નવી દિલ્હીઃ કચ્છના અંજારના પૂર્વ MLA ધારાસભ્ય અને BJP અગ્રણી છબીલ પટેલની વર્ષ 2017ના બળાત્કાર કેસમાં દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જો કે બાદમાં તેને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે જામીન આપવામાં આવ્યા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2017ના વર્ષમાં BJP અગ્રણી અને કચ્છના અંજારના પૂર્વ ધારાસભ્ય (MLA) છબીલ પટેલ સામે એક મહિલા દ્વારા દિલ્હીના ઉત્તર દ્વારકા પોલીસ મથકમાં દુષ્કર્મ અંગેની ફરિયાદ કરવામાં આવી હતી.
આ મામલે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને ઉત્તર દ્વારકા પોલીસ દ્વારા તેમને પૂછપરછ કરવા માટે બોલવવામાં આવ્યા હતા. જેના સંદર્ભે છબીલ પટેલ પોલીસ પૂછપરછ માટે ઉત્તર દ્વારકા પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા. પૂછપરછ માટે જ્યારે છબીલ પટેલ પોલીસ મથક પહોંચ્યા હતા ત્યારે દિલ્હી પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.
ઉત્તર દ્વારકા પોલીસ તેની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટ દ્વારા છબીલ પટેલને જામીન આપવામાં આવ્યા હતા. પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને કોર્ટે જામીન આપ્યા બાદ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ભલે તેમને જામીન મળ્યા હોય પરંતુ હજુ પણ તેમની વધુ પૂછપરછ કરવામાં આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ઓક્ટોબર માસમાં એક મહિલાએ કચ્છ ભાજપના અગ્રણી નેતા અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ ઉપર બળજબરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
આ મહિલાની મુલાકાત આરોપી ભાજપ અગ્રણી સાથે એક સમારોહ દરમિયાન થઇ હતી. જેમાં આરોપી છબીલ પટેલે આ મહિલાને પોતે રાજનેતા હોવાનું અને પોતાની કમાણીના 20 ટકા ગરીબોના કલ્યાણ માટે ખર્ચતા હોવાનું જણાવ્યું હતું.
આ મહિલાએ લગાવેલા આરોપ મુજબ, તેને એક એનજીઓ બનાવવામાં મદદ કરવાની વાત કહીને દિલ્હી લાવવામાં આવી હતી. જ્યાં ફેબ્રુઆરી-2017માં દિલ્હીના દ્વારકા વિસ્તારમાં તેને ચામાં નશીલો પદાર્થ પિવડાવીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એટલું જ નહિ તેના અશ્લિલ ફોટા પણ પાડવામાં આવ્યા હતા અને આ ફોટાઓના આધારે તેને બ્લેકમેલ પણ કરવામાં આવતી હતી.
