કેપ ટાઉન,
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ૬ ODI મેચની શ્રેણીની ત્રીજી વન-ડે મેચમાં ભારતીય ટીમે ૧૨૪ રનથી વિજય મેળવી જીતની હૈટ્રિક નોધાવી છે. આ સાથે ભારતે ૬ મેચની સીરીઝમાં ૩-૦ની અજેય લીડ મેળવી લીધી છે. કેપ ટાઉનના ન્યુ વન્ડર્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં ૩૦૩ રન ફટકાર્યા હતા. ભારતીય ઇનિંગ્સમાં કેપ્ટન વિરાટ કોહલીએ કેરિયરની ૩૪મી સદી ફટકારી હતી. ૩૦૪ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની પૂરી ટીમ ૧૭૯ રનમાં સમેટાઈ ગઈ હતી. સ્પિનર કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલે તરખાટ મચાવતા ૪-૪ વિકેટ ઝડપી હતી. આફ્રિકા તરફથી માત્ર મિડલ ઓર્ડર બેટ્સમેન જે પી ડ્યુમિનીએ સર્વાધિક ૫૧ રન ફટકાર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકામાં સતત ત્રણ મેચ જીતીને ઈતિહાસ સર્જી દીધો છે. આ પહેલા આફ્રિકા સામે રમાયેલી સિરીઝમાં ક્યારેય પણ ભારત ૨ થી વધુ મેચ જીતી ચુક્યું ન હતું.
ઇન્ડિયન ટીમનો દક્ષિણ આફ્રિકામાં રેકોર્ડ,
૧. ભારતનો આફ્રિકા પ્રવાસ ( ૧૯૯૨-૯૩) – ૭ મેચની વન-ડે સીરીઝમાં આફ્રિકા ૫-૨થી જીત્યું
૨. ભારતનો આફ્રિકા પ્રવાસ ( ૨૦૦૬-૨૦૦૭ ) – ૫ મેચની વન-ડે સીરીઝમાં આફ્રિકા ૩-૨ થી જીત્યું
૩. ભારતનો આફ્રિકા પ્રવાસ ( ૨૦૧૦-૨૦૧૧ ) – ૫ મેચની વન-ડે સીરીઝમાં આફ્રિકા ૩-૨ થી જીત્યું
૪. ભારતનો આફ્રિકા પ્રવાસ ( ૨૦૧૩-૨૦૧૪ ) – ૩ મેચની વન-ડે સીરીઝમાં આફ્રિકા ૨-૦ થી જીત્યું
૫. ભારતનો આફ્રિકા પ્રવાસ ( ૨૦૧૮ ) – ૬ મેચની વન-ડે ભારત ૩-૦ થી આગળ
