Lifestyle: આંધ્ર પ્રદેશની પ્રખ્યાત એવી આંધ્ર સ્ટાઈલ રીંગણની ચટણી (Baingan Chutney) સ્વાદમાં અત્યંત ચટપટી અને મસાલેદાર હોય છે. અહિં ઘણાને નવાઈ લાગશે કે રીંગણ (Brinjal)ની પણ વળી ચટણી હોય ખરી?
જો જમવાની થાળીમાં સાથે ચટણી કે અથાણા પીરસવામાં આવે તો ભોજનની લહેજત ઓર વધી જાય છે. જો તમે તીખું, મરચાવાળું કે પછી મસાલેદાર વાનગી ખાવાના શોખીન છો તો, આ રીતે લસણ-મરચાની ચટણી બનાવીને એની મજા માણી શકો છો. અહિં અમે તમને એની સરળ રેસિપી (Recipe) બતાવવા જઇ રહ્યાં છીએ. એને બનાવવા માટે તમને ઓછી સામગ્રીની આવશ્યકતા રહેશે. જો તમે પણ તીખું ખાવાના શોખીન છો તો, આ તીખી તમતમતી આંધ્ર સ્ટાઈલ રીંગણની ચટણી (Baingan Chutney)ને અચૂક બનાવો અને એની મજા માણો…
આંધ્રમાં આને કહેવાય છે વેંકૈયા પચડી (Baingan Chutney or Vankaya Pachadi Recipe)
શેકેલા રીંગણ, લીલા મરચાં, લસણ અને અન્ય મસાલાથી તૈયાર થતી આ ચટણી રોટલી, પરોઠા, ઢોંસા, ઈડલી અને ભાત બધી જ વાનગી સાથે અત્યંત મજેદાર લાગે છે! આંધ્રમાં આને વેંકૈયા પચડી ( Vankaya Pachadi Recipe) તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ, એની સરળ અને સ્વાદિષ્ટ વિધિ વિશે જાણી લઈએ…
દરરોજ એક જેવા દાળ-ભાત (Dal-Rice) અને રોટલી-શાક બોરિંગ લાગે છે. જો એની સાથે ચટપટી ચટણી ખાવા મળી જાય તો સાદું જમણ પણ લાજવાબ લાગે છે. આમ તે બધાના ઘરે કોથમીર-ફુદીના અને ટમેટા-લસણની ચટણી (Tomato Chutney or Mint Chutney) તો બનતી જ હોય છે. પણ આ એક નવીન જાતની ચટણી છે જેને બનાવવાનું અત્યંત સરળ છે અને વિશેષ બાબત એ છે કે એ ઘણી જ ટેસ્ટી પણ બને છે…
જો તમે પણ જમવામાં ચટણી ખાવાનું પસંદ કરો છો તો એક વાર આ રીંગણની ચટણી ખાસ ટ્રાય કરી જોજો…એનો સ્વાદ જો તમને ગુજરાતી ઓળો ભાવતો હશે તો ચોક્કસ જ ભાવશે! ફરક એટલો જ હોય છે કે ઓળામાં મોટા ભરથાના રીંગણનો ઉપયોગ થાય છે જ્યારે આ વાનગીમાં લાંબા કાળા રીંગણનો ઉપયોગ થાય છે. તો ચાલો જોઇ લઇએ એને બનાવવાની વિધિ અને સામગ્રી વિશે વિસ્તૃતપણે…

શી રીતે બનાવશો આંધ્ર સ્ટાઈલ રીંગણની ચટણી? (Andhra Style Baingan Chutney)
આ તીખી તમતમતી આંધ્ર સ્ટાઈલ રીંગણની ચટણી બનાવવા માચે તમને આટલી સામગ્રીની આવશ્યકતા રહેશે.
સામગ્રી
2-3 લાંબા કાળા રીંગણ
1 ચમચી ચણાની દાળ
1 કપ તાજી કોથમીર
2-3 તીખા લીલા મરચાં
5-6 લસણની કળીઓ
1-2 ચમચી બેસન
1-2 ચમચી તેલ
સ્વાદાનુસાર મીઠું
બનાવવાની વિધિ
1. સૌપ્રથમ લાંબા કાળા રીંગણને સારી રીતે ધોઈ લો અને એને સગડી કે ગૅસ પર શેકી લો. હવે છાલ કાઢીને સ્મૅશ કરીને મૂકી રાખો.
2. હવે મિક્સર જારમાં કોથમીર,લસણની કળીઓ (Garlic), તીખા લીલા મરચાં અને સ્વાદાનુસાર મીઠું (Salt) ઉમેરો. એને વાટીને એક બારીક પેસ્ટ બનાવી લો.
3. એક પૅનમાં તેલ ગરમ કરીને એમાં ચણાની દાળ (Chana Dal)ને મધ્યમથી ધીમા તાપે શેકી લો. જ્યારે એ સોનેરી થઇ જાય ત્યારે એમાં સમારેલા રીંગણ ઉમેરી દો.
4. પૅનને ઢાંકીને સારી રીતે થવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો અને પકાવી લો જેથી એ પૂરી રીતે ગળી જઈને નરમ બની જાય.
5. હવે આ ગળી ગયેલા રીંગણમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી થોડું બેસન નાખીને તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો.
6. ચટણીને થોડી વધુ વાર પકાવો અને બેસન સારી રીતે થઇ જાય અને બધા જ મસાલાનો ટેસ્ટ રીંગણમાં ભળી જાય એટલે ગૅસ બંધ કરી દેવો.
તો તૈયાર છે તમારી આંઘ્ર સ્ટાઈલ રીંગણની ચટણી…જેને એક બાઉલમાં કાઢીને સર્વ કરો.

આંધ્ર સ્ટાઈલમાં તૈયાર કરેલી આ ચટણીમાં રીંગણને શેકવાથી એનો સ્વાદ અને સુગંધ બંને વધી જાય છે. રીંગણની આ તીખી અને મસાલેદાર ચટણીને તમે રોટલી, પરોઠા, ઢોંસા, ઈડલી અને ભાત (Roti, Paratha, Dosa, Idli,Rice) બધી જ વાનગી સાથે ખાઇ શકો છો. જો લંચમાં ફક્ત દાળ-ભાત હોય તો સાથે આ ચટણી બનાવી શકો છે. એ થોડી જ મિનિટોમાં તૈયાર થઈ જાય છે અને સાદા દાળ-ભાત સાથે ખાવાથી પણ અનોખો સ્વાદ વધારે છે. લસણ ફોલવાની મહેનતને બાદ કરતાં, ફક્ત 10-15 મિનિટમાં જ તમે આ ચટણીને બનાવી શકો છો જે, તમારી ભોજનની થાળીના સ્વાદમાં આંઘ્ર પ્રદેશના સ્વાદનો વધારો કરશે!
આ પણ વાંચો: મૂળાની ભાજીને ફેંકશો નહિં…બનાવો ચટાકેદાર મૂળાની ચટણી…ફટાફટ રેસિપી..!
આ પણ વાંચો: ચટણી લીલી રાખવા આ નુસ્ખા અપનાવો, 10 દિવસ સુધી રહેશે તાજી!
