દિલ્લી,
ભારત દ્વારા દુનિયાના અન્ય દેશોમાંથી ખરીદવામાં આવતા હથિયારોને લઇ એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં ભારત દુનિયામાં બીજા તમામ દેશોને પાછળ છોડતા સૌથી વધુ હથિયાર ખરીદનાર દેશ બની ગયો છે. ગ્લોબલ થિંક ટેંક સ્ટાકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટયુટ દ્વારા આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
આ રિપોર્ટ અનુસાર, ભારત ૨૦૧૩ થી ૨૦૧૭ વચ્ચે દુનિયાભરમાં ખરીદવામાં આવેલા હથિયારોમાં ભારતની ભાગીદારી ૧૨ ટકા છે. ગ્લોબલ થિંક ટેંક સ્ટાકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટયુટના રિપોર્ટ મુજબ, વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૨ અને ૨૦૧૩ થી ૨૦૧૭ વચ્ચે ભારતના ટકાવારીમાં ૨૪ %નો વધારો થયો છે.
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પાડોશી દેશ પાકિસ્તાન અને ચીન સાથે વધી રહેલા મતભેદોના કારણે ભારત દ્વારા હથિયારોની માંગમાં સતત વધારો થયો છે.
આ રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૧૩-૨૦૧૭ વચ્ચે ભારત દ્વારા સૌથી વધુ હથિયારો રશિયા પાસેથી લેવામાં આવ્યા છે. ત્યારબાદ અમેરિકા આ મામલે બીજા સ્થાને છે.
દુનિયાના દેશોમાંથી હથિયાર ખરીદવાના મામલે ભારત બાદ સાઉદી અરબ, મિસ્ર, યુએઈ, ચીન, ઓસ્ટ્રેલિયા, અલ્જીરિયા, ઈરાક, પાકિસ્તાન અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે.
દુનિયામાં હથિયારો બીજા દેશોમાં સપ્લાઈ કરવામાં અમેરિકા પહેલા સ્થાને છે. ત્યારબાદ રશિયા બીજા, ફ્રાંસ ત્રીજા અને જર્મની ચોથા સ્થાને અને ચીન પાંચમા સ્થાને છે. દુનિયામાં પાંચ મહાસત્તાઓ કહેવાતા આ પાંચ દેશો દુનિયાભરમાં ૭૪ ટકા હથિયારો સપ્લાઈ કરે છે. ચીન દ્વારા સૌથી વધુ હથિયારો પાકિસ્તાનને સપ્લાઈ કરવામાં આવે છે જેની ટકાવારી ૩૫ % છે જયારે બાંગ્લાદેશ ૧૯ ટકા હથિયારો ચીન પાસેથી ખરીદે છે.
મહત્વનું છે કે, ભારતના પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવી રહેલા સીઝફાયરના ઉલ્લંઘન તેમજ ચીનની આર્મી દ્વારા બોર્ડર પાર કરવામાં આવી રહેલી ઘુષણખોરીની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે પોતાના દુશ્મનોને જવાબ આપવા માટે ભારત પોતાના બેડામાં સૌથી આધુનિક હથિયારો ખરીદવા માટે કટિબદ્ધ જણાઈ રહ્યું છે.
