કાર્તિક વાજા, ઊના@મંતવ્ય ન્યૂઝ
ઊનામાં લગ્ને-લગ્ને કુંવારી લુંટેરી દુલ્હન આજે સવારના સમયે એક યુવક સાથે તેના મળતિયાઓ સાથે વાજતે-ગાજતે લગ્ન કરવા પોહચી પણ વરરાજાને આ કન્યા લુંટેરી દુલ્હન હોવાનું માલુમ થતા પોલીસને જાણ કરતા આ કન્યા લગ્ન પહેલા જેલમાં પહોચી અને આ અંગેની વરરાજાએ કન્યા તેમજ તેમના મળતિયા વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવાની તજવિજ હાથ ધરી છે.

એક બીજાને પસંદ આવતા બધુ નક્કી કરેલ
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ તાલુકાના નાળીયેરી મોલી ગામે રહેતા રમેશભાઇ હરીભાઇ રાખોલીયાના એકના એક પુત્ર હિતેષ ઉ.વ.30ના લગ્ન કરાવવાની ઇચ્છા તેમના પિતાને હોય આ અંગેની વાત તેમણે બાજુના કાકડીમોલી ગામે રહેતા વિનુભાઇ રણછોડભાઇ રાઠોડને કરતા તેમણે રમેશના પુત્ર હિતેષના લગ્ન કરાવવા રાજકોટ મુકામે કન્યા હોય ત્યાં જવું પડશે, તેમ કહેતા નાળીયેલી મોલીથી હિતેષ તેમનો મિત્ર પરેશ રામણી તથા કાકડીમોલીના વચેટીયા વિનુભાઇ સહીતના લોકો રાજકોટ મુકામે ગયેલા, ત્યાં હિતેષને કન્યા સપના રમેશભાઇ કોસીયા સાથે મુલાકાત કરાવી અને હિતેષ તથા સપના એ વાતો કરી, એક બીજાને પસંદ આવતા બધુ નક્કી કરવાની વાત આવી એ વખતે જુનાગઢની પણ એક યુવતી કાજલ પરેશ હિરપરા તરીકે ઓળખાણ આપેલ તે પણ સપનાની સાથે હતી.
ઉના આવી કોર્ટમાં લગ્ન કરવાનું નક્કી કરેલ
એ દરમ્યાન લેવડ-દેવડની વાત નક્કી કરેલ અને એ વખતે સપનાની લગ્નની ખરીદી માટે રૂ.20 હજાર રોકડા મળી કુલ રૂ.41 હજાર રોકડા આપ્યા હતા. અને લગ્ન બાદ રૂ.2 લાખ રોકડા આપવાના તેમજ કન્યાના દાગીના પણ બનાવી આપવાના આ બધુ નક્કી થયુ અને વરરાજા હિતેષ પણ કન્યા પક્ષની વાતમાં સહમત થયો. અને તા.21 જુનના કન્યા પક્ષના લોકો ઉના આવી કોર્ટમાં લગ્ન કરવાનું નક્કી કરેલ પરંતુ હિતેષ સાથે ગયેલ તેમના મિત્ર પરેશને કન્યા પક્ષની વાતોમાં કંઇક શંકા લાગતા તેમણે હિતેષ તથા તેમના પરીવારજનોને વાત કરી કે આ કન્યા પક્ષના લોકો પૈસા પડાવવાનું કામ કરે છે.
ભાડું પણ વરરાજાએ ચુકવી આપ્યુ
ત્યાર બાદ 21 જુનના રોજ કન્યા સહીત તેમની સાથેના મળતિયા કાર ભાડે કરીને ઉના પોહચ્યા જે કારનું ભાડું પણ વરરાજાએ રૂ. 5500 ચુકવવાનું કન્યાના પરીવારજનો એ કહેતા તે ભાડું પણ વરરાજાએ ચુકવી આપ્યુ. બાદમાં વરરાજા હિતેષભાઇ તથા તેમના પરીવારજનો તેમના વકીલની ઓફીસે ગયેલા અને વકીલને વાત કરતા વકીલે કન્યાના ડોક્યુમેન્ટ જેવા કે આધારકાર્ડ તેમજ જન્મ તારીખનો દાખલો માંગતા વકીલને પણ શંકા ગયેલ અને આધારકાર્ડ તથા જ.તારીખનો દાખલો બોગસ હોય વકીલે જણાવેલ કે શનિવાર હોય હવે કોર્ટનું કામ થશે નહીં તમારા ડોક્યુમેન્ટ મુક્તા જાવ અને સોમવારે આવજો એટલે કોર્ટમાં લગ્ન કરાવી આપીશું.
વરરાજાએ પોલીસ ફરીયાદ નોંધાવી
બાદમાં વરરાજાના વકીલે સધળા ડોક્યુમેન્ટની તપાસ કરતા આ ડોક્યુમેન્ટ બોગસ હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ દેખાતા આ સધળી હકીકતથી ગીર સોમનાથ જીલ્લા એસ.પી.ને લેખિતમાં અરજી કરેલ બાદમાં સોમવારે કન્યા પક્ષના લોકો આવવાના હતા તે આવ્યા નહી. અને મંગળવારે કન્યા સપનાનો ફોન હિતેષ પર ફોન આવેલ કે અમો તા.23 જુનના બુધવારે આવીશું તમે દાગીના અને રોકડ રકમ રૂ.2 લાખ તૈયાર રાખજો બાદ હિતેષભાઇએ ઉના પોલીસને આ વાતથી વાકેફ કરતા સવારે 11 વાગ્યે કન્યા સપના તથા તેમની માતા કાસીબેન રમેશ કોસીયા, કાજલ પરેશ હિરપરા, અને તેમની સાથે કાકડીમોલી ગામના વિનુ રણછોડ રાઠોડ તેમની પત્નિ ક્રિષ્ના વિનોદ રાઠોડ તથા અન્ય બે શખ્સો ઉના કોર્ટમાં આવેલ તે બાબતે સાદા ડ્રેસમાં આવેલ પોલીસે આ તમામને ઝડપી લઇ પોલીસ સ્ટેશને લાવેલ અને સમગ્ર કોંભાંડની તપાસ હાથ ધરવામાં આવેલ.
લગ્ન કરવા આવેલી કન્યા અને તેમના મળતિયાને પોલીસે લગ્ન પહેલા જેલ હવાલે કર્યા
જ્યારે આ અંગેની ઉના પોલીસમાં વરરાજા હિતેષ રમેશભાઇ રાખોલીયા ફરીયાદ નોધાવાની તજવિજ હાથ ધરેલ છે. આ બાબતે તપાસનીશ પોલીસ અધિકારી જે.વી.ચુડાસમા સાથે વાત કરતા તેમણે જણાવેલ હતુ કે આ તમામ લોકોના ડોક્યુમેન્ટ શંકાસ્પદ હોય અને તેમના સાચા નામનું વેરીફીકેશન કરવામાં આવી રહ્યું છે.લુંટેરી દુલ્હનની ગેંગ અને તેમના મળતિયાઓ પૈસા લઇ લગ્ન કરાવી આપતા હોય હાલ તમામ પોલીસ દ્વારા પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે. અને આ લુંટેરી દુલ્હને કેટલા લોકોને ખંખેર્યા તે અંગેની પણ પોલીસ દ્વારા ઉડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે.

