અમદાવાદ: જસદણ પેટા ચૂંટણીમાં મતગણતરી હજી ચાલું છે. 19 રાઉન્ડ પૈકીમાંથી 17 રાઉન્ડનું પરિણામ આવી ગયું છે, જેમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા 19 હજારથી વધુની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. ત્યારે પોતાની હાર નિશ્ચિત માની ગયેલા અવસર નાકિયાએ મતગણતરી કેન્દ્રથી રવાના થવાનું યોગ્ય ગણ્યું હતું. જો કે, મત ગણતરી કેન્દ્ર પરથી રવાના થતાં અગાઉ અવસર નાકિયાએ મીડિયા સમક્ષ પોતાનો પરાજય સ્વીકાર્યો હતો એટલું જ નહી, ભાજપ ઉપર ગંભીર આરોપ મૂકતા જણાવ્યું હતું કે, આ તો BJP છે, EVM માં આડા અવળાં ચેડાં કરીને જીતી જાય. જો કે, અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષો પછી જસદણમાં કમળ ખીલી રહ્યું છે.
આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ પોતાને મોટી માત્રામાં મત આપવા માટે તમામ મતદારોનો આભાર માન્યો હતો. જો કે આ દરમિયાનમાં હજુ પણ મતગણતરી ચાલી રહી છે એટલે હારની કોઇ વાત નથી. પાટીદાર ફેક્ટર કામ કરી ગયું હોવા અંગે નાકિયાએ જણાવ્યું હતું કે, ‘આ તો બધી બાજુથી આવ્યું છે દરેક સમાજના લોકોએ મત આપ્યા છે. મેં પહેલી વખત જ ઉમેદવારી કરી છે, આમ છતાં પણ લોકોએ ખોબલે ને ખોબલે લોકોએ મત આપ્યા છે. એ તમામ સમાજનો હું આભાર માનું છું. ‘
આ પરિણામ અંગે અવસર નાકિયાએ ભાજપ ઉપર ગંભીર આરોપ મુકતા કહ્યું હતું કે, આતો ભાજપની સરકાર છે ઇવીએમમાં આડા અવળાં ચેડાં કરીને જીતી જાય એવું કંઈ ના હોય. નાકિયાએ વધુમાં જણાવ્યું હતું કે, મતદાન આપવા ગયેલા મતદારોને પાછા કાઢેલા છે, કે તમારું મતદાન થઇ ગયું છે. મતદાન બીજા કરી ગયા હોવાનો આરોપ પણ તેમણે મુક્યો હતો. મતગણતરી ચાલુ છે ત્યાં સુધી હું હાર નહીં સ્વીકારૂ.
