અમદાવાદ અને મુંબઈ વચ્ચે શતાબ્દી ટ્રેનમાં મુસાફરી કરનારાઓને હવે ફ્લાઇટ જેવી સુવિધા માણવા મળશે. બુધવારે આ ખાસ સુવિધા ધરાવતા કોચ સાથે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન મુંબઈ તરફ રવાના થઇ હતી.
અમદાવાદથી બુધવારે રવાના થયેલી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં એક ખાસ કોચ જોડવામાં આવ્યો હતો. અનુભૂતિ નામનો આ કોચ વિમાનમાં હોય એ પ્રકારની મોટાભાગની સુવિધા ધરાવે છે.
ગુજરાતની પ્રથમ ‘ અનુભૂતિ કોચ ‘ ધરાવતી શતાબ્દી ટ્રેન અમદાવાદ અને મુંબઇ વચ્ચે ત્રીજી જાન્યુઆરીથી શરુ કરીને છઠ્ઠી જાન્યુઆરી સુધીના ચાર દિવસ માટે દોડાવવામાં આવનાર છે. એરક્રાફ્ટ જેવી અત્યાધુનિક સુવિધાઓ ધરાવતો આ કોચ શતાબ્દી ટ્રેનમાં ૧૯ કોચમાંથી એક કોચ તરીકે જોડવામાં આવ્યો છે.
શું વિશેષતા છે આ કોચમાં તે પણ જાણીએ.
આ અનુભૂતિ કોચમાં રીડીંગ લાઇટ, અટેન્ડન્સ કોલ બટન, એલઇડી ટીવી સ્ક્રીન, સીટ વીથ ફૂટ રેસ્ટ, હેડફોન, ચાર્જર, આધુનિક ટોઇલેટ, સ્ટાઇલીશ ઇન્ટિરીયર, આરામદાયક સીટ સહિતની સુવિધા ઉપલબ્ધ છે.
જીપીએસ આધારીત પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ મુસાફરોને તેમની સીટ સામેની એલઇડી સ્ક્રીન પર જોવા મળશે. ટ્રેનની સ્પીડ પણ સ્ક્રીન પર જોઇ શકાશે. આ અત્યાધુનિક અનુભૂતી કોચ તમામ રાજધાની અને શતાબ્દી ટ્રેનોમાં તબક્કાવાર જોડવામાં આવશે. ચાર દિવસ સુધી શતાબ્દી એક્સપ્રેસમાં જોડાશે આ કોચ.