અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના નેતા હાર્દિક પટેલ દ્વારા પાટીદારોને અનામતની માંગણી સંદર્ભે મંગળવારે ભાજપ અને કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોને સંબોધીને એક ઓપન લેટર (ખુલ્લો પત્ર) લખીને તેમને પાટીદાર અનામત આંદોલનની લડાઈમાં સાથે છો કે નહિ? તેવો સવાલ કરીને તેમને પાટીદાર ન્યાય મહાપંચાયતની બેઠકમાં ઉપસ્થિત રહીને સમાજની સાથે છો કે નહિ તેમ પૂછ્યું છે.
રાજ્યમાં પાટીદાર સમાજને અનામત આપવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ-PAAS) દ્વારા આંદોલન છેલ્લા ત્રણ વર્ષથી ચલાવવામાં આવી રહ્યું છે. આ આંદોલન સંદર્ભે ‘પાસ’ નેતા હાર્દિક પટેલ દ્વારા ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોને ઉલ્લેખીને એક ઓપન લેટર લખવામાં આવ્યો છે.
હાર્દિકે આ પત્રમાં લખ્યું છે કે, ‘જય સરદાર’ સાથે આપ ધારાસભ્યને જણાવવાનું છે કે, રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષથી પાટીદાર સમાજ દ્વારા પોતાની આવનારી પેઢીના ભવિષ્યના હક માટે લડત ચલાવવામાં આવી રહી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ આ લડીને હજુ પણ આગળ ધપાવવાની છે. આ મામલે આગામી તા. ૨૬-૦૫-૨૦૧૮ને શનિવારના રોજ સાંજે સાત કલાકે ધ્રાંગધ્રા તાલુકાના મોટી-માલવણ ગામ ખાતે પાટીદાર ન્યાય મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પાટીદાર ન્યાય મહાપંચાયતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ-પાસ ભાજપ અને કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવે છે. પાટીદાર ન્યાય મહાપંચાયતમાં ઉપસ્થિત રહીને સમાજની વચ્ચે બેસીને સમાજને સમર્થન આપવું પડશે. જો આપ પાટીદાર ન્યાય મહાપંચાયતમાં ઉપસ્થિત નહિ રહો ટો એવું માનવામાં આવશે કે આપ સમાજની અનામતની લડાઈમાં સાથે નથી.
હાર્દિક પટેલ દ્વારા લખવામાં આવેલા આ પત્રની નકલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, કોંગ્રેસના વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, રાજ્ય સરકારના મંત્રીઓ સૌરભ પટેલ, આર.સી. ફળદુ, કૌશિક પટેલ, જયેશ રાદડિયા, કુમાર કાનાણી ઉપરાંત અન્ય પાટીદાર ધારાસભ્યો સંતોકબેન એરઠીયા (ધારાસભ્ય-રાપર), મહેશ પટેલ (ધારાસભ્ય-પાલનપુર), ડૉ. કિરીટ પટેલ (ધારાસભ્ય-પાટણ), ડૉ. આશા પટેલ (ધારાસભ્ય-ઊંઝા), સુરેશ પટેલ (ધારાસભ્ય-માણસા), રમણ પટેલ (ધારાસભ્ય-વિજાપુર), ઋષિકેશ પટેલ (ધારાસભ્ય-વિસનગર),બ્રિજેશ મેરજા (ધારાસભ્ય-મોરબી), કેશુભાઈ નાકરાણી (ધારાસભ્ય-ગારિયાધાર), ગોવિંદ પટેલ (ધારાસભ્ય-રાજકોટ), ધનજી પટેલ (ધારાસભ્ય-વઢવાણ), બાબુ જમના પટેલ (ધારાસભ્ય-દસક્રોઈ), અરવિંદ પટેલ (ધારાસભ્ય-સાબરમતી), સુરેશ પટેલ (ધારાસભ્ય-મણીનગર), હસમુખ પટેલ (ધારાસભ્ય-અમરાઈવાડી), વલ્લભ કાકડિયા (ધારાસભ્ય-ઠક્કરબાપાનગર), લલિત કગથરા (ધારાસભ્ય-ટંકારા), ચિરાગ કાલરિયા (ધારાસભ્ય-જામજોધપુર), લલિત વસોયા (ધારાસભ્ય-ધોરાજી), હર્ષદ રીબડિયા (ધારાસભ્ય-વિસાવદર), દુષ્યંત પટેલ (ધારાસભ્ય-ભરૂચ), જે.વી. કાકડિયા (ધારાસભ્ય-ધારી), પ્રતાપ દુધાત (ધારાસભ્ય-સાવરકુંડલા), વીરજી ઠુમ્મર (ધારાસભ્ય-લાઠી), યોગેશ પટેલ (ધારાસભ્ય-માંજલપુર), ભુપેન્દ્ર પટેલ (ધારાસભ્ય-ઘાટલોડિયા), નિરંજન પટેલ (ધારાસભ્ય-પેટલાદ), અક્ષય પટેલ (ધારાસભ્ય-કરજણ), વિનોદ મોરડિયા (ધારાસભ્ય-કતાર ગામ), વિવેક પટેલ (ધારાસભ્ય-ઉધના), પ્રવીણ ઘોઘારી (ધારાસભ્ય-કરંજ-સુરત), કાંતિ બલર (ધારાસભ્ય-સુરત) અને વી.ડી. ઝાલાવાડિયા (ધારાસભ્ય-કામરેજ) સહિતના પાટીદાર ધારાસભ્યોને મોકલવામાં આવી છે.
હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસ અને ભાજપના પાટીદાર ધારાસભ્યોને લખેલા આ ખુલ્લા પત્ર બાદ કેટલા ધારાસભ્યો પાટીદાર ન્યાય મહાપંચાયતની બેઠકમાં ઉપસ્થિત રહેશે તેની ઉપર સૌની નજર મંડાઈ છે.
