Ahmedabad News : અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગુંડા તત્વોએ હોળીના દિવસે મચાવેલા આતંકની ઘટના બાદ લુખ્ખા તત્વોના ખરાબ દિવસો આવી ગયાં છે. રામોલ પોલીસ ના હાથે અપહરણ-લૂંટ કેસમાં ફરાર ગુંડો સંગ્રામ સિકરવાર ઝડપાતા ક્રાઈમ બ્રાંચે તેનો કબજો લીધો હતો. સંગ્રામ સહિતના આરોપીઓને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ કચેરી જતી હતી ત્યારે પીઆઈની પિસ્તૉલ છીનવીને પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જોઈએ સંગ્રામ સિકરવારને પગમાં ગોળી કેવી રીતે વાગી અને કોણ છે સંગ્રામ સિકરવાર.
રામોલ પોલીસ સ્ટેશન (Ramol Police Station)માં તાજેતરમાં અપહરણ અને 52 લાખથી વધુની રોકડ અને દાગીનાની લૂંટનો કેસ નોંધાયો હતો. પીઆઈ વી.ડી.મોરીએ તપાસ માટે પોલીસ ટીમ રાજસ્થાન કોટા મોકલી સ્થાનિક પોલીસની મદદથી પાંચ જેટલાં આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં સંગ્રામ રાકેશસિંઘ સિકરવાર, શિવમ ઉર્ફે કાકુ, સુરજ ચૌહાણ, અમન ભદોરીયા, સેજુ અને ઋષિ નો સમાવેશ થાય છે.
સંગ્રામ સિકરવાર લૂંટ અને અપહરણના બનાવનો મુખ્ય આરોપી હોવાની માહિતી સામે આવી હતી. અત્રે નોંધનીય છે કે, ગત હોળીના તહેવારના દિવસોમાં બનેલી વસ્ત્રાલવાળી ઘટનામાં સંગ્રામ સિકરવાર જવાબદાર હતો અને ક્રાઈમ બ્રાંચ તેને મહિનાઓથી શોધી રહી હતી.રામોલના અપહરણ-લૂંટ કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે સંગ્રામ રાકેશસિંઘ સિકરવારનું નામ સામે આવતાની સાથે જ પોલીસ કમિશનર જી.એસ.મલિકે તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપી દેવા હુકમ કરી દીધો.
વસ્ત્રાલ વિસ્તારને ગત 13 માર્ચના રોજ ગુંડાઓએ બાનમાં લીધી હોવાની ઘટના પાછળ સંગ્રામ જવાબદાર હોવાનું જે-તે સમયે સામે આવ્યું હતું. ગત જુલાઈ મહિનાના અંતમાં વસ્ત્રાલ મામલામાં સંડોવાયેલા ગુનેગાર પંકજ ભાવસારની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. આ કેસ સાથે સંગ્રામ સિકરવાર જોડાયેલો હોવાથી અમદાવાદ પોલીસ કમિશનરે ગુરૂવારના રોજ અપહરણ-લૂંટ કેસ પણ ક્રાઈમ બ્રાંચને સોંપી દીધો. મોડી રાતે તપાસ અધિકારી પીઆઈ શક્તિસિંહ જે. જાડેજા અને તેમની ટીમે રામોલ પોલીસ પાસેથી સંગ્રામ સહિતના આરોપીઓનો કબજો મેળવ્યો હતો.
રામોલ ખાતેથી મધરાત્રિના સંગ્રામ સિકરવાર સહિતના અડધો ડઝન આરોપીઓને લઈને ક્રાઈમ બ્રાંચની ટીમ ઑફિસ ખાતે આવવા નીકળી હતી. સંગ્રામ સિકરવાર હત્યા સહિતના અનેક ગુના આચરી ચૂક્યો હોવાથી પીઆઈ એસ.જે.જાડેજાએ તેને પોતાની સરકારી બૉલેરોમાં બેસાડ્યો હતો. જ્યારે બાકીના આરોપીઓને ટીમના સભ્યો સાથે વાનમાં બેસાડવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાંચના વાહનો જમાલપુરથી રિવરફ્રન્ટવાળા રસ્તે રાયખડ તરફ આગળ વધી રહ્યાં હતાં.
આ સમયે રાત્રિના સવા-દોઢેક વાગે પીઆઈ જાડેજા અને કૉન્સ્ટેબલની વચ્ચે બેસેડેલા સંગ્રામે અચાનક પીઆઈની પિસ્તૉલ છીનવી લેવા પ્રયાસ કર્યો હતો. પોતાની પિસ્તૉલ સંગ્રામના હાથમાં ના જાય તે માટે પીઆઈ જાડેજાએ સર્તકતા દાખવી પકડી રાખી હતી. ઉપરાંત લૉડેડ પિસ્તૉલમાંથી ગોળી છૂટે તો કોઈને વાગી ના જાય તેની કાળજી રાખી તેમણે પિસ્તૉલને નીચેની તરફ રહે તેવો પ્રયાસ કર્યો હતો. ઝપાઝપી દરમિયાન પિસ્તૉલનું ટ્રિગર દબાઈ જતાં બુલેટ છૂટી અને સંગ્રામના ડાબા પગના પંજાને ચીરીને નીકળી ગઈ.
પંકજ ભાવસાર ઉર્ફે સરકાર અને સંગ્રામ સિકરવાર આ બંને શખ્સોની આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે. નબળી આર્આથિક હાલત હવાછત્મતા બન્ને આરપીઓ અનેક પોલીસ કેસ બાગ કાયદાકીય લડત લડવા માટે અને જેલમાંથી છુટવા લાખોની રકમ ખર્ચી ચુક્યા છે. છતાં બંને શખ્સોને અસંખ્ય પોલીસ કેસ બાદ કાનૂની લડત લડવા માટે તેમજ જેલ મુક્ત થવા લાખો રૂપિયા ખર્ચી ચૂક્યાં છે. ગુજરાત બહાર ફેક કોલ સેન્ટર ચલાવતા પૂર્વ અમદાવાદના એક શક્તિશાળી પરિવારનો પુત્ર છે અને ભૂતકાળમાં તેની સાથે સંગ્રામ જોડાયેલો હતો.
આ ઉપરાંત જમીનના કબજા લેવા તેમજ ફાયનાન્સના ધંધામાં પણ પરિવાર સંગ્રામની મદદ લેતો હતો. વર્ષ 2025ની શરૂઆતના મહિનાઓમાં લાખો-કરોડોના બેનંબરી ધંધામાં મોટી રકમને લઈને વિવાદ થતાં સંગ્રામે તેના રક્ષક પરિવાર સામે બગાવત કરી દીધી. સંગ્રામ સિકરવારને કાબૂમાં લેવા પૂર્વ અમદાવાદના કહેવાતા બાહુબલી પરિવારે પંકજ ભાવસાર નામના ટપોરીનો સહારો લીધો અને તે પછી શરૂ થઈ બંને ગેંગ વચ્ચે લડાઈ. વસ્ત્રાલની ઘટના પાણીપુરીની લારી માટે નહીં પણ લાખો-કરોડોની લેવડદેવડમાં થઈ છે. આ મામલો એટલી હદે વકર્યો હતો કે, ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ સુધી પહોંચી ગયો.
આ પણ વાંચો:ગુનાખોરી અને ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા ગુજરાત પોલીસે એક નવતર પહેલ કરી
આ પણ વાંચો:સોશિયલ મીડિયા પર આપની સમસ્યાની એક પોસ્ટ, ગુજરાત પોલીસ એકશનમાં
આ પણ વાંચો:અમદાવાદમાં PM મોદીના પ્રવાસ પહેલાં ગુજરાત પોલીસની મોટી સફળતા
