નવી દિલ્હી,
દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી દલિત સમુદાયના લોકો પર થઇ રહેલા હુમલાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશમાં ચર્ચાતા મુખ્ય મુદ્દાઓમાં પણ દલિતો પર થતા અત્યાચાર સૌથી ચર્ચાતો વિષય છે. ત્યારે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી) દ્વારા જે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે એમા પણ દલિતો પર થઇ રહેલા અત્યાચારો અંગે પુષ્ટી થઇ છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૧૦ વર્ષમાં દલિતો સામેના અત્યાચારોમાં ઘણો વધારો થયો છે. વર્ષ ૨૦૦૭થી ૨૦૧૭ દરમિયાન દલિત અત્યાચારના કેસમાં ૬૬ ટકાનો વધારો થયો છે.
રિપોર્ટમાં જણાવવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વર્ષ ૨૦૦૭થી ૨૦૧૭ વચ્ચેના ૧૦ વર્ષમાં રોજ દેશમાં ૬ દલિત મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટના સામે આવે છે. તેમજ ભારતમાં દર ૧૫ મિનિટે એક દલિત સાથે મારપીટ થાય છે.
NCRB દ્વારા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૦૬માં દલિતો સામે કુલ અપરાધો ૨૭૦૭૦ નોંધાયા હતા. જે ૨૦૧૧માં વધીને ૩૩૭૧૯ થયા છે. જ્યારે ૨૦૧૬માં આ આંકડો ૪૦૮૦૧ને પાર કરી ગયો છે. ૧૦ વર્ષમાં દલિત મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનામાં બમણો વધારો થયો છે. ૨૦૧૬માં દરરોજ દલિત મહિલાઓ સાથે દુષ્કર્મના સરેરાશ છ કેસ સામે આવ્યા છે.
ભાજપ અને NDAના સહયોગી પક્ષોની સરકારમાં દલિતો પર વધ્ય અત્યાચાર
બીજી બાજુ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટના આંકડા ભારતીય જનતા પાર્ટી અને તેમના NDAના સાથીઓની સરકાર માટે પણ ચિંતાજનક છે. રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૪થી ૨૦૧૬ દરમિયાન જે રાજ્યોમાં દલિતો સામે અત્યાચારના કેસ વધ્યા છે એ તમામ રાજ્યોમાં ભાજપ અથવા તેમના સહયોગી પક્ષોની સરકાર છે.
દલિતો પર થતા અત્યાચારોમાં મધ્યપ્રદેશ છે મોખરે
NCRBના આંકડાઓ મુજબ, દલિતો સામે અત્યાચારના સૌથી વધુ કેસ મધ્યપ્રદેશમાં સામે આવ્યા છે. દલિતો સામેના કુલ અત્યાચારમાં મધ્યપ્રદેશનો હિસ્સો ૧૨.૧ ટકા છે. જયારે બીજા નંબર પર રાજસ્થાન, ત્રીજા ક્રમાંકે બિહાર અને ચોથા ક્રમાંકે ગુજરાત આવે છે.
