આરોગ્ય મંત્રીના શહેર સુરતમાં સિવિલ હોસ્પિટલની હાલત દિવસેને દિવસે બદતર થતી જતી હોય તેવું સામે આવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલા સ્વાઈન ફ્લૂ ઓપીડી ના રૂમ નંબર 6માં સિલિંગ તૂટી પડ્તાં બે મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી.

જેથી તેમને સારવાર માટે તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. બીજી તરફ સમગ્ર ઘટના પર પડદો પાડવા તંત્ર દ્વારા રૂમને તાળું મારી દેવામાં આવ્યું હતું.
સિવિલ હોસ્પિટલમાં વીઆઈપી અને વીવીઆઈપી રૂમની જગ્યાએ સ્વાઈન ફ્લૂ શરૂ થતાં સ્વાઈન ફ્લૂ વોર્ડ બનાવવામાં આવ્યાં છે. કુલ દસ રૂમમાંથી 6 નંબરની રૂમમાં સમગ્ર સિલિંગ તૂટી પડી હતી. જેથી દર્દીઓની સાથે કર્મચારીઓમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. સાથે જ સિલિંગ તૂટી પડતાં બે મહિલા દર્દીઓને ઈજા પહોંચી હતી.

જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. સેલવાસની બન્ને મહિલાઓને મોઢા અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટનાને છૂપાવવા માટે સિવિલ તંત્ર દ્વારા પડદો પાડવાની કોશિષ કરવામાં આવી હતી.
તંત્ર દ્વારા સિલિંગ તૂટેલા રૂમને તાળું મારી દઈને સમગ્ર ઘટના દબાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં અગાઉ દર્દીઓની અવર જવર વચ્ચે એકાદ પખડવાડીયામાં બે વખચ પોપડા તૂટી પડવાના બનાવો સામે આવ્યાં હતાં. જેમાં કોઈને ઈજાઓ પહોંચી નહોતી. જો કે, અવારનવાર પોપડા અને છત તૂટી પડતી હોવાથી દર્દીઓમાં ભયનો માહોલ પેદા થયો છે.
