કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લામાં સોમવારથી અડધા દિવસનું લોકડાઉન જાહેર કરવામા આવ્યું છે. શહેરના જુદા જુદા વેપારીઓના એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક સ્તરે કોરોનાની જે સ્થિતિ જોવા મળી રહી છે તે જોતા નાગરિકોના હિત માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું વેપારીએ એસોસિયેશનના વડાએ જણાવ્યું હતું.જેમાં મોરબીના ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશન, મોરબી ખાદ્યતેલ એસોસિએશન સહિતના એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ સોમવારે 5 એપ્રિલ થી એક અઠવાડિયા સુધી માત્ર અડધા દિવસ માટે વેપાર કરવામાં આવશે.

વેપારી એસોસિયેશન દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્ણય અન્વયે મોરબી જિલ્લામાં સોમવારથી શહેરની દુકાનોને અડધો દિવસ ખુલ્લી રાખવામાં આવશે અને બપોરે બે કલાક બાદ તમામ બજારો બંધ રાખવામાં આવશે. આ બાબતની તમામ સ્થાનિકોને નોંધ લેવા એસોસિએશન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

એ બાબત ઉલ્લેખનીય છે કે સરકારી આંકડા ખોટા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે તેનું મુખ્ય કારણ છે કે અહીંની હોસ્પિટલમાં રોજના ૨૦ થી ૨૫ પોઝિટિવ કેસ જાહેર કરવામાં આવી રહ્યા છે પરંતુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં લોકોની લાઈનો કે રોજના 400 થી 500 પોઝિટિવ કેસ આવતા હોય તેમ લાગી રહ્યું છે.સૌથી મોટું કારણ તો લોકો એ બાબતને ગણાવી રહ્યા છે કે હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે ત્યાં બેડ પણ ખૂટી પડ્યા છે.

આ ઘટનાની રજૂઆત મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સમક્ષ સ્થાનિકોએ કર્યા બાદ તેઓએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલ સમક્ષ રજૂઆત કરી છે. જે સંદર્ભે તેઓએ આજથી જ કોરોના ટેસ્ટિંગ કિટની વધારે ફાળવણી કરવામાં આવશે અને ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે તેવી ધરપત આપી છે.વધુમાં નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યું છે કે આજથી ટેસ્ટનો કવોટા વધારીને 2000 થઈ જશે. આ અગાઉ આ ટેસ્ટ ક્વોટા 500નો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
