અમરેલી
અમરેલીમાં રાજુલા તાલુકાના ચાંચબંદર ગામ નજીક આવેલ એક જર્જરીત બંગલે છેલ્લા ૧૦ દિવસથી દીપડો આવી ચડ્યો છે. સ્થાનિકના કહેવા પ્રમાણે આ બંગલામાં જ દીપડાએ તેનું રહેઠાણ બનાવી દીધું છે.
ગામના કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા બંગલામાં રહેતા દીપડાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. ચાંચબંદર ગામ ૧૦,૦૦૦ થી પણ વધુ વસ્તુ ધરાવે છે. આમ આવી રીતે બંગલામાં દીપડાને છુટ્ટો રખડતા જોઈ આસપાસના રહેવાસીમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે.
તમને જણાવી દઈએ કે હાલ રાજુલા વન વિભાગની ટીમ દ્વારા આ બંગલામાં દીપડાને પકડવા માટે એક પાંજરું મુકવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા આ પીંજરામાં દીપડાની પુરાઈ જવાની રાહ જોવાઈ રહી છે.
અહી તમે જોઈ શકો છો કેવી રીતે દીપડો આરામથી બંગલાની ઉપર ચડીને બેઠો છે.

આ છે સાંચબંદરમાં દરિયાકિનારે આવેલો ચાંચબંગલો



ચાંચબંદરમાં દરિયાકિનારે આ ચાંચબંગલો આવેલો છે. તમને જણાવી દઈએ કે આ બંગલો એ ભાવનગરના રાજા કૃષ્ણ કુમારજીનો હતો જે એકદમ દરિયાને અડીને આવેલો છે. તેટલું જ નહી પણ અહી વિદેશીઓ પણ આ જર્જરીત બંગલાને જોવા માટે આવે છે. અહી જોવા માટે આવનાર કોઈ પ્રવાસી પાસેથી બંગલો જોવા માટેની ફી લેવામાં આવતી નથી. અને હાલ આ બંગલાના માલિક કોમલકાંત શર્મા છે જેઓ ભાવનગરમાં રહે છે.
મહત્વનું છે કે અમરેલી જીલ્લામાં ગામમાં વન્ય પ્રાણીનું ઘુસી જવું એ બીજી ઘટના છે. બુધવારે રાજુલા તાલુકાના કોટડી ગામમાં સિહોનું હિસક ટોળું ઘુસી ગયું હતું અને ગામના ૮ રેઢીયાર પશુનો શિકાર કરી દીધો હતો જોકે રાજુલા વનવિભાગની ટીમને જાણ થતા તે ઘટના સ્થળ પર પહોચી આગળની કામગીરી હાથ ધરી હતી.
