Vadodara News: નર્મદા નદીમાં સતત ઉપર વાસમાં વરસાદના લીધે સરદાર સરોવર ડેમની પાણીની સપાટીમાં વધારો થતાં બંધમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. તેના લીધે નર્મદા કિનારે આવેલા ચાંદોદ, કરનાળી, નંદેરિયા અને ભીમપુરાના ગામોને એલર્ટ કરવામાં આવ્યો છે. જાણીતા યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદાની જળસપાટીમાં વધારો થયો છે.
આમ ચોમાસાની ચાલુ સીઝનમાં પ્રથમ વાર વડોદરા જિલ્લાના ડભોઇના યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ અડધો અડધ ખાલી હોવાથી નર્મદા નદી હાલ ભયજનક સપાટીથી ઘણી દૂર છે. જોકે, મલ્હારરાવ ઘાટના 108 પગથિયા પૈકી 53 જેટલા પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નર્મદા નદીની સપાટીમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે, જેથી તકેદારીના ભાગરૂપે પોલીસ કર્મચારીઓ પણ તૈનાત કરાયા છે.
ઇન્ચાર્જ કલેકટર મમતા હીરપરાએ જણાવ્યું કે, વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના કુલ 25 ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહી અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામનો સમાવેશ થાય છે.
નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના 25 ગામોના નાગરિકોને નદીના પટમાં ન જવા જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી છે. સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ ન થાય તે માટે સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો: મહેસાણામાં EVની બેટરીમાં થયો મોટો બ્લાસ્ટ થતા પરિવારનો અભૂતપુર્વ બચાવ
આ પણ વાંચો: પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલાના ઘરે આવ્યું 20 લાખનું વીજળીનું બિલ અને પછી….
આ પણ વાંચો: “ફરજી” વેબસિરીઝ જોઈને સુરતના રત્નકાલાકારે કર્યો કાંડ
