આજે ફરી એક વખત રાજ્યમાં વધી રહેલા કોરોના કહેરના કારણે હાઈકોર્ટે સરકારને સાણસામાં લીધી હતી.રાજ્યમાં વધતા કોરોનાના કહેરને કારણે લોકોને પડતી હાલાકી મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો અરજીની સુનાવણી કરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ તથા જસ્ટિસ બલરામ કારિયાની ખંડપીઠે અવલોક્યું હતું કે, ટેસ્ટિંગ કરાવવામાં, બેડ મેળવવા તથા ઓક્સિજન અને રેમડેસિવિર મેળવવામાં તકલીફ પડી રહી છે. આ સામે સરકાર વતીનાં વકીલે જણાવ્યું હતું કે, અમે ક્યારેય એવું નથી કહ્યું કે, અમે બધું સારું હતું અને સારું છે અમે કહ્યું છે, અમે સતત પ્રયાસ કરીએ છીએ. આ અંગેની વધુ સુનાવણી આગામી મંગળવારે થશે.
અમે સતત પ્રયાસ કરીએ છીએ, હાલમાં મેન પાવરની શોર્ટજ : સરકાર વતી હાઈકોર્ટે સમક્ષ એડવોકેટ જનરલ
રાજ્ય સરકાર વતી હાઈકોર્ટે સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની દલીલ કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, બેડની અછત હોવાનું સરકારે હાઇકોર્ટેમાં સ્વીકાર્યું. 15 માર્ચ 2021ના રોજ ઓક્સિજનનું 100 મેટ્રિક ટન ઉત્પાદન હતું. જેની સામે 55 મેટ્રિક ટનની જરૂરિયાત હતી. ત્યારબાદ અચાનક ઓક્સિજનની માંગમાં વધારો થયો. અમે ક્યારેય એવું નથી કહ્યું કે, બધું સારું હતું અને સારું છે અમે કહ્યું છે, અમે સતત પ્રયાસ કરીએ છીએ. હાલમાં મેન પાવરની શોર્ટજ છે. ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત છે અમે સ્વીકારીએ છીએ. 108નું વેઇટિંગ ધીમે ધીમે ઘટી જશે. સમય સાથે કેસ વધી રહ્યા છે. રિસોર્સ ઓછા છે હાલમાં બેડ નથી.
કોઈ દર્દીને દાખલ કરવાની ના પાડી શકાય નહીં : એડવોકેટ એસો. વતી એડવોકેટ અમિત પંચાલ
એડવોકેટ એસો. વતી એડવોકેટ અમિત પંચાલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ગાઈડલાઈન પ્રમાણે કોઈ દર્દીને દાખલ કરવાની ના પાડી શકાય નહીં. 900 બેડની હોસ્પિટલ ચાલુ થઈ તો પણ હોસ્પિટલની બહાર દર્દીઓ મરી રહ્યા છે. 675 એમ્બ્યુલન્સની સામે રોજના 2 હજારથી વધુ કેસો આવી રહ્યા છે. લોકો એમ્બ્યુલન્સ અને યોગ્ય સારવારના અભાવે મરી રહ્યા છે. હું તમને હાથ જોડીને કહું છું, 108 મુદ્દે ઓર્ડર પાસ કરો.
108એ ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસ પર ધ્યાન આપવું જોઈએ : હાઇકોર્ટ
હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢતાં જણાવ્યું કે, 108એ ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસ પર ધ્યાન આપવું જોઈએ. 108માં જ દર્દીઓને અમદાવાદની 4 હોસ્પિટલમાં એડમિશન આપવામાં આવ્યા છે. કેમ પ્રાઇવેટ વાહનોમાં દર્દીઓ આવે તો એમને એડમિશન આપવામાં આવતા નથી. છેલ્લી સુનવણીમાં પણ આ મુદ્દા પર અમે સ્પષ્ટતા માંગી હતી. કેમ એફિડેવિટમાં આ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી? એબ્યુલન્સ મામલે પણ તમારું સ્ટેન્ડ વિરોધાભાસ છે.આ ઉપરાંત હાઇકોર્ટે જણાવ્યું કે, સરકારની તૈયારી શું છે? માત્ર અમદાવાદની કેમ વાત કરો છો? તમે માત્ર એએમસીનાં વકીલ નથી. રાજ્ય માટે શું પ્લાન છે. અત્યારની પરિસ્થિતિ બિહામણી છે ઓક્સિજન આપવા માટેનો તમારો શું પ્રોસેસ છે?
જરૂર પડશે તો VSને ફૂલી કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવશે : કમલ ત્રિવેદી
સરકાર વતી કમલ ત્રિવેદીએ જણાવ્યું કે, PSA ઓક્સિજન પ્લાન્ટની પરમિશન કેન્દ્ર સરકાર આપે છે, રાજ્યમાં 8 પ્લાન્ટ માટે પરમિશન મળી હતી. જેમાં 1ને બ્લેકલિસ્ટ કર્યું છે. 7માંથી 4 પ્લાન્ટ ચાલું થઈ ગયા છે અને બાકીના 3 પ્લાન્ટ 3 મે એ ચાલુ થઈ જશે. SVP કોવિડ હોસ્પિટલ છે એટલે VS હોસ્પિટલમાં 150 બેડ સિવાય નોન કોવિડ દર્દી સારવાર લઈ રહ્યા છે. જરૂર પડશે તો VSને ફૂલી કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, 108 પણ દર્દીઓને સારવાર મળે તે માટે પૂરતો પ્રયત્ન કરે છે અમે 15 વાન નવી એડ કરી છે અને બીજી 150 એમ્બ્યુલન્સ 3 દિવસમાં વધારીશું.

