લાંચ/ ભૂજમાં જમીન માપણી માટે લાંચ લેતો કર્મચારી પકડાયો

લાંચ લેતા કર્મચારીઓ પકડાયા

Gujarat

 ભૂજમાં આવેલી ડિસ્ટ્રિક્ટ ઈન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ ઓફિસનો આઉટસોર્સિંગ કર્મચારી સર્વેયર તેના ખાનગી વ્યક્તિ મારફતે 4,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. છટકું ગોઠવીને એસીબીએ  આરોપીને લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યો હતો.

માલિકીની જમીનના સરવે નંબરની માપણી કરવા પેટે લાંચ માંગી હતી. આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ, માંડવી તાલુકાના ગોધરા ગામના ફરિયાદીએ પોતાની માલિકીની જમીનના સરવે નંબરની માપણી કરવા ઓનલાઈન અરજી તથા તેનું પેમેન્ટ કર્યું હતું. ત્યારબાદ આ કામ માટે વિક્રમસિંહ બહાદુરસિંહ જાડેજાની આ સરવે માટે નિયુક્તિ કરવામાં આવી હતી. તે દરમિયાન વિક્રમસિંહના વચેટિયા મઝહર હુસેન નસિરુદ્દીન અન્સારીએ અરજદારને ફોન કરી વિક્રમસિંહ વતી લાંચ પેટે 4,000 રૂપિયાની માગણી કરી હતી.

સમગ્ર બાબતે અરજદારે ભૂજ એસીબી કચેરીનો સંપર્ક કરતાં આજે એસીબીએ માંડવીના ગોધરા ગામમાં છટકું ગોઠવી વિક્રમસિંહ અને મઝહર હુસેનને લાંચની માગણી કરી તેને સ્વીકારતા પકડી પાડ્યા હતા. આ સમગ્ર ટ્રેપિંગની કાર્યવાહી ટ્રેપિંગ અધિકારી એમ. જે. ચૌધરી તથા એ.સી.બી. બોર્ડર એકમના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે લાંચ લેવાના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે.લાંચ માંગતા કર્મચારીઓને પકડી પાડવાનું અભિયાન એસીબી દ્વારા ચલાવવામાં આવ્યું છે