વિરોધ/ ફુલ માર્કેટ ચાલુ રાખવાની માંગ સાથે માળી સમાજની મહિલાઓનો વિરોઘ

માળી સમાજનો વિરોધ ફુર માર્કેટ જીવનજરૃરીયાતની જ વસ્તુ છે

Vadodara

કોરોનાના કપરાકાળને પહોંચી વળવા માટે અનેક રાજ્યોમાં લોકડાઉન કરવામાં આવ્યુ છે. તો ગુજરાતના મોટા શહેરોમાં જરૃરીયાતની ચીજ-વસ્તુ વગરની તમામ દુકાનો બંધ રાખવામાં આવી છે. ઉપરાંત રાત્રી કફર્યુનો પણ અમલ કરવામાં આવ્યો છે. પરંતુ આ નિયમનો નાના ફેરીઓથી લઇને અનેક લોકો વિરોધ પણ કરી રહ્યા છે. તેમાં વડોદરા શહેરના ફુલ માર્કેટનો માળી સમાજ પણ છે. વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ સ્થિત ફૂલ બજાર છેલ્લા 20 દિવસથી બંધ છે. જેના કારણે માળી સમાજના વ્યાપાર ધંધા બંધ થઈ ગયા હોવાથી  આજે મહિલાઓએ દેખાવો અને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.

ગુજરાત સરકાર તરફથી મીની લોકડાઉનનો અમલ કરવાના ભાગરૂપે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાય અન્ય વ્યાપાર ધંધા બંધ કરવામાં આવ્યા છે. પરંતુ આ નિયમનો સ્થાનિક સત્તાવાળાઓ કડક અમલ કરતા નથી. જેથી વેપારીઓમાં પણ અસંતોષ ફેલાયો છે. ત્યારે માળી સમાજનું કહેવુ છે કે શાકભાજી ની જેમ જ ફૂલો પણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ છે, અને તેના વેચાણમાં છુટછાટ આપવી જોઇએ. આ માંગણી સાથે આજે ફુલ બજારની મહિલાઓએ દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

ફૂલ બજારમાં વ્યવસાય કરતી માળી સમાજની મહિલાઓએ જણાવ્યું હતું કે છેલ્લા પંદર વીસ દિવસથી ફૂલ બજાર બંધ કરી દેવામાં આવ્યું છે. જેને કારણે અમારા પરિવારજનો અનેક આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.  જે રીતે શાકભાજી અને ફ્રુટની દુકાનો ચાલુ રાખી શકાય છે.  તે રીતે  ફૂલો પણ જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓનો એક ભાગ છે જેથી ફૂલ બજાર ને પણ ચાલુ રાખવાની મંજૂરી આપવી જોઈએ. મહિલાઓએ કોર્પોરેશન પર આક્ષેપ કર્યો હતો કે મીની લોકડાઉનનો કડક અમલ કરવો જોઈએ તે કરવામાં આવતો નથી અને અનેક વેપારીઓ ની દુકાનો ખુલ્લી રાખવામાં આવે છે ત્યારે ફૂલ બજાર બંધ કરવામાં આવી રહ્યું છે તે અયોગ્ય છે. અમને ન્યાય મળે અને અમારી દુકાનોને પણ ચાલુ રાખવાની પરવાનગી મળવી જોઇએ.