ભરૂચ,
ભરૂચના પાલેજમાં સીમલીયા માર્ગ પરથી કારમાં બેસી અને ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે સટોડિયાઓને ભરૂચ એલ સી બી પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસે બાતમી મળી હતી કે, સીમલીયા ગામથી પાલેજ તરફ આવતા માર્ગ ઉપર જાહેરમાં બે ઇસમો કારમાં લાઇવ સ્કોર ઉપર જુગાર રમી અને રમાડી સટ્ટાબાજી કરી રહ્યા છે.
પોલીસે ઘટના સ્થળે પહોંચી પૂછતાછ હાથ ધરતા અને અંગ ઝડતી લેતા ક્રિકેટ સટ્ટાનું લખાણ વાળી ચિઠ્ઠી મળી આવી હતી. પોલીસે બન્ને ઈસમો પાસેથી કુલ મળી ૧,૬૬,૨૦૦ ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બન્ને ઈસમો વિરુદ્ધ જુગાર ધારા એક્ટ હેઠળ પાલેજ પોલીસ મથકમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસના સ્ટાફના માણસો પાલેજ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે સીમલીયા ગામથી પાલેજ તરફ આવતા માર્ગ ઉપર જાહેરમાં બે ઇસમો સિલ્વર કલરની કાર નંબર જી જે ૦૬ ઇ ડી ૭૨૯૮ માં બેસી સિડની થંડર ટીમ વિરૂદ્ધ મેલબોર્ન સ્ટાર ટીમ વચ્ચે રમાતી ઓસ્ટ્રેલિયન બિગ બેશ ટ્વેન્ટી ટવેન્ટી ઓવરની ક્રિકેટ મેચ રન ફેર લાઇવ સ્કોર ઉપર હાર જીતના સોદા ઉપર જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરે છે.
મળેલી બાતમીના આધારે ઉપરોક્ત નંબર વાળી ગાડી સાઇડે ઊભી હોય જેની અંદર બેસી મોબાઇલમાં વાતો કરી કાગળમાં કંઈક લખતા હોય તેઓને ગાડીમાંથી નીચે ઉતારી નામ ઠામ પૂછતાં તેણે પોતાનું નામ સમીર હુસેન મન્સૂરી હાલ રહે પાણીગેટ, મહેંદી નગર, બાવામાન દરગાહ પાસે વડોદરા મુળ રહે. કસ્બાવાડ તા.જિ. નાંદોદ (રાજપીપળા) હોવાનું જણાવતાં તેને ઝડતી લેતા તેના હાથમાંથી ક્રિકેટ સટ્ટાનું લખાણ લખેલી ચિઠ્ઠીમાં કાગળની ડાયરી ડાબી બાજુ અંગ્રેજીમાં બિગ બેશ તથા જમણી બાજુ ૨૧-૧૨-૧૮ પર લખેલ હતું તેની નીચે ક્રિકેટ સટ્ટો લખાવનારને આપવાના તથા લેવાના હિસાબ શોર્ટ નામ લખી અલગ અલગ આંકડા લખેલા હતા. તથા અન્ય ઇસમનું નામ ઠામ પુછતા આસિફ હનીફ શેખ રહે. ૧૦૦ એકતાનગર, આજવા રોડ સરદાર સ્ટ્રીટ વડોદરા હોવાનું જણાવેલ હતું.
તેમજ બંને ઇસમોના મોબાઇલમાં મજા નામની એપ્લિકેશન હતી જેની પૂછપરછ કરતા તેઓએ મજા નામની એપ્લિકેશનથી ક્રિકેટનો સટ્ટો ઓનલાઇન રમાડતા હોવાનું કહેતા તેઓની અંગ ઝડતી લેતા સમીર હુસેન મન્સૂરી પાસેથી રોકડા રૂપિયા ૨,૦૦૦ તથા એક મોબાઇલ કિંમત રૂપિયા ૮,૦૦૦ તથા સિલ્વર કલરની અલ્ટો ગાડી કિંમત રૂપિયા દોઢ લાખ તેમજ આસિફ પાસેથી અંગ ઝડતીના રૂપિયા ૧,૨૦૦ તથા એક મોબાઇલ કિંમત રૂપિયા ૫,૦૦૦ તેમજ બન્ને ઈસમો પાસેથી કુલ મળી ૧,૬૬,૨૦૦ ના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. ઝડપાયેલા ઈસમો વિરુદ્ધ જુગાર ધારા એક્ટ હેઠળ પાલેજ પોલીસ મથકમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.
