સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે ત્યારે નાના બાળકોથી લઈને મોટા માણસોને કોરોના ઝપેટમાં લઈ રહ્યો છે ત્યારે આ કોરોનાની બીજી લહેરમાં બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે વાત કરીએ વડોદરા શહેરની તો શહેરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન કોરોનાથી કુલ 3192 બાળકો સંક્રમિત થયા છે. જે પૈકી માત્ર એક જ બાળકનું મોત થયુ છે. શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં હાલ 606 બાળકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે. સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધી 158 બાળકો કોરોનાથી સંક્રમિત થઇને સારવાર માટે આવ્યા હતા. જે પૈકી ૨૩ બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા અને 135 બાળકોને ઘરે જ સારવાર આપવામાં આવી છે.
નોધનીય છે કે બાળકોમાં ન્યુમોનિયા, શરદી, તાવ, ખાંસી, ઝાડા ઉલ્ટી જેવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરીને તેમની સારવાર ચાલુ કરી દેવી જોઇએ અને જરૃર ન હોય તો બાળકોને ઘરની બહાર લઇને નીકળવું જોઇએ નહી.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર બાળકો માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, માર્ચ થી એપ્રિલ સુધીમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત અને દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 80 હજારથી વધુ બાળકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે.
