મુંબઇ
31મી ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે અનેક જગ્યાએ મ્યુઝીક અને ડાન્સ પાર્ટીનું આયોજન શરૂ થયું છે.જો કે આ વખતે ન્યુ યર ડાન્સ પાર્ટીનો મુડ બનાવીને બેઠેલાઓ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે.
બોલિવૂડનાં ગીત ઉપર થિરકતા ઉત્સાહીઓએ હવે ડાન્સ પાર્ટીમાં ગીતો સંભાળીને વગાડવા પડશે. પીપીએલ નામની એક કંપનીએ બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરીને કોઈપણ હૉટલમાં કૉપીરાઈટ્સ ધરાવતાં ગીત વગાડવામાં ન આવે તે સુનિશ્ચિત કરવાની માગણી કરી છે. આ ઉપરાંત પબ્લિક પર્ફોમન્સ માટે લાઈસન્સ અને ફી વસૂલવામાં આવે તેવી માગ અરજી મારફતે કોર્ટ સમક્ષ કરવામાં આવી છે.’
ફોનોગ્રાફિક પર્ફોમન્સીસ (પીપીએલ) નામની કંપનીએ બોલિવૂડનાં લગભગ 2 મિલિયન ગીતને માત્ર 150 ફાઈવસ્ટાર હૉટલમાં વગાડવાના અધિકાર મેળવ્યા છે. આ કંપની ઈચ્છે છે કે જો કોઈ અન્ય હૉટલ કૉપીરાઈટ્સ ધરાવતાં ગીત વગાડવા ઈચ્છતી હોય તો રોયલ્ટીની ચુકવણી કરવામાં આવે. હવે જો કંપનીની માગણી માન્ય રાખવામાં આવશે તો હૉટલોમાં બોલિવૂડનાં ગીત વિના જ પાર્ટી કરવી પડે તેવી ફરજ પડી શકે છે.
આ ઉપરાંત ન્યૂ યરની ઉજવણીને લઈને પણ આયોજનો થઈ ચૂક્યાં છે. તેમાં પણ ઈંગ્લિશ કે તમિલ ગીત ઉપર જ ઉજવણી કરવી પડે તો નવાઈ નહી.
