દિલ્હી,
આંધ્રપ્રદેશ પૂર્વ મંત્રી અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટી નેતા વાયએસ વિવેકાનંદ રેડ્ડી તેમના નિવાસસ્થાન શુક્રવારે શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
પૂર્વ લોકસભા સાંસદ વિવેકાનંદને પુલિવેંદુલામાં તેમના આવાસ પર હાર્ટ અટેક આવ્યો અને તેના કારણ તેઓ મૃત્યુ પામ્યા હતા. જોકે તેમના અંગત મદદનીશ કૃષ્ણ રેડ્ડીની ફરિયાદ પર પોલીસે ક્રિમિનલ પ્રોસિજર કલમ 174 હેઠળ અકુદરતી મૃત્યુ કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.
વિવેકાનંદ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીના નાના ભાઈ હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને પુત્રી છે. ભૂતપૂર્વ સાંસદ ઘરના સ્નાનમાં લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યા. અંગત મદદનીશે કહ્યું કે તેને માથામાં ઈજા થઈ હતી. તેઓ તેમના ઘરમાં એકલા હતા. તેમની બોડીને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવી છે.
વાયએસઆર કોંગ્રેસના નેતાઓએ તેમના મૃત્યુના કારણો અંગે શંકા વ્યક્ત કરી હતી અને સંપૂર્ણ તપાસની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુરુવાર સુધી તેઓ સારા હતા અને તેમણે ચૂંટણી અભિયાનમાં ભાગ લીધો હતો.
સાંસદ વિજય સાંઈ રેડ્ડીએ જણાવ્યું હતું કે પાર્ટીએ નિષ્પક્ષ તપાસની માંગ કરી છે કે જેથી ખબર પડી શકે કે કુદરતી મૃત્યુ છે કે આકસ્મિક મૃત્યુ અથવા અન્ય કોઇ કારણ છે. વિવેકાનંદ રેડ્ડી કડપા લોકસભા મતવિસ્તારથી કોંગ્રેસ પાર્ટીની ટીકીટ પર 1999 અને 2004 માં સાંસદ ચૂંટાઈ આવ્યા હતા. તેમણે બે વાર આંધ્રપ્રદેશ (1989, 1994) પુલિવેંદલાથી ચુંટાયા હતા. વિવેકાનંદ આંધ્ર પ્રદેશની વિધાનસભાની પરિષદ માટે 2009 માં ચુટાયેલા અને કિરણ કુમાર રેડ્ડીની સરકારમાં કૃષિ મંત્રી રહ્યા હતા.
