ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો માટે પેટા-ચૂંટણીનો પ્રચાર તમામ પક્ષો દ્વારા પુરજોશમાં કરવામાં આવી રહ્યો છે. ભાજપ પોતાની પ્રતિષ્ઠાની જંગ લડી રહ્યું છે, તો કોંગ્રેસ અસ્તિત્વ અને આબરુની જંગમાં મેદાને છે તેવું પણ એક રીતે કહીએ તો ખોટું નથી. ભાજપે આઠમાંથી અનેક બેઠક પર કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં આવેલા નેતાઓ જેના કારણે જ અકારણ કહી શકાય તેવી આ પેટા-ચૂંટણી યોજવી પડી રહી છે, તે જ ઉમેદવારોને મેદાન સોંપ્યું છે. સામે આ આઠ બેઠકોમાં અનેક બેઠકો પર કોંગ્રેસનું પૂર્વની ચૂંટણીમાં સારુ પ્રભુત્વ જોવામાં આવ્યું છે, પરંતુ આ વખતે કોંગ્રેસનાં જ પૂર્વે જીતેલા ઉમેદવારો કોંગ્રેસની સામે ભાજપમાંથી મેદાનમાં છે. ત્યારે ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કરજણ વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી જાહેરસભાને સંબોધિત કરી હતી.
જાહેર સભામાં હાર્દિક પટેલ દ્વારા પોતાનાં નિવેદનમાં કરજણ વિધાનસભાનાં ભાજપને ઉમેદવાર(જે ગત ચૂંટણીમાં કોંગ્રેસનાં હતા) પર આકરા પ્રહારો કર્યા હતા. હાર્દિકે કહ્યું કે, 2017માં હું અહીં સાધલીમાં જ સભા કરવા આવ્યો હતો.
તે વખતે મારી સામે અહીંની સભા મામલે જ પોલીસ કેસ થયો હતો, જેમાં હું અને મારા કાર્યકર્તા જેલમાં પણ ગયાં હતા.
પણ તેમ છતાં અક્ષય પટેલને તેની કિંમત ન થઇ અને પક્ષ પલટો કરી સામે જતા રહ્યા છે.
હાર્દિક પટેલે મતદારોને સીઘા જ આ મામલામાં ઇન્વોલ્વ કરી કહ્યું કે, આ ચૂંટણી તમારા(મતદારો) સ્વમાન અને અભિમાન માટેની ચૂંટણી છે. સ્વમાન અને સ્વાભિમાન સાથે ચેડાં કરે તેને છોડવાં ન જોઇએ. સરકાર ખેડૂતોને તેમની ખેત પેદશનાં ટેકાનાં ભાવ આપવામાં નિષ્ફળ ગઇ છે. ખેડૂતોને સરકાર કપાસનાં ભાવ આપવામાં નિષ્ફળ રહી છે.
હાર્દિક પટેલે હુંકાર કરતા કહ્યું કે, કરજણ બેઠક 25 હજાર મતથી કોંગ્રેસ જીતી રહી છે, તેવો IBનો રિપોર્ટ છે. રાજ્યની તમામ 8 બેઠકો કોંગ્રેસ જીતી રહી છે. હાર્દિકે લોકોને પ્રશ્ન પુછતા કહ્યું……. લોકડાઉનમાં 20 લાખ કરોડનાં રાહત પેકેજની દરવખતે કરવામાં આવે છે તેવી રીતે જ જાહેરાત મોદી સાહેબે કરી હતી.
તેમાંથી એકપણ રૂપિયો તમને મળ્યો છે ?
હવે તો ભાજપને હરાવવું જ પડશે, કારણ કે, ભાજપને રાવણ જેવું અભિમાન આવી ગયું છે……
