Vadodara News: હાલોલ-વડોદરા હાઈવે પરથી 27 નવેમ્બરે (Vadodara Terror Case) ઝડપાયેલા આતંકી મોહમ્મદ શાહરુલ ઈસ્લામની (Shahrul Islam) પૂછપરછમાં ગુજરાત ATSને અનેક મહત્ત્વની વિગતો મળી છે. તપાસમાં સામે આવ્યું છે કે શાહરૂલ પાકિસ્તાન જઈને જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed)માં જોડાવવાની ઈચ્છા ધરાવતો હતો. ATSની પૂછપરછ દરમિયાન તે કટ્ટરવાદી વિચારો વ્યક્ત કરી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે. તેણે કોઈ ઘટનાને અંજામ આપ્યા બાદ પોતાનું મોત થયું હોત તો પોતાને ખુશનસીબ માનત તેવી વાત પણ કહી હોવાનું જાણવા મળ્યું છે.
Vadodara Terror Case: આસામના ઘરેથી જૂનો ફોન મળ્યો, પાકિસ્તાની હેન્ડલર સાથે સંપર્કની આશંકા
ગુજરાત ATSની ટીમે શાહરૂલના આસામ સ્થિત ઘરે તપાસ કરતાં એક ડબ્બામાંથી તેનો જૂનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. તપાસ એજન્સીઓને આશંકા છે કે આ ફોનના માધ્યમથી તે પાકિસ્તાન સ્થિત હેન્ડલરના સંપર્કમાં હતો. આ ફોન બંધ કરીને નવો મોબાઈલ ખરીદવા માટે તેને પૈસા આપવામાં આવ્યા હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે.
તપાસ મુજબ નવો ફોન ખરીદ્યા બાદ શાહરૂલને હથિયાર મેળવવા અને એરફોર્સ સ્ટેશનના ફોટો-વીડિયો લેવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેણે વડોદરા એરફોર્સ સ્ટેશનના ફોટો (Air Force Station Photos) અને વીડિયો પાકિસ્તાન પહોંચાડ્યા હોવાનો ખુલાસો થયો છે.
વડોદરા એરફોર્સ સ્ટેશનના ગેટના ફોટો અને વીડિયો મળ્યા
ગુજરાત ATS દ્વારા શાહરૂલના મોબાઈલની તપાસ કરવામાં આવતા વોટ્સએપ અને ગેલેરીમાંથી એરફોર્સ સ્ટેશનના ગેટના ફોટો અને વીડિયો મળી આવ્યા હતા. આ ઉપરાંત AK-47 જેવી દેખાતી ઓટોમેટિક એસોલ્ટ રાઇફલ ચલાવવાની તાલીમ દર્શાવતા વીડિયો પણ મળી આવ્યા હતા.
તપાસમાં શાહરૂલ પાકિસ્તાન સ્થિત હેન્ડલર મુફ્તી રફીક ઉર્ફે ‘ઇબ્ન અબ્દુલ્લા’ના સંપર્કમાં હોવાના પુરાવા મળ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. હેન્ડલર દ્વારા નવો ફોન ખરીદવા માટે તેને ₹50 હજાર રોકડા આપવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે.
જૈશનું સાહિત્ય મળ્યું, યુવાનોને કટ્ટરવાદી બનાવવાનો પ્રયાસ
આસામમાં શાહરૂલના ઘરે તપાસ દરમિયાન જૈશ-એ-મોહમ્મદનું જેહાદી સાહિત્ય મળી આવ્યું હતું. તપાસમાં તે અનેક કટ્ટરવાદી ગ્રૂપ સાથે જોડાયેલો હોવાની અને અન્ય યુવાનોને પણ કટ્ટરવાદી બનાવવાનો પ્રયાસ કરતો હોવાની વિગતો મળી હોવાનું જાણવા મળ્યું છે.
ATSની તપાસ મુજબ શાહરૂલ કોઈ ઘટનાને અંજામ આપ્યા બાદ પાકિસ્તાન જઈને જૈશ-એ-મોહમ્મદના સંગઠનમાં જોડાવા અને આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો ઇરાદો ધરાવતો હતો. તે હથિયાર ચલાવવા માટે પણ ઉત્સુક હતો અને પાકિસ્તાન સ્થિત હેન્ડલરનો (Pakistan Handler) આદેશ મળે તો હથિયાર ચલાવવા તૈયાર હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
14 દિવસના રિમાન્ડ પર પૂછપરછ, અનેક રાજ્યોમાં તપાસ
હાલમાં શાહરૂલ 14 દિવસના રિમાન્ડ પર છે. ગુજરાત ATS દ્વારા વડોદરા ઉપરાંત આસામ, ઉત્તર પ્રદેશ અને દાહોદમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ જોડાયેલી છે કે નહીં અને ગુજરાતમાં શાહરૂલને કોઈએ મદદ કરી હતી કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે. ATS ઉપરાંત કેન્દ્રીય તપાસ એજન્સીઓ પણ તેની પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો: વડોદરા એરફોર્સ સ્ટેશન પર હુમલાનું કાવતરું? પાકિસ્તાન મોકલ્યા ફોટો-વીડિયો, ATSની તપાસમાં ખુલાસો
આ પણ વાંચો: એરફોર્સ સ્ટેશનને ટાર્ગેટ કરવાની આશંકા, પાકિસ્તાન ભાગી જવાનો પ્લાન હોવાનો ATSનો દાવો
આ પણ વાંચો: વડોદરામાં ATSની મોટી કાર્યવાહી: ગાડીમાંથી AK-47 અને 23 કારતૂસ ઝડપાયા, આસામના શખસની અટકાયત
