મામલો સામે આવતા ચકચાર મચી ગઈ છે. બે દિવસ અગાઉ કોલેજના હોસ્ટેલ પરિસરમાં ફટાકડા ફોડવાની બાબતે થયેલી બોલાચાલી બાદ બીજા વર્ષના સિનિયર વિદ્યાર્થીઓ સામે જુનિયર વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવાના આક્ષેપો થયા છે. આ ઘટનાથી પરેશાન ત્રણ વિદ્યાર્થીઓમાંથી એકે જીવન જોખમમાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અન્ય વિદ્યાર્થીની સમયસર મદદથી તેને બચાવી લેવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે ભોગ બનનાર ત્રણ વિદ્યાર્થીઓએ નેશનલ મેડિકલ કમિશન (NMC)માં ફરિયાદ નોંધાવી છે અને જવાબદાર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. બીજી તરફ, રેગિંગના આક્ષેપનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા (Medical Students Ragging) છે. 27 નવેમ્બરે મેડિકલ કોલેજના વડા દ્વારા બંને પક્ષોને સાંભળવામાં આવ્યા હતા, જ્યારે આજે 28 નવેમ્બરે એન્ટી રેગિંગ કમિટીની બેઠક મળી હતી.
GMERS Ragging: ‘UGCના નિયમો મુજબ કાર્યવાહી કરી રહ્યા છીએ’
એન્ટી રેગિંગ કમિટીના સભ્ય ડો. હિતેશ રાઠોડે જણાવ્યું હતું કે, આ ઘટના બે દિવસ અગાઉ બની હતી. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નિયમો મુજબ રેગિંગની ફરિયાદ મળે ત્યારે કમિટી બનાવી તપાસ કરવાની હોય છે. તે મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ મામલે ડીન દ્વારા બંને પક્ષોની રજૂઆત સાંભળવામાં આવી છે. પરીક્ષા અને ફટાકડા ફોડવાની બાબતને લઈને વિવાદ શરૂ થયો હતો. તપાસમાં રેગિંગ સાબિત થશે તો જવાબદાર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
‘માનસિક રીતે અસ્વસ્થ વિદ્યાર્થીની સંભાળ રાખી રહ્યા છીએ’
મેડિકલ કોલેજનાં ડીન ડો. વિશાલા પંડ્યાએ જણાવ્યું હતું કે, રેગિંગની કોઈપણ ઘટનાને કોલેજ (College Ragging) તંત્ર ગંભીરતાથી લે છે. પીડિત વિદ્યાર્થીઓની ઓળખ ગોપનીય રાખીને સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ જુનિયર વિદ્યાર્થીઓને માનસિક રીતે પરેશાન કરવામાં આવ્યા હોવાની ફરિયાદ મળી છે. ફટાકડા ફોડવાની બાબતમાંથી વિવાદ શરૂ થયો હતો. આ ઘટનાથી એક વિદ્યાર્થી માનસિક રીતે અસ્વસ્થ થયો હોવાથી હાલમાં તેની સંભાળ અને સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
ડીને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીએ પ્રયાસ કર્યો હતો, પરંતુ અન્ય વિદ્યાર્થીઓએ સમયસર તેને બચાવી લીધો હતો. હાલમાં સમગ્ર ઘટનાની હકીકત જાણવા સંબંધિત વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: સુરત લો કોલેજમાં રેગિંગનો મામલો, વિદ્યાર્થીની ફરિયાદ બાદ કોલેજ તંત્ર દોડતું થયું
આ પણ વાંચો: નવી સિવિલમાં ડો. યોગેનના મોત મામલે ABVPનો વિરોધ, રેગિંગ-માનસિક ત્રાસની તટસ્થ તપાસની માગ
