કનીજ ગામની સીમમાં આવેલ અઘોરી આશ્રમમાં ગત રાત્રીના સમયે અજાણ્યાં હુમલાખોરોએ આશ્રમની લાઈટો બંધ કરી આશ્રમમાં ખુલ્લા શેડ નીચે સુઈ રહેલા ઈસમો પર લાકડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં આશ્રમના મુખ્ય પૂજારીના પુત્ર સહિત બે ઈસમોને ઈજા પહોંચી હતી.
જ્યારે એક ઈસમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જેને લઈ પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે અજાણ્યાં ઈસમો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મહેમદાવાદ તાલુકાના કનીજ ગામની સીમમાં મેશ્વો નદી કિનારે અઘોરી આશ્રમ આવેલો છે. આ આશ્રમમાં માનસિંહ ચંદ્રસિંહ રાઠોડ ઉર્ફે બાપુ ઉર્ફે દાદા સેવાપૂજા કરે છે. ગતરોજ આશ્રમમાં ઈલેક્ટ્રીકનું કામકાજ કરવાનું હોય માનસિંહ ચૌહાણે ગામમાં આવેલ અને ઈલેક્ટ્રીકનું કામકાજ કરતાં મુકેશભાઈ તેજસિંહ જાદવને આશ્રમમાં બોલાવ્યાં હતાં.
મુકેશભાઈએ ઈલેક્ટ્રીકનું કામકાજ પૂર્ણ કરી આશ્રમમાં જ રોકાયા હતાં. સાંજે આરતી કર્યા બાદ પૂજારી માનસિંહ રાઠોડ તેઓના ઘરે ગયાં હતાં. તે વખતે આશ્રમમાં હાજર માનસિંહ રાઠોડના પુત્ર મહેન્દ્રસિંહ, આશ્રમમાં કામ કરતાં સંજયભાઈ ભીખાભાઈ ભોઈ તેમજ ગામમાં રહેતાં બહાદુરસિંહ બળવંતસિંહ જાદવ અને મુકેશભાઈ જાદવ જમી-પરવારી આશ્રમના ખુલ્લા શેડ નીચે બેઠાં હતાં.
જે બાદ બાપુના પુત્ર મહેન્દ્રસિંહ પલંગ ઉપર, મુકેશભાઈ જાદવ, તેમજ બહાદુરસિંહ અને સંજયભાઈ ધુણા નજીક એમ અલગ-અલગ જગ્યાએ પથારી કરી સુઈ ગયાં હતાં. દરમિયાન રાત્રીના સવા બાર વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યાં ઈસમોએ આશ્રમમાં પ્રવેશ કર્યો હતો. અને આશ્રમની મેઈન સ્વીચ બંધ કરી અંધારપટ કર્યા બાદ આશ્રમમાં ખુલ્લા શેડ નીચે સુઈ રહેલા સંજયભાઈ ભીમાભાઈ ભોઈ, બાપુના પુત્ર મહેન્દ્રભાઈ માનસિંહ રાઠોડ તેમજ બહાદુરસિંહ બળવંતસિંહ જાદવ પર લાકડીથી હુમલો કર્યો હતો.
આ આ હુમલામાં ત્રણેય ઈસમોને લાકડીની ઝાપોટ વાગતાં લોહીલુહાણ થયાં હતાં. બહાદુરસિંહ બળવંતસિંહ જાદવને માથાના ભાગે લાકડીના ઉપરાઉપરી પ્રહાર કર્યા હોય ગંભીર ઈજા તેમજ વધુ લોહી વહી જવાને કારણે તેઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ મહેમદાવાદ પોલીસને થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. અને લાશનો કબજો લઈ પીએમ માટે મહેમદાવાદ સરકારી દવાખાનામાં મોકલી આપી હતી. આ બનાવ અંગે મુકેશભાઈ તેજસિંહ જાદવની ફરિયાદને આધારે મહેમદાવાદ પોલીસે અજાણ્યાં ઈસમ સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
