અમદાવાદ,
આજથી બરાબર ત્રણ વર્ષ અગાઉ સમગ્ર દેશમાં ગાજેલા પાટીદાર અનામત આંદોલનને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. જીએમડીસી ગ્રાઉન્ડ પર પોલીસ દમન બાદ રાજ્યભરમાંથી આંદોલનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતાં. તેમજ ઠેર-ઠેર સરકારી મિલકતોમાં તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બની. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ હોય તેવુ સ્પષ્ટ જોવા મળ્યું. અંદાજે 9 હજાર કરોડ રૂપિયાનું નુકશાન ગયું.
માત્ર એક જ દિવસ નહી દિવસોના દિવસો સુધી ગુજરાતમાં વર્ષો બાદ અજંપાભરી સ્થિતિ જોવા મળી. જેમાં પણ ખાસ કરીને જ્યારે પોલીસ દ્વારા પાટીદારોની સોસાયટીમાં જઈને દમન કરવામાં આવ્યા હોવાના સીસીટીવી કેમેરાના દ્રશ્યોથી પોલીસ કાર્યવાહી કોના ઈશારે થઈ હતી. તેને લઈને સવાલ ઉઠવા લાગ્યાં.

તેમજ પોલીસે સરકારની કઠપુતળી બની ગઈ હોવાની ચર્ચાઓ ઉઠી. તો મોતને ભેટેલા પાટીદાર યુવાનોને લઈને પણ સમાજમાં સરકાર અને પોલીસ સામે આક્રોશ વધતો ગયો.
2015માં પાટીદારોને એવું લાગતું હતું કે, 2017માં ચૂંટણી આવી રહી છે, એટલે કદાચ સરકાર એમના સામે ઝૂકી જાય અને અનામતની માંગ સ્વીકારી લે. પણ, એ માન્યતા હવે બદલાઈ ગઈ છે અને પાટીદારોને હવે સમજાઈ ગયું છે કે કોઈ પણ સંજોગોમાં તેમને અનામત મળી શકે એમ નથી.

25 ઓગષ્ટ 2016ના પાટીદાર અનામત આંદોલન કાર્યક્રમમાં 7લાખથી વધુ સમર્થકો જોડાયા હતા, પરંતુ 25 ઓગષ્ટ 2018ના રોજ અંદાજે 1000 જેટલા સમર્થકો જોડાયા છે, જે જોતા એવું લાગી રહ્યું છે કે હાર્દિકના સમર્થકોમાં મતભેદો દેખાઈ રહ્યા છે.
લોકોનું કહેવું છે કે હાર્દિક પટેલ જ્યાં પણ સભા સ્થળે બેસતો તે સ્થળે હમેશા સરદાર પટેલનો ફોટો રાખતો પરંતુ આ વખતે તેના ભાડાના ફાર્મ હાઉસ ગ્રીનવૂડ રિસોર્ટ ખાતે જ્યાં તે ઉપવાસ માટે બેઠો છે તે જગ્યા સરદાર પટેલનો ફોટો નજરે નથી દેખાઈ રહ્યો . તેમના સ્થાને આ વખતે ભગતસિંહનો ફોટો મુકવામાં આવ્યો છે. હાર્દિક પટેલ હવે પોતાના નારાઓમાં પણ ‘જય સરદાર જય પાટીદાર’ સાથે, ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ના નારો પણ લગાવી રહ્યો છે. લોકોનું માનવું છે કે હાર્દિક ધીરેધીરે સરદારને ભૂલવા લાગ્યો છે.

ખેડૂતોની દેવા માફી અને પાટીદારોને અનામત અપાવવા મામલે હાર્દિક પટેલ આજે (25 ઓગસ્ટ) 3 વાગ્યાથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેના ભાડાના ફાર્મ હાઉસ ગ્રીનવૂડ રિસોર્ટ ખાતેના ઉપવાસમાં સામેલ થવા તેના ઘરે પાટીદારોની ઓછી હાજરી જોવા મળી રહી છે.
તેમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યો સહિત 100 જેટલા પાટીદારો જોડાયા છે. હાર્દિકના સમર્થનમાં અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ હાજર રહ્યો હતો.
જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, કોઈ વ્યક્તિ ઉપવાસ પર બેઠા હોય તો તેમને રોકવા ન જોઈએ. પાટીદાર સમાજને ઘર બહાર આવતા રોકવામાં આવે છે, અનામતની સાથે ખેડૂતોની દેવા માફીની માગ યોગ્ય છે. તેમજ હાર્દિક પટેલના નિવાસસ્થાન બહાર આવેલા પાર્થ પાર્ટી પ્લોટમાં બેસેલા પાટીદારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી 251 લોકોની અટકાયત કરવામાં આવી છે.
રાજ્યભરમાંથી 158 કરતા વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જે લોકો અમદાવાદ આવવા ઈચ્છે છે તેને પણ પોલીસ રોકી રહી છે. હાર્દિકે કહ્યું કે, લોકો સમર્થન આપવા માટે ગામડે ગામડે ઉપવાસ કરે. આ સાથે તેણે શાંતિ જાળવવાની પણ અપીલ કરી છે. હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને પોલીસને મારી વિનંતી છે કે અમને આવી રીતે રીબાવવા કરતા તેઓ અમારી છાતીઓમાં ગોળી મારી દે.
આંદોલનને લઈ ફરી વાર સરકાર-પોલીસ તંત્ર સાથે ઘર્ષણના એંધાણ વર્તાશે તેવી ભીતિ પાસ ટીમે વ્યક્ત કરી છે. ઉપવાસ આંદોલનના એક દિવસ પહેલાં સત્યાગ્રહ છાવણી માટે માગેલી મંજૂરી ફગાવી દેવાઈ છે, જેની પાછળ એવું કારણ આપવામાં આવ્યું છે કે, પોલીસ સાથે ચર્ચા અને અભિપ્રાય બાદ સુરક્ષાના કારણસર આંદોલનને મંજૂરી નહિ આપવાનું નક્કી કરાયું છે.
હાર્દિકે કહ્યું કે, અમને ખબર જ હતી કે સરકાર ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસને મંજૂરી આપવાની નથી. ફોર્માલિટી ખાતર જ અમે અરજી કરી હતી. જોકે મારા નિવાસ સ્થાનેથી હું શનિવારે બપોરે ત્રણ વાગ્યાથી ઉપવાસ પર ઊતરીશ. જો સરકાર મને જેલમાં પૂરી દેશે તો જેલમાં રહીને ઉપવાસ ચાલુ રખાશે.
