જ્યારે આપત્તિનો સમય આવે ત્યારે આપણી માનસિકતા સ્વસ્થ રાખવાની તાતી જરૂરિયાત ઊભી થાય છે. મુશ્કેલીથી ઘેરાઈ ગયેલો વ્યક્તિ હતાશામાં એવું પણ વિચારી લેતો હોય છે કે, “નસીબમાં જે થવાનું લખ્યું હશે તે થશે.” નિરાશાથી ઘેરાયેલું આ વાક્ય વ્યવહારમાં અનેક લોકોના મુખેથી સાંભળ્યું પણ હશે. આ પ્રકારના વાક્યો સાંભળીએ ત્યારે આપણને શાસ્ત્રના વચનો પણ નિરર્થક લાગવા લાગે છે. મનમાં એમ જ થાય છે કે, જો બધુ પ્રારબ્ધ પ્રમાણે જ થવાનું હોય તો પછી મારે આ બધા સાત્ત્વિક ઉપાય શા માટે કરવા ?
અહીં જ ચેતવાની ખાસ જરૂર છે. નિરાશામાં ધકેલાઈ ગયેલો વ્યક્તિ યોગ્ય કર્મથી દૂર થઈ જાય છે. આપણે યોગ્ય કર્મથી દૂર થઈ જઈએ છીએ ત્યારે આપણે આપણી જાતને મુશ્કેલીના હવાલે કરી દઈએ છીએ એમ સમજવું. હું ગાઈ-વગાડીને કહું છું કે, પુરૂષાર્થને પ્રારબ્ધનું બળ આપવાનું છે. જે વ્યક્તિ પુરૂષાર્થ નથી કરતો તેને પ્રારબ્ધ મદદ નથી કરી શકતું. ભગવાન ખૂબ સારા મેનેજર (વ્યવસ્થાપક) પણ છે. ભગવાન બધાનું બધું જ ધ્યાન રાખે છે અને જે યોગ્ય કર્મ કરે છે તેને યોગ્ય ફળ પણ આપે છે.
અહીં પાછો મનમાં બીજો પ્રશ્ન ઊભો થાય કે, જો કર્મ કરવાથી જ બધું થતું હોય તો આ બધા ઉપાયની શું જરૂર છે ? આ વિચાર ઘણાં બધાના મનમાં રમતો હોય છે. જ્યારે આપણે કેવળ પુરૂષાર્થ કરીએ છીએ ત્યારે મનમાં અભિમાન વ્યાપી જાય છે અને ધીમે ધીમે “હું પણું” હાવી થાય છે. પણ, જ્યારે કર્મમાં ભગવાનનું બળ ઉમેરીએ છીએ ત્યારે આપણું કર્મ “રાજસ્” અને “તમસ્” ગુણથી મુક્ત થઈને “સત્વગુણ”થી યુક્ત થાય છે. સત્વગુણથી યુક્ત થયેલું કર્મ જ મનુષ્યને ઉત્તમ ફળ આપમા માટે સક્ષમ હોય છે. આજે એવા જ એક સત્વગુણથી યુક્ત કર્મની ચર્ચા કરીશું અને વિપત્તિના સમયમાંથી હેમખેમ પાર ઊતરવાની શક્તિ મેળવીશું.
હવેની લેખમાળામાં હું આપને ક્રમશઃ દેવીસૂક્તની પ્રત્યેક કડીનો સંપૂર્ણ મહિમા સમજાવું તે પહેલા આપણે એ જાણી લઈએ કે શાસ્ત્રમાં દેવીસૂક્તનું મૂળસ્થાન ક્યુ છે ? દુર્ગાસપ્તશતીમાં દેવીસૂક્તનું આલેખન કરવામાં આવ્યું છે અને માર્કંડેયપુરાણમાં દુર્ગાશપ્તશતીનું આલેખન કરવામાં આવ્યું છે. માર્કંડેયપુરાણમાં ઋગવેદની જેમ જ સૂર્યદેવ, અગ્નિદેવ, ઇન્દ્રદેવ વગેરે દેવતાઓ ઉપર વિવેચન લખવામાં આવ્યું છે. સાથે સાથે, ગૃહસ્થાશ્રમના વેદોક્ત નીતિ-નિયમોનું આલેખન પણ કરવામાં આવ્યું છે. માર્કંડેયપુરાણમાં દેવી ભગવતીનો અદભુત મહિમા, સ્તુતિ અને તેમનું સામર્થ્ય વર્ણવવામાં આવ્યું છે જે મનુષ્યોને ખૂબ જ લાભકારી છે. આપણા હિંદુશાસ્ત્રોમાં કુલ 18 મુખ્ય પુરાણ છે પણ તેમાં ય માર્કંડેયપુરાણને સૌથી પ્રાચીન પુરાણ માનવામાં આવે છે.
દેવીભગવતીની ઉપાસના શા માટે ? દેવી ભગવતી શક્તિનું ઝળહળતું તેજસ્વી સ્વરૂપ છે તે તો સૌ જાણે છે પણ તેથીય વિશેષ દેવીસ્તુતિથી થતી પ્રાપ્તિને સ્પષ્ટ રીતે સમજી લઈએ.
જ્યોતિષવિદ્યામાં જન્મકુંડળીના કુલ 12 ભાવ (ખાના) હોય છે. આ બારેબાર ભાવને જુદી જુદી પ્રત્યેક બાબતો વહેંચવામાં આવી છે. 12 ભાવ પૈકી ચોથા ભાવને જમીન-મકાનનું સુખ, દિલનો પ્રેમ, વૃદ્ધાવસ્થા, માતાનો પ્રેમ, રાત્રિની ઊંઘ, પ્રાથમિક શિક્ષણ વગેરેનું પ્રતિનિધિત્વ સોંપવામાં આવ્યું છે. દેવી ભગવતીની ઉપાસના કરવાથી ચોથાભાવની એ પ્રત્યેક બાબતો પુષ્ટ થાય છે અને આપણા સુખમાં વૃદ્ધિ થાય છે.
દેવી ઉપાસના માટે એકથી એક ઉત્તમ તેવા વ્રત-ઉપવાસ, મંત્રો, સ્તોત્ર વગેરેનો ઉલ્લેખ આપણા હિંદુ શાસ્ત્રમાં છે માટે, કોઈ એક જ સ્તોત્ર આપણને સુખ આપી શકે છે એવું માનવું ભૂલભરેલું હોઈ શકે. દેવી ઉપાસના માટે નારાયણી સ્તોત્ર, દેવીકવચ, દેવીસૂક્ત, રાત્રિસૂક્ત, ભવાનીઅષ્ટકમ્ વગેરે અનેક પવિત્ર સ્તુતિપાઠ છે. મનુષ્ય પોતાની શ્રદ્ધા અનુસાર દેવી ભગવતીની કૃપા મેળવવા માટે કોઈપણ સ્તુતિ પાઠ કરી શકે છે. આ પ્રત્યેક સ્તોત્રને આપણે એક પછી એક સમજવા પ્રયત્ન કરીશું પણ અત્યારે આપણે દેવીસૂક્ત સ્તોત્રનો મહિમા સમજીશું.
દેવીસૂક્તમાં શક્તિનું આવાહન છે. દેવીસૂક્તમાં જુદા જુદા શક્તિસ્વરૂપે માતાજીનું આવાહન કરવામાં આવ્યું છે. જ્યારે જુદી જુદી અનેક શક્તિ આપણા શરીરના રોમરોમમાં સમાઈ જાય છે ત્યારે આસુરીશક્તિ પોતાનો પ્રભાવ પ્રસરાવવા અસમર્થ થઈ જાય છે. એક અગત્યની વિચાર પણ રજૂ કરવાની મને ઇચ્છા થાય છે. કોઈ એક જ સ્તોત્રનો અનેક વખત પાઠ કરવાથી તે સ્તોત્ર સિદ્ધ થઈ જાય છે. પેલી અંગ્રેજીની કહેવત સાંભળી છે ને કે, practice makes man perfect.
(ક્રમશઃ)
અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) (મો) 98255 22235
ઈ-મેલ – [email protected]
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
