અમદાવાદ,
રેશ્મા પટેલે સોશિયલ મીડિયા પર મુખ્યપ્રધાનને સંબોધ્યા છે,સાથે જ ભાજપમાં જોડાવાને 1 વર્ષ પૂર્ણ થતા પોસ્ટ લખી છે અને શહીદના પરિવારને હજુ સુધી નોકરી ન મળ્યાનો કર્યો ઉલ્લેખ કર્યો છે. તો વહેલી તકે નોકરી આપવા રેશ્મા પટેલે ભલામણ કરી છે. પોસ્ટની શરુઆત ‘દુ:ખ સાથે કહેવુ પડે છે’ કહીને કરી છે.
ભાજપ પાટીદાર સમાજની માંગણી પૂરી કરશે તેવી માંગણી સાથે રેશ્મા પટેલ પક્ષમાં જોડાયા હતા. જોકે, હવે તેમના પત્ર પરથી સ્પષ્ટ થાય છે ભાજપે જે તે સમયે રેશ્મા પટેલને જે વચનો આપ્યો હતા તે પૂરા થયા નથી. રેશ્મા પટેલના બળાપા બાદ શિસ્ત માટે જાણીતી ભારતીય જનતા પાર્ટી તેમની શું પગલાં લે છે તે જોવાનું રહ્યું. એટલું જ નહીં રેશ્મા પટેલ પણ ભાજપ સાથે પોતાનું જોડાણ ચાલુ રાખે છે ક પછી પક્ષને રામરામ કરશે એ પણ આગામી સમયમાં માલુમ પડશે.
પત્રમાં રેશ્મા પટેલે લખ્યું છે કે ત્રણ વર્ષ પહેલા પાટીદાર આંદોલન વખતે માર્યા ગયેલા પાટીદાર યુવકોનાં પરિવારજનોને હજુ સુધી નોકરી મળી નથી. આમ રેશ્મા પટેલે ભાજપમાં જ રહીને પોતાના પક્ષ સામે બળાપો કાઢ્યો છે.
21મી ઓક્ટોબર, 2017ના રોજ હું ભાજપ સાથે જોડાઈ હતી. આજે એક વર્ષ પૂરું થઈ ગયું છે. હું સરકારનું ધ્યાન દોરવા માગું છું કે જે તે સમયે હું અમુક શરતો સાથે ભાજપમાં જોડાઈ હતી.
પાટીદારના શહીદ યુવકોના પરિવારજનોને નોકરી આપવાની મહત્વની માંગ આજ દિવસ સુધી પૂરી કરવામાં નથી આવી. આ વાતને હું મારી ફરજ સમજીને સરકાર સમક્ષ મૂકી રહી છું. સાથે જ વિનંતી કરું છું કે સરકાર આ માંગણીને પૂરી કરે.”

“જ્યારે પણ સમય મળ્યો ત્યારે હું નેતાગણ સામે મારા સમાજની આ માંગણી પૂરી કરવાની દરખાસ્ત મૂકતી રહી છું, પરંતુ ખૂબ દુઃખની લાગણી સાથે મારે લખવું પડે છે કે અત્યાર સુધી ફક્ત એક શહીદ પરિવારને નોકરી મળી છે.
અન્ય પરિવારો નોકરીથી વંચિત છે. શહીદ પરિવારને નોકરી આપવા માટે એક વર્ષનો સમય પૂરતો છે. એક વર્ષમાં તમામ પરિવારને નોકરી મળવાની પ્રક્રિયા પૂરી થઈ જવી જોઈતી હતી. હું સરકારને વિનંતી કરું છું કે આ પ્રક્રિયા ઝડપથી પૂરી કરવામાં આવે. જેના કારણે હકદાર લાભાર્થીને નોકરીનો લાભ મળશે.
