Madhyapradesh News : મધ્યપ્રદેશના ભોપાલમાં બનેલા ચર્ચિત ટ્વિશા શર્મા (Twisha Sharma)મૃત્યુ કેસની તપાસ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ કેસના મુખ્ય આરોપી સમર્થ સિંહ અને તેમની માતા ગિરિબાલા સિંહ (Giribala Singh)ને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું પુનઃનિર્માણ (Scene Recreation) શરૂ કર્યું છે. તપાસ એજન્સી મૃત્યુના દરેક પાસાને વૈજ્ઞાનિક અને ફોરેન્સિક રીતે ચકાસી રહી છે.
CBIએ 29 મેના રોજ સમર્થ સિંહ અને ગિરિબાલા સિંહને રિમાન્ડ પર લીધા હતા. રિમાન્ડ પૂર્ણ થાય તે પહેલાં તપાસ ટીમે બંનેને તેમના નિવાસસ્થાને લઈ જઈ 12 મેના રોજ બનેલી ઘટનાનું દ્રશ્ય ફરીથી તૈયાર કરાવ્યું છે. આ પ્રક્રિયામાં ત્વિષાના વજન જેટલી આશરે 80 કિલોગ્રામની ડમીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ટ્વિશાને ફાંસીમાંથી કેવી રીતે નીચે ઉતારવામાં આવી?
![]()
તપાસ દરમિયાન સમર્થ સિંહે પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે તેમણે ત્વિષાને ફાંસીમાંથી નીચે ઉતારી હતી, જ્યારે ગાંઠ ખોલવાનું કામ તેમની માતા ગિરિબાલા સિંહે કર્યું હતું. CBI આ દાવાની સત્યતા તપાસવા માટે ઘટનાક્રમનું સંપૂર્ણ પુનઃનિર્માણ કરી રહી છે.
તપાસ એજન્સી ફાંસી માટે ઉપયોગમાં લેવાયેલી બેલ્ટની મજબૂતી, તેની વજન સહન કરવાની ક્ષમતા અને અન્ય તકનીકી પાસાઓનું પણ વિશ્લેષણ કરી રહી છે. ફોરેન્સિક ટીમ દ્વારા ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓ અને આરોપીઓના નિવેદનો વચ્ચે મેળ બેસે છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ઊંચાઈના મુદ્દે પણ તપાસ
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ટ્વિશાની ઊંચાઈ અંગે એવી વિગતો સામે આવી હતી જે પરિવાર દ્વારા આપવામાં આવેલી માહિતીથી અલગ હતી. આ કારણસર CBIએ અલગ ઊંચાઈ ધરાવતી બીજી ડમી પણ તૈયાર કરાવી છે જેથી ઘટનાના સમયે બનેલી પરિસ્થિતિને વધુ ચોક્કસ રીતે સમજી શકાય.
કેસમાં અનેક પ્રશ્નો હજુ બાકી
ટ્વિશા શર્મા (Twisha Sharma)ના મૃત્યુ બાદથી જ આ કેસ સતત ચર્ચામાં રહ્યો છે. ઘટનાના પહેલાં અને પછીના CCTV ફૂટેજ, સમર્થ સિંહનું અચાનક ગાયબ થવું અને પછી આત્મસમર્પણ કરવું, તેમજ ગિરિબાલા સિંહ (Giribala Singh)ના વિવાદાસ્પદ નિવેદનોને કારણે કેસમાં અનેક સવાલો ઊભા થયા છે.
હવે CBI દ્વારા કરવામાં આવી રહેલી સીન રિક્રિએશન અને ફોરેન્સિક તપાસથી કેસના ઘણા મહત્વપૂર્ણ પાસાઓ પર પ્રકાશ પડવાની શક્યતા છે. પીડિતાના પરિવારને આશા છે કે CBIની તપાસથી સત્ય બહાર આવશે અને તેમને ન્યાય મળશે.
