ગાંધીનગર,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૮માં લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષામાં વલસાડ જિલ્લાના મોટાપોંઢાંની જીએમડી સાર્વજનિક હાઇસ્કૂલમાં માસ કોપી કેસની ઘટના બની હતી. આ માસ કોપી કેસમાં ૮૪ વિદ્યાર્થીઓએ મોટાભાગના જવાબો એક સરખા લખ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે બોર્ડ દ્વારા કોપી કેસના મામલામાં ૮૪ વિદ્યાર્થીઓને આગામી તા. ૧૬ મેના રોજ ગાંધીનગર સ્થિત બોર્ડની કચેરી ખાતે બોર્ડ સમક્ષ હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.
GSEB દ્વારા માર્ચ-૨૦૧૮માં ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેમાં ધોરણ-૧૦ની પરીક્ષા અંતર્ગત તા. ૨૩-૦૩-૨૦૧૮ના રોજ સંસ્કૃત અને હિન્દી વિષયના પેપર લેવામાં આવ્યા હતા. જેમાં વલસાડ જિલ્લાના મોટાપોંઢા ગામની શાહ જીએમડી સાર્વજનિક હાઇસ્કૂલમાં શાળાના શિક્ષિકાઓ તેમજ પટાવાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ખુલ્લેઆમ કાપલીઓ પહોંચાડવા ઉપરાંત ચોપડીઓમાંથી કોપી કરાવવાનું કૌભાંડ પરીક્ષાખંડમાં મુકાયેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પરથી બહાર આવ્યું હતું.
ત્યારબાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વલસાડ દ્વારા આ સીસીટીવી ફૂટેજના મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં પરીક્ષા આપી રહેલા ૮૪ જેટલા વિદ્યાર્થીઓ પૈકીના મોટાભાગના વિદ્યાર્થીઓના પેપરમાં લખાયેલા જવાબો એકસરખા હોવાનું જણાયું હતું. જેના કારણે આ તમામ વિદ્યાર્થીઓ સામે માસ કોપી કેસનો ગુનો નોધાયો છે.
આ મામલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સૂચના મુજબ જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ) બી.એમ. પટેલ દ્વારા સુપરવાઈઝરો તેમજ શાળાના અન્ય કર્મચારીઓને નોટિસ આપી છે, પરંતુ હજુ સુધી જવાબદારો સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેના લીધે આ મામલો વલસાડ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.
જો કે આ દરમિયાન ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ માસ કોપી કેસના મામલાના સંડોવાયેલા ૮૪ વિદ્યાર્થીઓને નોટિસ આપીને આગામી તા. ૧૬ મેના રોજ ગાંધીનગર ખાતે બોર્ડ સમક્ષ હાજર થવા માટે આદેશ કર્યો છે.
