પ્લેન અને હેલિકોપ્ટરના મેઈન્ટેનન્સ, પાઈલોટ અને અન્ય સ્ટાફ પાછળ બે વર્ષમાં રૂ. ૨૩.૬૯ કરોડનો ખર્ચ
વિધાનસભા ગૃહમાં દરિયાપુર વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો રાજ્ય સરકાર દ્વારા પ્લેન અને હેલિકોપ્ટર પાછળ થયેલ ખર્ચ અંગે પ્રશ્ન કર્યો હતો. જેના લેખિત જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું છે કે, છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા સરકારની માલિકીના પ્લેન અને હેલિકોપ્ટરના મેઈન્ટેનન્સ, પાઈલોટ અને અન્ય સ્ટાફ પાછળ રૂ. ૨૩.૬૯ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
![]()
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, આજે સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓ મંદી-મોંઘવારી-બેકારીનો સામનો કરી રહ્યા છે. કોરોનાના કારણે મોટી સંખ્યામાં ફેકટરી-કારખાનાઓ બંધ થઈ ગયા છે. હજારો યુવાનોની નોકરીઓ જતી રહી છે. રાજ્ય સરકારે કોરોના સમયે વીજ બિલમાં રાહત, શિક્ષણ ફી માફી, મફત સારવાર, ખેડૂતોને પૂરતી વીજળી, પોષણક્ષમ ભાવ, રાહતદરે ખાતર-બિયારણ-દવા આપવાના બદલે માસ્કના નામે કરોડો રૂપિયાનો દંડ પ્રજાના ખિસ્સામાંથી ખંખેરી લીધા છે.
રાજ્યની પ્રજા પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસમાં રોજેરોજ વધતા ભાવ, સીંગતેલ સહિતના ખાદ્યતેલ, અનાજ, જીવનજરૂરી ચીજવસ્તુઓમાં થયેલ અસહ્ય ભાવવધારાના કારણે ત્રસ્ત બની છે. પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે ત્યારે રાજ્ય સરકાર હવામાં ઉડવામાં મસ્ત છે. આજે ગુજરાતના માથે રૂ. ૩ લાખ કરોડનું જંગી દેવું છે ત્યારે સરકારની માલિકીના પ્લેન પાછળ વર્ષ ૨૦૧૯માં રૂ. ૩.૬૦ કરોડ જ્યારે વર્ષ ૨૦૨૦માં રૂ. ૧૩.૩૨ કરોડનો ખર્ચ જ્યારે હેલિકોપ્ટર પાછળ વર્ષ ૨૦૧૯માં રૂ. ૩.૪૨ કરોડ જ્યારે વર્ષ ૨૦૨૦માં રૂ. ૩.૩૭ કરોડનો જંગી ખર્ચ કર્યો છે.
