મોરબી,
સ્વજનનું મોત થાય તે તેમની પાછળ તેમના પરિવારજનો વિધી વિધાન તો કરાવે છે સાથે સાથે મૃતકની અંતિમ ઇચ્છા પુર્ણ કરવા પણ પોતાની જાતને ઘસી કાઢી હોય તેવા ઉદાહરણો આપણે સાંભળ્યા છે.મોરબીમાં મોતને ભેટેલી પોતાની માતાની અંતિમ ઇચ્છા પુરી કરવા માટે પુત્રએ એવું કર્યું કે ગામ આખું જોતું રહી ગયું હતું.
મોરબીમાં ૯૦ વર્ષની અવસાન પામેલા માતાની અંતિમ ઈચ્છાને પણ પૂરી કરવા માટે દીકરાએ ધામધુમથી બેન્ડ વાજા સાથે માતાની અંતિમ યાત્રા કાઢી હતી. મોરબીના માઘાણી શેરીમાં રહેતા એસટીના પૂર્વ કર્મચારી સ્વ.રમેશચંદ્ર છોટાલાલ જાનીના પત્ની વાસંતીબેન જાનીનું ૯૦ વર્ષની ઉંમરે કુદરતી રીતે અવસાન થયું હતું.વાસંતીબેનની સ્મશાન યાત્રામાં બેન્ડવાજાવાળાને બોલાવવામાં આવ્યા હતા.
આમ તો સ્મશાન યાત્રા બહુ જ દુખદ પ્રસંગ હોય છે અને ગમગીનીનું વાતાવરણ ફેલાયેલું હોય છે,પરંતું વાસંતીબહેનની અંતિમ યાત્રા નીકળી ત્યારે એવી ધામધુમ થઇ કે સગાવ્હાલા ઉપરાંત પાડોશી પણ જોતા રહી ગયા.
મોરબી એસટી ડેપોમાં ફરજ બજાવતા વાસંતીબેન જાનીના દીકરા યોગેશભાઈએ કહે છે કે તેમની માતાએ તેમના અંતિમ દિવસોમાં એવી લાગણી વ્યક્ત કરી હતી કે આ ઘરની અંદર હું વાજતે ગાજતે આવી હતી અને અહી બધું જ છોડીને એક દિવસ જવાનું જ છે પરંતુ જે દિવસે માટે છેલ્લી વિદાય આપવાની હોય ત્યારે પણ વાજતે ગાજતે વિદાય આપજો. જેથી માતાની અંતિમ ઈચ્છાને પણ પૂરી કરવા માટે તેમની અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી.
વાસંતીબહેનની સ્મશાન યાત્રામાં ગીતો પણ કરૂણ કે દુ:ખી નહોતા વગાડવામાં આવ્યા.
