બનાસકાંઠા,
બનાસકાંઠામાં ગૌશાળાઓમાં ઘાસચારાની તંગીના મામલે આખરે ગાયોને હવે છૂટી કરી દેવામાં આવી છે. ગૌશાળામાં સહાય અંગે કલેક્ટર સાથે સંચાલકોની તેમજ પશુ પ્રેમીઓની બેઠક મળી હતી. જે બેઠક નિષ્ફળ રહેતા આખરે ગૌશાળાના સંચાલકોને ગાયોને છૂટી કરી દેવાનો નિર્ણય કર્યો હતો અને શનિવાર સવાર પડતાંની સાથે જ ગાયોને છૂટી કરી દેવામાં આવી છે. છૂટી કરાતાં જ ગાયો ગામ તરફ દોડવા લાગી હતી જેને લઈને ગામમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

બનાસકાંઠામાં ગૌશાળા અને પાંજરાપોળની દયનિય હાલતના કારણે હવે ઘાસચારાની તંગી વચ્ચે ગાયોને બચાવવી મુશ્કેલ બની ગયું છે. જોકે ગૌશાળાના સંચાલકો દ્વારા ગાયોની સ્થિતિ વિશે સરકારમાં અને જિલ્લા તંત્રને રજુઆત કરવા છતાં કોઈ જ પરિણામ ન આવતા શનિવારના રોજ ગૌશાળાના સંચાલકો દ્વારા પાંજરાપોળની સેંકડો ગાયો ડિસાની સરકારી કચેરીઓમાં છોડી મુકવાનો નિર્ણય કરાયો હતો તેના માટે ગાયોને લઈ જવા માટે 500 આદિવાસીઓને બોલાવવામાં આવ્યા હતાં. બનાસકાંઠાના ડીસા પાંજરાપોળની સેંકડો ગાયોને શહેર તરફ રવાના કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ સરકારની સહાય ન મળતા આખરે આ નિર્ણય લેવાયો છે.

થોડા દિવસ પહેલા જ બનાસકાંઠાના ગૌશાળાના સંચાલકો દ્વારા રોષે ભરાઈને ડીસાના કાંટ પાંજરાપોળના સંચાલકોએ 5 હજાર જેટલી ગાયોને છોડવાનો નિર્ણય હતો. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાની 97 ગૌશાળા અને પાંજરાપોળની 65 હજાર ગાયોને છેલ્લા 17 વર્ષથી સરકાર તરફથી કોઈ મદદ ન મળતાં તેમની હાલત દયનિ બની છે તેથી ગૌશાળાના સંચાલકો દ્વારા વારાફરતી તમામ ગાયોને છોડી મુકવાનો નિર્ણય કરાયો છે.
ગૌશાળાના સંચાલકોનું કહેવું છે કે તંત્ર અમારી પાસે વધુ સમય માંગે છે પરંતુ અમારી પાસે વધુ ઘાસચારો નથી એટલે હવે જો સહાય નહી મળે તો અમારે મજબુરીવશ ગાયોને છોડવી જ પડશે અને અમને કોઈ જ સહાય 17 વર્ષમાં નથી મળી એટલે કૌશિક પટેલ જે વાતો કરે છે તે તદ્દન ખોટી છે.

જો સરકારની મંત્રણાઓ નિષ્ફળ નીવડે તો જિલ્લાના તમામ તાલુકા મથકો ખાતેની સરકારી કચેરીઓ પાંજરાપોળથી છોડાયેલા પશુઓથી ઉભરાઈ જશે અને સમગ્ર જિલ્લાઓના વાહન વ્યવહાર તેમજ રોજીંદા જીવનને ભારે અસર પહોંચશે.
