ભુજ,
ભુજ તાલુકાના ભારાપર ગામના દલિત સરપંચની ત્રણ વર્ષ પૂર્વ થયેલી હત્યાના આરોપીઓ નહિ પકડાતા અનેક રજૂઆતો કરીને થાકેલા વર્તમાન સરપંચે પૂર્વ ચેતવણી અનુસાર આજે ભુજમાં કલેકટર કચેરી સામે પરિવાર સાથે ઉપવાસ શરૂ કરતાં તંત્ર ઉંઘતું ઝડપાયું હતું.
ભારે તંગ માહોલ વચ્ચે બપોરે ઉપવાસ પર ઉતરેલા સરપંચ દેવાભાઈ સવાભાઈ મહેશ્વરી તેમજ તેમની સાથે કોંગ્રેસ અને મુસ્લિમ સમાજના અગ્રણી આદમભાઈ ચાકી તેમજ દલિત આગેવાનો પણ આ ઉપવાસમાં જોડાયા હતા અને જરૂર પડે તો આત્મવિલોપન કરવાની ચેતવણી પણ આપી હતી.
તો આ તરફ જ્યુબિલી સર્કલ પર ચક્કાજામની ચીમકીના પગલે ભુજ એ-બી ડિવિઝન, એલસીબી, એસઓજી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીએ જ્યુબિલી સર્કલ પર પહોંચી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
