Vadodara News/ વડોદરા એરફોર્સ સ્ટેશન પર હુમલાનું કાવતરું? પાકિસ્તાન મોકલ્યા ફોટો-વીડિયો, ATSની તપાસમાં ખુલાસો

ગુજરાત ATS (Vadodara Air Force Station) દ્વારા ઝડપાયેલા મોહમ્મદ શાહરૂલ ઇસ્લામની પૂછપરછમાં વડોદરા એરફોર્સ સ્ટેશનના ફોટો-વીડિયો પાકિસ્તાન મોકલ્યાની વિગતો સામે આવી. આસામના ઘરેથી જૈશનો ફ્લેગ મળ્યો.

Top Stories Gujarat Vadodara Breaking News
Vadodara Air Force Station: પાકિસ્તાન મોકલ્યા ફોટો-વીડિયો, ATSનો ખુલાસો

Vadodara News: ગુજરાત ATS (Gujarat ATS) દ્વારા હાલોલ-વડોદરા હાઈવે પરથી ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકીની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીએ વડોદરા એરફોર્સ સ્ટેશનના (Vadodara Air Force Station) ગેટના ફોટા અને વીડિયો પાકિસ્તાન સ્થિત હેન્ડલરને મોકલ્યા હોવાની વિગતો સામે આવી છે. બીજી તરફ, આસામમાં તેના ઘરે ATS દ્વારા કરવામાં આવેલી તપાસમાં જૈશ-એ-મોહમ્મદનો ઝંડો, જેહાદી પુસ્તકો અને મસૂદ અઝહરનાં પુસ્તક સહિતની વસ્તુઓ મળી આવી છે.

Vadodara Air Force Station: આસામમાં ઘરેથી જૈશનો ઝંડો અને જેહાદી સાહિત્ય મળ્યું

ATSની ટીમે આરોપીના આસામ સ્થિત ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન જૈશ-એ-મોહમ્મદનો (Jaish-e-Mohammed) ફ્લેગ, જેહાદી પુસ્તકો, મસૂદ અઝહરનું પુસ્તક અને જેહાદી લખાણ મળી આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઉત્તર પ્રદેશના દેવબંદ મદરેસામાં અભ્યાસ કરતો હતો. જૈશ-એ-મોહમ્મદમાં જોડાતાં પહેલાં તેણે શપથ લીધા હોવાની વિગતો પણ સામે આવી છે.

આરોપી ઇસ્લામિક મુવમેન્ટ સાથે જોડાયો હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ATS દ્વારા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને બેંક ખાતાંની વિગતો પણ મંગાવવામાં આવી છે.

એરફોર્સ સ્ટેશનના ફોટા અને વીડિયો પાકિસ્તાન મોકલ્યા

ATSએ આરોપીના મોબાઈલની તપાસ કરતાં વોટ્સએપ અને ગેલેરીમાંથી મહત્વપૂર્ણ પુરાવા મળ્યા હતા. તેમાં વડોદરા એરફોર્સ સ્ટેશનના ગેટના ફોટા અને વીડિયો મળી આવ્યા હતા. આ ફોટા અને વીડિયો પાકિસ્તાન સ્થિત હેન્ડલરને મોકલવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે.

આ ઉપરાંત મોબાઈલમાંથી AK-47 જેવી ઓટોમેટિક એસોલ્ટ રાયફલ ચલાવવાની તાલીમ સંબંધિત વીડિયો પણ મળી આવ્યા હતા. તપાસમાં આરોપી પાકિસ્તાન સ્થિત હેન્ડલર મુફ્તી રફીક ઉર્ફે ‘ઈબ્ન અબ્દુલ્લા’ના સંપર્કમાં હોવાના પુરાવા (Terror Suspect Arrested) મળ્યા છે. હેન્ડલરે આરોપીને નવો મોબાઈલ ફોન ખરીદવા માટે રૂ.50 હજાર રોકડા આપ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

હાલોલ-વડોદરા હાઈવે પરથી AK-47 સાથે ઝડપાયો હતો

ગુજરાતમાં આતંકી હુમલાના ઇરાદે આવેલા જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા મોહમ્મદ શાહરૂલ ઈસ્લામ કબીરુદ્દીનને ગુજરાત ATSએ હાલોલ-વડોદરા હાઈવે પરથી ઝડપી પાડ્યો હતો. મૂળ આસામનો રહેવાસી આરોપી વડોદરા એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવાના ઇરાદે આવ્યો હોવાની વિગતો સામે આવી છે. તેની પાસેથી એક AK-47 રાયફલ અને 23 જીવતા કારતૂસ મળી આવ્યા હતા.

આરોપીના મોબાઈલમાંથી મળેલા પુરાવા મુજબ, તે છેલ્લા એક વર્ષથી પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના હેન્ડલરના સંપર્કમાં હતો.

14 દિવસના રિમાન્ડ મંજૂર

ગુજરાત ATSએ આરોપીને શુક્રવારે વાઘોડિયા કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેની પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

તપાસ મુજબ, આરોપી ઘટનાને અંજામ આપ્યા બાદ પાકિસ્તાન જવાની અને ત્યાં જૈશ-એ-મોહમ્મદની તંઝીમમાં આતંકી તરીકે જોડાવાની ઇચ્છા ધરાવતો હોવાનો આરોપ છે. આ સાથે શહાદત આપવાનો પણ તેનો ઇરાદો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ATS દ્વારા હવે તેના સંપર્કો, બેંક વ્યવહારો અને અન્ય કડીઓની વધુ તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: વડોદરામાં ATSની મોટી કાર્યવાહી: ગાડીમાંથી AK-47 અને 23 કારતૂસ ઝડપાયા, આસામના શખસની અટકાયત

આ પણ વાંચો: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં બે આતંકવાદીઓ ઠાર; સુરક્ષા દળોએ સંયુક્ત કાર્યવાહીમાં બે AK-47 રાઈફલ પણ જપ્ત કરી

આ પણ વાંચો: 5 લાખની AK-47 રાઇફલ ખરીદી, વિસ્ફોટકો માટે ડીપ ફ્રીઝરનો ઉપયોગ: આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ