Surat News/ સુરત સિવિલમાં ફરી રેગિંગની ફરિયાદથી ખળભળાટ: સર્જરી વિભાગમાંથી ડીનને નનામી અરજી, એન્ટી રેગિંગ કમિટીની તાત્કાલિક તપાસ

સુરત સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગમાંથી રેગિંગ (Surat Civil Hospital Ragging) અને કામના વધારાના ભારણ અંગે નનામી અરજી મળતાં એન્ટી રેગિંગ કમિટીએ તપાસ હાથ ધરી હતી.

Top Stories Gujarat Surat Breaking News
Surat Civil Hospital Ragging: ‘કામનું ભારણ વધુ, રજા મળતી નથી...’ નનામી અરજીથી ખળભળાટ

Surat News: સુરત સિવિલ હોસ્પિટલમાં રેગિંગ (Surat Civil Hospital Ragging)ને લઈને ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે. હોસ્પિટલના સર્જરી વિભાગમાંથી ડીન ઓફિસને એક નનામી અરજી મળતાં તંત્ર દોડતું થયું હતું. અરજીમાં વિભાગમાં કામનું ભારણ વધારે હોવા, રજા ન મળતી હોવા, અભ્યાસમાં મુશ્કેલી પડતી હોવા તેમજ સિનિયર ડોક્ટરો દ્વારા કથિત રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં અગાઉ રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત બાદ રેગિંગના મુદ્દે હોસ્પિટલ તંત્ર દ્વારા ખાસ સતર્કતા રાખવામાં આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે સર્જરી વિભાગમાંથી આવેલી નનામી અરજીને તંત્રએ ગંભીરતાથી લીધી હતી.

Surat Civil Hospital Ragging: નનામી અરજી મળતાં હોસ્પિટલ તંત્ર એલર્ટ

મળતી માહિતી મુજબ, 27 ઓગસ્ટની સાંજે ડીન ઓફિસમાં આ નનામી અરજી પહોંચ્યા બાદ હોસ્પિટલ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. અરજીમાં રેસિડેન્ટ ડોક્ટરોને વિભાગમાં વધુ કામ કરાવવામાં આવતું હોવાનો અને પૂરતી રજા ન મળતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કામના વધારાના બોજને કારણે અભ્યાસને અસર થતી હોવાની ફરિયાદ પણ અરજીમાં કરવામાં આવી હતી. સિનિયર ડોક્ટરો દ્વારા સતત હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

ડીનની અધ્યક્ષતામાં તાત્કાલિક બેઠક

અરજીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સૌપ્રથમ સર્જરી વિભાગના સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજવામાં આવી હતી. ત્યારબાદ ડીનની અધ્યક્ષતામાં એન્ટી રેગિંગ કમિટીની વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. કમિટીના સભ્યોએ અરજીમાં કરવામાં આવેલા આક્ષેપો અંગે ચર્ચા કરી હતી અને વિભાગની સ્થિતિ અંગે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. બેઠક મોડી રાત સુધી ચાલી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક તપાસમાં રેગિંગના પ્રત્યક્ષ પુરાવા નહીં

લાંબી બેઠક અને પ્રાથમિક તપાસ બાદ એન્ટી રેગિંગ કમિટી તરફથી જણાવવામાં આવ્યું છે કે હાલની તપાસમાં રેસિડેન્ટ ડોક્ટર સાથે રેગિંગ (Surat Civil Hospital Ragging) થયું હોવાના કોઈ પ્રત્યક્ષ પુરાવા મળ્યા નથી. જોકે, નનામી અરજીમાં કરવામાં આવેલા આક્ષેપોને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યા નથી. અગાઉ બનેલી દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ તંત્રએ સર્જરી વિભાગના સમગ્ર વાતાવરણ અને રેસિડેન્ટ ડોક્ટરોની કામગીરી પર વધુ નજર રાખવાનો નિર્ણય લીધો છે.

રેસિડેન્ટ ડોક્ટરોના કામકાજ પર રહેશે નજર

સિવિલ હોસ્પિટલ તંત્ર હવે સર્જરી વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટરોને કામ દરમિયાન કોઈ પ્રકારની મુશ્કેલી તો નથી પડી રહી ને, કામનું ભારણ યોગ્ય છે કે નહીં અને અભ્યાસ તથા રજાને લગતી સમસ્યાઓ છે કે કેમ તે અંગે પણ સતર્ક રહેશે. હાલની તપાસમાં રેગિંગ (Surat Civil Hospital Ragging)ના પ્રત્યક્ષ પુરાવા ન મળ્યા હોવાનું કમિટીનું કહેવું છે. તેમ છતાં નનામી અરજીમાં કરાયેલા આક્ષેપોને પગલે હોસ્પિટલ તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આગામી દિવસોમાં વધુ તપાસ દરમિયાન કોઈ નવા તથ્યો સામે આવે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો:સુરત સિવિલ હોસ્પિટલમાં રેગિંગનો મામલો ગરમાયો: 4 સિનિયર ડૉક્ટરો સામે ફરિયાદ, 9 જુનિયર ડૉક્ટરોને માનસિક ત્રાસનો આક્ષેપ

આ પણ વાંચો:સુરત સિવિલના સસ્પેન્ડેડ HOD ડૉ. સુમૈયા મુલ્લા સામે ગંભીર આક્ષેપો, સરકારી સાધનોના ખાનગી ઉપયોગથી વિદ્યાર્થીઓના શોષણ સુધી

આ પણ વાંચો:ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં પિતાના ગંભીર સવાલો, રેગિંગ મામલે નિષ્પક્ષ તપાસની માંગ